Tag Archives: Rishta

સિસ્વા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવવાની પરવાનગી મેળવતી મહિલાઓ

સસ્તા અનાજની દુકાન ચલાવવા પાછળનો સરકારનો હેતુ ગરીબોને ખાવા માટે જરૂરી અનાજ બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળી રહે તેવો છે. પરંતુ જેમ બધી સરકારી યોજનાઓમાં ભષ્ટાચાર ચાલે છે તેમ આ યોજના પણ ભ્રષ્ટાચારના ભરડાથી બાકાત નથી. અમુક લોકો પૈસા આપીને સરકાર પાસેથી આ દુકાનો ચલાવવાના પરવાના મેળવી લે છે તથા ભ્રષ્ટાચાર કરીને અઢળક નાણાં કમાઈ લે છે. અને આવા લોકો અનાજને ગરીબો સુધી પહોંચાડવાને બદલે બારોબાર વેચી દે છે અને સરકારના શુભ હેતુને નાકામિયાબ બનાવી દે છે.
 
સરકારના આ શુભ હેતુને અમલમાં મૂકવા એટલે કે ગરીબોને ખાવા માટે અનાજ મળી રહે એ માટે “આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર” સંચાલીત મહિલા સશક્તિ જુથે સંકલ્પ કર્યો અને બોરસદ તાલુકાના સિસ્વા ગામની બહેનોએ આ કાર્ય હાથ ધર્યું. પ્રથમ તેઓ મામલતદાર પાસે ત્યારબાદ પુરવઠા અધિકારી પાસે જઈને રજૂઆત કરી પણ કાંઈ વળ્યું નહીં. વિરોધીઓ તથા સ્થાપિત હિતોએ તેમના પ્રયત્નને નિષ્ફળ બનાવવા બધા જ ઉપાયો અજમાવ્યા. છેવટે મહિલાઓએ કલેક્ટર પાસેથી પરવાનગી મેળવી લીધી. સમગ્ર પ્રક્રિયામાં રેગીનાબેન, શારદાબેન તથા પાર્વતિબેને ઘણી જહેમત ઊઠવી હતી. બે મહિનાની લડત તથા સખત મહેનતનું છેવટે સુફળ પ્રાપ્તથયું એ સહુને આનંદ થયો છે. આ અનુભવે સહુને લાગ્યું છે કે ગરીબોનાં હિતમાં લડીએ તો ચોક્કસ તેનું પરિણામ હકારાત્મક આવે છે.
 
પ્રસ્તુત અભિયાન તથા મહિલાઓની આ લડતમાં સીસ્ટર સરોજ એલ.ડી. નુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સીસ્ટર સરોજ, કો-ઓર્ડીનેટર તરીકે “આશાદીપ” દ્વારા ચાલતી જાગૃતિ પ્રવૃત્તિમાં ઘણાં સક્રિય છે ને એવા કાર્યક્રમો યોજતાં હોય છે.
સમાચાર-પિક્ચર:  “રિશ્તા”        

સોસ્યલ કમ્યુનિકેશન ફોરમમાં રીના પ્રશાંત જોબની નિયુક્તિ

સોસ્યલ કમ્યુનિકેશન ફોરમમાં રીના પ્રશાંત જોબની નિયુક્તિ

ખ્રિસ્તીઓમાં મીડીઆના મહત્વ તથા સામર્થ્ય અંગે સભાનતા પ્રગટે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં તેનો ઉપયોગ કરવાનો ઉત્સાહ જાગે એવા ધ્યેયને વરીને ભારતના કેથોલિક બિશપોના એસોસીએશન સી.બી.આઈ. એ સોસ્યલ કમ્યુનિકેશન ફોરમની રચના કરી છે. વેસ્ટર્ન રીજન કે જેમાં મહારાષ્ટ્ર તથા ગુજરાતનો સમાવેશ થાય છે તેના વેસ્ટર્ન રીજયનલ સોસ્યલ કન્યુનિકેશન ફોરમમાં ગુજરાતમાંથી પાંચ સભ્યો છે તેમાં હવે તાજેતરમાં મહિલા સભ્ય તરીકે રીના પ્રશાંત જોબની નિયુક્તિ કરવામાં આવી છે. રીનાબેને ‘રિશ્તા’ સંચાલિત ત્રણ માસની પત્રકારત્વ તાલીમમાં અને ક્રિએટીવ રાઈટીંગમાં જોડાઈને લઘુકથા તથા ગઝલ લેખનમાં પણ ભાગ લીધો હતો. પાંચેક વર્ષ પહેલાં તેમણે મલ્લિકા સારાભાઈ દ્વારા મહિલાઓનું સામાજિક ક્ષેત્રે પ્રદાન વિષયે શરૂ કરાયેલ ટી.વી. સીરીયલમાં ‘રિશ્તા’ ના ઉપક્રમે સક્રિય ભૂમિકા ભજવી હતી. ચાર સાલ પહેલાં ‘આકાશવાણી-અમદાવાદ વડોદરા’ પરથી પ્રાસારિત કરાયેલ નાતાલ રેડીઓ નાટકના રેકોર્ડીંગમાં પણ રીનાબેને ભૂમિકા ભજવી હતી. અવારનવાર ‘નવક્રાતિ’ માં પણ મહિલા જાગૃતિ વિષયે તેમનાં લખાણો પ્રસિધ્ધ થયાં છે. રીનાબેનની નિયુક્તિ બદલ ‘રિશ્તા’ તથા ‘નવક્રાંતિ’ તેમને હાર્દિક અભિનંદન પાઠવે છે અને મીડીઆ ક્ષેત્રે તેઓ તેમનું પ્રદાન કરતા રહી અન્ય ખ્રિસ્તી મહિલાઓને પ્રેરણા આપે તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. (પ્રેષક: ફાધર વિલિયમ)