Tag Archives: Sr. Saroj L.D.

સિસ્વા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવવાની પરવાનગી મેળવતી મહિલાઓ

સસ્તા અનાજની દુકાન ચલાવવા પાછળનો સરકારનો હેતુ ગરીબોને ખાવા માટે જરૂરી અનાજ બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળી રહે તેવો છે. પરંતુ જેમ બધી સરકારી યોજનાઓમાં ભષ્ટાચાર ચાલે છે તેમ આ યોજના પણ ભ્રષ્ટાચારના ભરડાથી બાકાત નથી. અમુક લોકો પૈસા આપીને સરકાર પાસેથી આ દુકાનો ચલાવવાના પરવાના મેળવી લે છે તથા ભ્રષ્ટાચાર કરીને અઢળક નાણાં કમાઈ લે છે. અને આવા લોકો અનાજને ગરીબો સુધી પહોંચાડવાને બદલે બારોબાર વેચી દે છે અને સરકારના શુભ હેતુને નાકામિયાબ બનાવી દે છે.
 
સરકારના આ શુભ હેતુને અમલમાં મૂકવા એટલે કે ગરીબોને ખાવા માટે અનાજ મળી રહે એ માટે “આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર” સંચાલીત મહિલા સશક્તિ જુથે સંકલ્પ કર્યો અને બોરસદ તાલુકાના સિસ્વા ગામની બહેનોએ આ કાર્ય હાથ ધર્યું. પ્રથમ તેઓ મામલતદાર પાસે ત્યારબાદ પુરવઠા અધિકારી પાસે જઈને રજૂઆત કરી પણ કાંઈ વળ્યું નહીં. વિરોધીઓ તથા સ્થાપિત હિતોએ તેમના પ્રયત્નને નિષ્ફળ બનાવવા બધા જ ઉપાયો અજમાવ્યા. છેવટે મહિલાઓએ કલેક્ટર પાસેથી પરવાનગી મેળવી લીધી. સમગ્ર પ્રક્રિયામાં રેગીનાબેન, શારદાબેન તથા પાર્વતિબેને ઘણી જહેમત ઊઠવી હતી. બે મહિનાની લડત તથા સખત મહેનતનું છેવટે સુફળ પ્રાપ્તથયું એ સહુને આનંદ થયો છે. આ અનુભવે સહુને લાગ્યું છે કે ગરીબોનાં હિતમાં લડીએ તો ચોક્કસ તેનું પરિણામ હકારાત્મક આવે છે.
 
પ્રસ્તુત અભિયાન તથા મહિલાઓની આ લડતમાં સીસ્ટર સરોજ એલ.ડી. નુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સીસ્ટર સરોજ, કો-ઓર્ડીનેટર તરીકે “આશાદીપ” દ્વારા ચાલતી જાગૃતિ પ્રવૃત્તિમાં ઘણાં સક્રિય છે ને એવા કાર્યક્રમો યોજતાં હોય છે.
સમાચાર-પિક્ચર:  “રિશ્તા”