125 years celebration of Gujarati Catholic Congregation in Gujarat.
ગુજરાતમાં કેથલિક ધર્મસભાની સૌપ્રથમ સ્થાપના આણંદ પાસેના મોગરી ગામ ખાતે થઈ હતી. જ્યારે ફાધર મેન્યુએલ ઝેવિયર્સ ગોમ્સના હસ્તે મોગરી, નાપાડ અને આસપાસના ૧૮ વ્યક્તિઓને સ્નાનસંસ્કાર આપી કેથલિક ધર્મસભાના પાયાના મંડાણ કર્યાં હતાં. એ દિવસ હતો ડિસેમ્બર ૧૧, ૧૮૯૩. આ વાતને ૧૨૫ વર્ષ પૂરાં થતાં મોગરી સહિત આસપાસના ગ્રામજનો તેમજ અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા તેની વિશેષ રીતે ઊજવણી કરાઈ હતી.
ગુજરાતમાં ૧૨૫ વર્ષની કેથલિક ધર્મસભાની ઊજવણી ચાર ભાગમાં કરવાનું અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા નક્કી કરાયું. જેમાં પ્રથમ અમદાવાદ એ પછી આણંદ, ઉમરેઠ અને છેલ્લે મોગરી ખાતે તેની ઊજવણી કરાઈ હતી. જેમાં સમુહ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. મોગરીમાં જે જગ્યાએ મોગરી, નાપાડ સહિત આસપાસના ૧૮ વ્યક્તિઓને સ્નાનસંસ્કાર આપ્યા હતા તે જગ્યા પર વર્ષ ૧૯૯૩માં ૧૦૦ વર્ષ પૂરાં થતાં તે જગ્યાએ સેંટ ઝેવિયર્સ ચર્ચ નામે ચર્ચ બનાવવામાં આવ્યું છે. સ્વ. ઈગ્નાશભાઈ મેકવાન તથા ફાધર વિલિયમ પાઉલ દ્વારા જમીનનું દાન કરવામાં આવ્યું હતું. જે ચર્ચ આજે સમગ્ર ઈતિહાસની સાક્ષી પૂરી રહ્યું છે.
૧૨૫ વર્ષની ઊજવણીના ભાગરૂપે મોગરી ગામમાં મંગળવારે સાંજે સમુહ પ્રાર્થના અને ત્યારબાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરના મહાધર્માધ્યક્ષ થોમાસ મેકવાન, અમદાવાદના ધર્માધ્યક્ષ રત્નાસ્વામી, વડોદરા ધર્મપ્રાંતના મહાધર્માધ્યક્ષ બિશપ સ્ટેની ફર્નાન્ડિઝ અને ગુજરાત પ્રાંતના પ્રાંતપતિ ફાધર ફ્રાન્સીસ પરમાર, સહિત અન્ય ફાધર, સીસ્ટર્સ સહિત અન્ય ભક્તજનો હાજર રહ્યા હતા.
પણ ઈતિહાસ પર નજર નાખીએ તો ખરેખર તો ગુજરાતી કેથલિક ધર્મસભાની શરુઆત તો સપ્ટેમ્બર ૯, ૧૮૯૧માં (મરિયમ જયંતી) મુબઈ ખાતે થઈ હતી. જ્યારે ગુજરાતમાંથી રોજીરોટી મેળવવા આવેલા ૮ વ્યક્તિઓ જેમને કામે રાખનારા સિસ્ટરોની સહાયથી તેઓએ ધાર્મિક શિક્ષણ મેળવ્યું અને વાંદરાના સંત પીતર દેવળમાં સ્નાનસંસ્કાર મેળવી કેથલિક ધર્મસભામાં પ્રવેશા મેળવ્યો. જેમાં નાપાડના ૨ જણ અને મોગરીના ૬ જણ હતાં.
થોડા સમય પછી નાપાડના બે જણમાંથી એક શ્રી. ફ્રાન્સિસ ઝાવિયેર (ભગા ટીસા) નાપાડ પરત આવ્યા ૧૮૯૩માં ગુજરાતના કેથલિક લોકોની સારસંભાળ માટે મુંબઈના ધર્માધ્યક્ષે ફાધર મેન્યુઅલ ગોમ્સને ગુજરાત મોકલી આપ્યા. જેઓ વડોદ સ્ટેશન પર ઉતરી પગપાળા નાપાડ પહોંચ્યા જ્યાં એમના સફેદ જભ્ભાને લીધે શ્રી. ફ્રાન્સિસભાઈએ એમને ઓળખી લીધા અને તેમનું સ્વાગત કર્યું. એ સમયે નાપાડમાં મુક્તિફોજનુ વર્ચસ્વ હોવાથી ફાધરે મોગરી જવાનું નક્કી કર્યું જે જોગનુવસાત શ્રી. ફ્રાન્સિસભાઈની સાસરી હતી. આ રીતે મોગરીને ફાધરે પોતાનું કેંદ્ર બનાવી દીધું અને પછી તો ગુજરાત કેથલિક ધર્મસભા સમગ્ર ગુજરાતમાં કેલાઈ ગઈ.
વિશેષ માહિતી માટે નીચેની પિક્ચર પર ક્લિક કરી શ્રી. ગાબ્રિયેલ ક્રિશ્ચિયન દ્વારા પ્રકાશિત પુસ્તિકા વાંચો.
ગુર્જરવાણી ગૌરવસહ આપણી શરૂઆતની ડોક્યુમેંટ્રી રજૂ કરે છે………………. “શ્રદ્ધાનું વડવૃક્ષ”
Gurjarvani brings you the documentary film. – “The Faith that Bloomed” – about the start of the Catholic Church in Gujarat at Mogri.