OASIS VALLEYSની મુલાકાતે . . . જુઓ…. જાણો…. અને જોડાઓ

 

 

છેલ્લાં બે સપ્તાહથી આશાદીપ વિદ્યાનગરમાં હોલેન્ડની બે કોલેજિયન યુવતીઓ અહીનું લોકજીવન નિહાળવા અને તેનો અભ્યાસ કરવાના ધ્યેયથી આવી છે ને જુદી જુદી જગ્યાએ જઈને બધું જૂએ છે  ને રહીને અનુભવ કરે છે. તા 17  મીના રોજ હું તેમને ચાણોદમાં નર્મદા નદીને કિનારે કોતરમાં ઉભું કરેલ એક જાણીતું કેન્દ્ર કે જે ઓએસીસ  વેલીસ (OASIS VALLEYS) તરીકે ઓળખાય છે તે જોવા લઇ ગયો હતો.

            

 

આશરે વીશેક વરસો  પહેલા વડોદરામાં કેટલાંક યુવક યુવતીઓએ ભેગાં મળીને સમાજ માટે કૈંક કરવાનો સંકલ્પ કર્યો અને ઓએસીસ નામે સંજીવ શાહની આગેવાની હેઠળ એક ગ્રુપ શરુ કર્યું. ગ્રુપના સભ્યો પાંચ વરસ સુધી સાથે રહ્યા અને શું કરવું તેની ચર્ચા વિચારણા તથા મનોમંથન કર્યું. ગ્રુપ સાથે હું તેની શરૂઆતથી મિત્ર રહ્યો છું અને તેમને સાથ સહકાર આપતો આવ્યો છું. બધાં યુવકયુવતીઓ શિક્ષિત, સંસ્કારી અને સામાજિક નિસબત ધરાવતી  આશાસ્પદ વ્યક્તિઓ છેતેઓ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા સમાજમાં જવાબદાર નાગરીકો ઘડવા ને પેદા કરવા માટે પ્રયત્નશીલ રહે છે. સામાન્ય પ્રકારનું અને ચીલા ચાલુ જીવન જીવવા કરતા કૈંક જુદા પ્રકારની જીવનશૈલી અપનાવવી એવો તેમને સંકલ્પ કર્યો છે. મનગમતી ને જીવનમાં આનંદ આપે તેવી પ્રવૃતિઓ કરાવી ને તેમાંથી જીવન નિર્વાહ માટે આવક પેદા કરાવી એવું તેઓ માને છે ને એમાં સફળ પણ થયા છે.    

 

 

ચાણોદમાં નર્મદા નદીના કોતરોમાં જેમાં કશુજ ઊગી શકાતું નહોતું  તેવી ખરાબાની જમીન કોઈએ તેમને વેચી. ગ્રુપે આજે જમીનની કાયા પલટી  નાખી છે. આજે અહી વિવિધ પ્રકારના ૪૦૦૦ વૃક્ષો ઉગાડ્યાં છે ને એકેય ઝાડ એવું નથી કે જે નકામું હોય ને કશા કામમાં આવતું હોય. તેઓ વિલાયતી ખાતરના વિરોધી છે અને માત્ર ને માત્ર દેશી (ઓર્ગનીક) ખાતર વાપરે છે ને બનાવે પણ છે. ફાર્મ અને ગ્રુપ વિષે મારે એટલું બધું કહેવાનું છે કે આજે તે માટે સમય અને અવકાશ નથી. છેલ્લા કેટલાંક વખતથી તેઓએ શાળાઓમાં ભણતાં કિશોરકિશોરીઓના વ્યક્તિ ઘડતરની શિબિરોનું આયોજન કરવાનો આરંભ કર્યો છે ને તેમાં સફળ થયા છે. ખુદને મને તેમની સદ્પ્રવૃતિ  ઘણી ગમે છે ને મારી રીતે ત્યાં કોઈને મોકલવાનો પ્રયાસ કરું છું.        

 

 

ઓએસીસ વેલીસ નાં ઉદ્ઘાટન પ્રસંગે ગ્રુપના મિત્રોને તેમને આમંત્રણ આપ્યું હતું જેમાં મારો પણ સમાવેશ કર્યો હતો ને ત્યાં જઈને મેં ઘણો આનંદ માન્યો હતો.

 

ફાધર વિલિયમ

 

એક નવું દર્શન! ફાધર વિલિયમનો અનુભવ એમના શબ્દોમાં……….

            

 

ગઈ કાલે મેં મારા ભાઈઓ તથા બેનોના પરિવારો સાથે મારા ગામમાં મારા ઘરમાં બધા સાથે બેસીને મારાં ૭૫ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી કરી. મારો એક ભત્રીજો સુનીલ પણ પુરોહિત છે ને તેને ગઈ સાલ દીક્ષા મળેલી તેની સાથે ઘરમાં પરિવારજનોના મોટા સમૂહ સાથે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો ને ભૂતકાળનાં ઘણાં સુખદ સંસ્મરણો વાગોળ્યાં જે બધાને બહુ ગમ્યું ને બહુ આનંદ માન્યો. ઠીક, આ બધું તો બરાબર છે પણ મારે જે કહેવું છે તે કૈંક જુદું છે ને મારે માટે પણ એ નવો અનુભવ છે. તો સાંભળો:

 

          મારી સાથે મારા બીજા ભાઈઓ ને બહેનો પણ હતાં ને અમે સૌ અમારા પરિવારજનોના કાકા, મામા, દાદા-દાદીઓ હતાં. પણ હું જુદા પ્રકારનો કાકા, મામા . . .હતો. મારા ભાઈઓ મારી જેમજ કાકા ને મામા હતા પણ સાથે સાથે તે કોઈના પપ્પા . . .પણ હતા અને એ રીતે વહેચાયેલા હતા ! માત્ર હું એકલો જ એવો હતો કે જે વહેચાયેલો ન હતો ને એમ મારા ભત્રીજાઓ, ભત્રીજીઓ, ભાણીઓ ને ભણાઓ માટે પૂરેપૂરો-અવિભાજ્ય- કાકો ને મામો હતો! કારણ હું ફાધર તરીકે અપરણિત હોવાને કારણે વહેચાયેલો નથી. આનંદની વાત તો એ છે કે જ્યારે તેઓ મને મળતાં, બોલાવતાં, ભેટતાં ને શુભેચ્છાઓ પાઠવતાં ત્યારે આ હકીકત બહુ જ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. તેઓને માટે બીજા કાકા ને મામા પણ ત્યાં હતા પણ તે બધા જાણે કે વહેચાયેલા હતા જ્યારે હું એકલો જ પૂરેપૂરો તેમને માટે કાકા કે મામા હતો. આવી ક્ષણોએ મને મારા બ્રહ્મચર્યના વ્રતનું મહત્વ સમજાયું ને અનહદ આનંદ થયો. આ વ્રતને કારણે હું પૂરેપૂરો, બધો જ બીજાને માટે છું, અમૂક લોકો કે અમૂક સમાજ કે  જ્ઞાતિ પૂરતો સીમિત નથી.   આમાં જ મારા બ્રહ્મચર્યનો સાચો અર્થ છે. જે ક્ષણે હું ‘સીમિત’ બની જાઉં તે જ ક્ષણે મારું આ વ્રત મિથ્યા અને અર્થહીન બની જશે. બધાને માટે હોવું  ને સૌની સેવા માટે અવેઈલેબલ બની રહેવું એ  ભગવાને બક્ષેલ પરમ વરદાન છે ને એવું વરદાન ભગવાને મારી અપાત્રતા છતાં મારા પર વરસાવ્યું છે તે માટે હું એનો ઉપકાર માનું તેટલો ઓછો. એ પુણ્ય મારાં ક્યાંથી! 
          યુવકો ને યુવતીઓ જેઓ સન્યાસી જીવનપંથ પસંદ કરે છે, ફાધર કે સિસ્ટર્સ બને છે યા બનવા ઈચ્છે છે તેમને આમાંથી પ્રેરણા મળે એવી મારી પ્રાર્થના છે. આવજો…     

 

       

 

(ફાધર વિલિયમ)

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…