Category Archives: Community Events

ગુજરાતની કેથોલિક હાઈસ્કૂલના ચાર યાજ્ઞિક-આચાર્ય અમેરિકાની ટૂંકી મુલાકાતે – ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ

ગુજરાતમાં ઘણી પ્રખ્યાત કેથોલિક હાઈસ્કૂલ છે જેમાંથી શિક્ષણ મેળવી કેટલાય વિદ્યાર્થીઓએ દેશ-પરદેશમાં ઊજ્વળ કારકિર્દી મેળવી છે. એમાંની ચાર હાઈસ્કૂલના આચાર્ય જે જેસુઇટ યાજ્ઞિક પણ છે તે બોસ્ટન અમેરિકા ખાતે યોજાઈ રહેલી ચાર દિવસીય શૈક્ષણિક પરિષદમાં શિક્ષણની નવી ક્ષિતિજને આંબવાની ચર્ચા-વિચારણામાં ભાગ લેવા જુલાઈ મહિનાના અંતમાં આવી રહ્યા છે. ન્યુ યોર્ક-ન્યુ જર્સી ની આસપાસ વસતા ગુજરાતી કેથોલિક ભાગ્યશાળી છે કે તેઓની આ ટૂંકી મુલાકાત દરમ્યાન પણ સમય ફાળવી તેઓ આપણા માટે ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરશે.

 

ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ ના નેજા હેઠળ ઓગષ્ટની ૫ મી તારીખે બપોરે બરાબર ૧ વાગે ગુજરાતી ખિસ્તયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે જે નક્કી થતાંજ એની જાહેરાત કરવામાં આવશે. તો હાલ તમારા તારીખિયામાં આની નોંધ કરી દો. ટૂંક સમયમાં આવનાર ચાર આચાર્યની ઓળખાણ સાથે સ્થળની જાહેરાત કરવામાં આવશે તો ફરી અહીં મુલાકાત લેતા રહેજો.

સદભાવના ફોરમમાં જોડાવા માટે ફાધર વિલિયમનું આમંત્રણ.

સદભાવના ફોરમ

 

તા. ૧૧ મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ફોરમની એક મહત્વની મિટિંગ યોજાઈ ગઈ જેમાં સદભાવના ફોરમની કાર્યવાહી તથા પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન અને છેલ્લાં ચાર વરસોમાં તેણે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓનો હિસાબ-કિતાબ કરવામાં આવ્યો. ફોરમના બધા સભ્યોએ પ્રસ્તુત બાબતે જે પ્રતિભાવો રજૂ કર્યા એ બધા જ વિધેયાત્મક અને સંતોષકારક હતા. ફોરમનો ઉદ્દેશ ‘ગુજરાતમાં સઘળે સામાજિક સંવાદિતા’ સ્થપાય ને જળવાય તેને હજીયે વધુ બળવત્તર બનાવવા સાથે સાથે જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આવા શુભકાર્યમાં રોકાયેલ હોય તેની કદર થાય તથા એને પ્રોત્સાહન મળે એ હેતુસર પ્રતિ વર્ષ રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ બે એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. તદનુસાર પ્રતિવર્ષ કૈલાસ ગુરુકુલ આશ્રમ, મહુવામાં યોજાતા ‘સદભાવના પર્વ’ દરમ્યાન ઉપસ્થિત સહુની સમક્ષ શ્રી. મોરારિ બાપુના હસ્તે સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ બે વ્યક્તિઓ/સંસ્થાઓને એક એક લાખ રૂપિયાનો એમ બે એવોર્ડ એનાયત કરી તેમને વધાવી લેવામાં આવશે.
 
લાંબા ગાળાનાં ફળ ઉપજાવે તેવો બીજો નિર્ણય લેવામાં આવ્યો  એ આ છે: જે જે સ્થળોએ શ્રી. મોરારિ બાપુની કથા ચાલતી હોય ત્યાં રોજ રોજ ચોપાસનાં સ્થળોએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ પ્રદાન કરતા શિક્ષકો માટે શ્રી. મોરારિ બાપુની સાથે બેઠકો યોજવી અને તેમને સદભાવના ફોરમના ઉદ્દેશથી વાકેફ કરી તેમાં જોડાવા પ્રેરણા આપવી જેથી તેમના દ્વારા ચોપાસની શાળાઓમાં ભણતા વિશાળ વિદ્યાર્થી સમૂહોને સામાજિક સંવાદિતાનો સંદેશો પહોંચી જાય અને કિશોરાવસ્થાથી જ તેમનામાં ભાઈચારાના સંસ્કારોનાં બીજ રોપાય.
 
બે સાલ પહેલાં કીર્તિમંદિર પોરબંદરથી ગાંધી આશ્રમ, અમદાવાદ સુધી સદભાવના (વાહન) યાત્રા યોજવામાં આવી હતી જેનો બાકી રહેલો બીજો તબક્કો અર્થાત ગાંધી આશ્રમથી દાંડી સુધીની યાત્રાનું આયોજન કરવું એવો નિર્ણય પણ લેવામાં આવ્યો. પ્રસ્તુત યાત્રામાં તેના માર્ગમાં આવતા વિવિધ જિલ્લા વિસ્તારોને આવરી લઈ મહત્વનાં સ્થળો, બહુધા કોલેજીયનો સાથે જાહેરસભાઓ યોજવી. આ જાહેરસભાઓને રાજ્ય તથા રાજ્યની બહારની જાણીતી વ્યક્તિઓ સંબોધન કરશે અને યુવાવર્ગોને સામાજિક સંવાદિતાનો સંદેશો આપશે. હકીકતે ગુજરાતનો યુવાવર્ગ કે જે આવતી કાલનું આપણું ભાવિ છે તેને યાત્રાના આ દિવસોમાં ખાસ લક્ષ્યમાં રાખવામાં આવનાર છે.
 
આપ જોઈ શકશો તેમ સદભાવના ફોરમના સભ્ય તરીકે મારે ઘણીબધી મહત્વની ભૂમિકા અદા કરવાની ભારે જવાબદારી છે. એટલે, સહુ મિત્રોને અપીલ કરું છું કે તે સભાનપણે અદા કરવામાં આપ સહુ મને સહકાર આપશો. વળી, ગુજરાતના ખૂણે ખૂણે સમાજિક સંવાદિતા પ્રગટે, જળવાય અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય એ માટે ગુજરાતના ખ્રિસ્તિ સમૂહોમાંથી બહોળી સંખ્યામાં લોકો આ અભિયાન-મીશનમાં જોડાય અને સક્રિય બને એવી પણ મારી તીવ્ર ઈચ્છા છે તો એ માટે પણ તમારો સહકાર માંગું છું. મારો મોબાઈલનંબર નીચે આપું છું જેથી આ બાબતે માહિતી મેળવવામાં તમને સરળતા રહે.
ફાધર વિલિયમ – મો: ૯૪૨૭૦૨૬૦૮૩

રેવ. આશીર્વાદ કુંજરાવિયા સાહેબ ૧૦૧ વરસે આજે પ્રભુમાં પોઢી ગયા. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

 

હમણાં ૨૦૧૧ ડિસેમ્બરમાં જ રેવ. આશીર્વાદ કુંજરાવિયાએ ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી હતી. પણ આજે હવે એ આ દુનિયા મધ્યે નથી રહ્યા અને ઈશ્વરના દરબારમાં પરમશાંતિમાં પહોંચી ગયા છે. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે અને એમના પરિવારજનો અને મિત્રોને આ આઘાત સહન કરવા શક્તિ બક્ષે.

 

ફ્યુનરલની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. સોમવાર જુલાઈ ૨જીએ સાંજે એમના પાર્થિવ શરીરને આખરી વખત નિહાળી એમની સાથે પ્રાર્થનાનો સમય ગાળવાની યોજના છે. સમય અને જગ્યા માટે ફરીએ મુલાકાત લેતા રહેજો. લગભગ કાલે સવારે ૧૧ વાગ્યા સુધીમાં માહિતી એકત્ર કરીને અહીં રજૂ કરવામાં આવશે.

 

UPDATES: 

 

Viewing: Monday July 02, 2012 – 7:00PM to 9:00PM

Place: Christ United Methodist Church

               7th Avenue and 45th Street

               Brooklyn, NY 11220

 

Funeral Service: at the above location on Tuesday July 03, 2012 at 9:00AM

 

Burial : In Staten Island. Woodrow United Methodist Church Cemetary (Behind Church)

1075 Woodrow Road, Staten Island, NY 10312

Phone: 718-984-0148 (church office)

Inormation provided by: Mr. Joyel Merchant.

“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુ એસ એ”નો ફાધર વિનાયક સાથે મિલન કાર્યક્રમ યોજાયો – મે ૨૬, ૨૦૧૨

 

“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુ એસ એ”નો મિલન કાર્યક્રમ યોજાયો

        
તા. ૨૬ મે, ૨૦૧૨ને શનિવારે બપોર બાદ ૨:00 કલાકે ફા. વિનાયક જાદવ સાથે મળવા-હળવાનો કાર્યક્રમ ઉપરોક્ત સંસ્થાના ઉપક્રમે યોજાયો હતો. વુડબ્રીજ, ન્યુ જર્સીના શ્રી. જગદીશ અને ક્લેરા ક્રિશ્ચિયનના નિવસસ્થાને ફા. વિનાયકના શુભ હસ્તે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” પણ અર્પણ કરાવાનો હોઈ ૫૦ ઉપરાંત ગુજરાતી કેથલિકો એકત્ર થયા હતા. ફા.ને આવતાં એકાદ કલાકનો વિલંબ થવાથી સમૂહમાં ભક્તિ ગીતો તાલ-સૂર સાથે ગાઈને, તથા “ગુલાબમાળા”ની અને “પવિત્ર મારિયાની મે મહિનાની ભક્તિ”માં સૌએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ફા. વિનાયકે  આવતાંની સાથે મોડા થવા બદલ અફસોસ વ્યક્ત કરીને સ્વજનોને ઉમળકાથી મળવાના ભાવ સાથે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” અર્પણ વિધિની ૫0 મિનિટના સમયમાં હાજર રહેલાં સૌનાં દિલ જીતી લીધાં હતાં. ફા. વિનાયક પોતાનો પી. એચ. ડી.નો અભ્યાસ પૂર્ણ કરવા છ મહિના માટે અમેરિકા આવ્યા છે. ફક્ત ટ્રાઈસ્ટેટ્ના ગુજરાતી કેથલિક પરિવારોને મળવાના હેતુસર આજનો આ કાર્યક્રમ યોજવાની જવાબદારી શ્રી જગદીશ ક્રિશ્ચિયને નિભાવી હતી.      
      
આવનાર રવિવાર “પેન્તેકોસ પર્વ” હોઈ આરંભમાં “આવો,આવો, પરમા પવિત્ર હે આતમ” ગીતથી સભાખંડમાં પવિત્રતાનો માહોલ સર્જાયો હતો. બાઈબલવાચન ઉપર ફા. વિનાયકે “પવિત્રઆત્મા”ના ગૂઢાર્થને સરળ ભાષા અને રોજિંદા વપરાશની ક્રિયા-પ્રક્રિયાઓ દ્વારા સમજાવીને સૌને ખુશ કરી દીધાં હતાં. દરેકના અંતરમાં જાગતી પ્રેરણા, એ જ પવિત્ર આત્માની અનુભૂતિ હોઈ, સારી અને ખરાબ ઈચ્છા સમજવાની વ્યક્તિની જવાબદારી જાણી લેવી જોઈએ. રેડ-ગ્રીન ટ્રાફિટ સિન્ગલો, ઈન્ટરનેટ સીસ્ટમ, વગેરે જેવી આધૂનિક સુવિધાઓ સાથે સરખામણી કરીને ”પવિત્ર આત્મા”ની દોરવણીની પ્રક્રિયા સહજતાથી સમજાવી હતી. સમૂહમાં સૂર-તાલસહિત ભક્તિગીતો ગવાતાં, સમગ્ર ધમંવિધિમાં પુરોહિત તરીકે ફા. વિનાયક અને હાજર શ્રધ્ધાળુઓ સાથે એક ઘરેલુ ભાવનાત્મક સંબંધ બંધાયો હતો.
        
“ખ્રિસ્તયજ્ઞ” બાદ સેવ-ઉસળ-બુંદી-જલેબી અને ઠંડાં પીણાંની મજા માણતાં હાજર સૌ પરિવારો સાથે ફા. વિનાયકે આત્મિયતાથી મળીને સૌને સામાજિક વ્યવહારની ગુજરાતની પ્રણાલિકાનો અનુભવ કરાવ્યો હતો. સૌની સાથે મળવા-હળવા સાથે ગુજરાતી ધર્મસભા, ગુજરાતી ધર્મજનો, કેથલિક કોમ્યુનિટીની ગતિવિધિ, વગેરે ઘણા વિષયો ઉપર વાતચીત થઈ હતી. ક્લેરા અને ઈલા ક્રિશ્ચિયન તથા માનસી મેકવાને સ્વાદિષ્ટ વાનગી બનાવી હતી.
       
દર વર્ષે “પવિત્ર અઠવાડિયા” દરમિયાન “આત્મિક ચિંતન”ની સભાઓ માટે અમેરિકામાં એક ગુજરાતી ફાધરની જરુરીયાત હોવાની સંસ્થા તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થાએ “પાવન હૃદય દૂત”ની શતાબ્દિ ઉજવી હતી, તે બદલ “દૂત”ના ‘માનદ તંત્રી’ તરીકે ખાસ આભારની લાગણી વ્યક્ત કરી હતી. મિલનના માહોલમાં સાંજના ૭:૩0 કલાકે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
-માહિતી સૌજન્ય: જોસેફ પરમાર                               
 
/
ફાધર વિનાયકનો હ્રદયસ્પર્શી બોધ સાંભળવા ઉપરના વીડિયો પર ક્લિક કરો.
વીડિયો રેકોર્ડિંગ – સિડની ક્રિશ્ચિયન *  એડિટીંગ – રાજ મેકવાન