“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુ એસ એ”નો ફાધર વિનાયક સાથે મિલન કાર્યક્રમ યોજાયો – મે ૨૬, ૨૦૧૨

 

“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુ એસ એ”નો મિલન કાર્યક્રમ યોજાયો

        
તા. ૨૬ મે, ૨૦૧૨ને શનિવારે બપોર બાદ ૨:00 કલાકે ફા. વિનાયક જાદવ સાથે મળવા-હળવાનો કાર્યક્રમ ઉપરોક્ત સંસ્થાના ઉપક્રમે યોજાયો હતો. વુડબ્રીજ, ન્યુ જર્સીના શ્રી. જગદીશ અને ક્લેરા ક્રિશ્ચિયનના નિવસસ્થાને ફા. વિનાયકના શુભ હસ્તે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” પણ અર્પણ કરાવાનો હોઈ ૫૦ ઉપરાંત ગુજરાતી કેથલિકો એકત્ર થયા હતા. ફા.ને આવતાં એકાદ કલાકનો વિલંબ થવાથી સમૂહમાં ભક્તિ ગીતો તાલ-સૂર સાથે ગાઈને, તથા “ગુલાબમાળા”ની અને “પવિત્ર મારિયાની મે મહિનાની ભક્તિ”માં સૌએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ફા. વિનાયકે  આવતાંની સાથે મોડા થવા બદલ અફસોસ વ્યક્ત કરીને સ્વજનોને ઉમળકાથી મળવાના ભાવ સાથે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” અર્પણ વિધિની ૫0 મિનિટના સમયમાં હાજર રહેલાં સૌનાં દિલ જીતી લીધાં હતાં. ફા. વિનાયક પોતાનો પી. એચ. ડી.નો અભ્યાસ પૂર્ણ કરવા છ મહિના માટે અમેરિકા આવ્યા છે. ફક્ત ટ્રાઈસ્ટેટ્ના ગુજરાતી કેથલિક પરિવારોને મળવાના હેતુસર આજનો આ કાર્યક્રમ યોજવાની જવાબદારી શ્રી જગદીશ ક્રિશ્ચિયને નિભાવી હતી.      
      
આવનાર રવિવાર “પેન્તેકોસ પર્વ” હોઈ આરંભમાં “આવો,આવો, પરમા પવિત્ર હે આતમ” ગીતથી સભાખંડમાં પવિત્રતાનો માહોલ સર્જાયો હતો. બાઈબલવાચન ઉપર ફા. વિનાયકે “પવિત્રઆત્મા”ના ગૂઢાર્થને સરળ ભાષા અને રોજિંદા વપરાશની ક્રિયા-પ્રક્રિયાઓ દ્વારા સમજાવીને સૌને ખુશ કરી દીધાં હતાં. દરેકના અંતરમાં જાગતી પ્રેરણા, એ જ પવિત્ર આત્માની અનુભૂતિ હોઈ, સારી અને ખરાબ ઈચ્છા સમજવાની વ્યક્તિની જવાબદારી જાણી લેવી જોઈએ. રેડ-ગ્રીન ટ્રાફિટ સિન્ગલો, ઈન્ટરનેટ સીસ્ટમ, વગેરે જેવી આધૂનિક સુવિધાઓ સાથે સરખામણી કરીને ”પવિત્ર આત્મા”ની દોરવણીની પ્રક્રિયા સહજતાથી સમજાવી હતી. સમૂહમાં સૂર-તાલસહિત ભક્તિગીતો ગવાતાં, સમગ્ર ધમંવિધિમાં પુરોહિત તરીકે ફા. વિનાયક અને હાજર શ્રધ્ધાળુઓ સાથે એક ઘરેલુ ભાવનાત્મક સંબંધ બંધાયો હતો.
        
“ખ્રિસ્તયજ્ઞ” બાદ સેવ-ઉસળ-બુંદી-જલેબી અને ઠંડાં પીણાંની મજા માણતાં હાજર સૌ પરિવારો સાથે ફા. વિનાયકે આત્મિયતાથી મળીને સૌને સામાજિક વ્યવહારની ગુજરાતની પ્રણાલિકાનો અનુભવ કરાવ્યો હતો. સૌની સાથે મળવા-હળવા સાથે ગુજરાતી ધર્મસભા, ગુજરાતી ધર્મજનો, કેથલિક કોમ્યુનિટીની ગતિવિધિ, વગેરે ઘણા વિષયો ઉપર વાતચીત થઈ હતી. ક્લેરા અને ઈલા ક્રિશ્ચિયન તથા માનસી મેકવાને સ્વાદિષ્ટ વાનગી બનાવી હતી.
       
દર વર્ષે “પવિત્ર અઠવાડિયા” દરમિયાન “આત્મિક ચિંતન”ની સભાઓ માટે અમેરિકામાં એક ગુજરાતી ફાધરની જરુરીયાત હોવાની સંસ્થા તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થાએ “પાવન હૃદય દૂત”ની શતાબ્દિ ઉજવી હતી, તે બદલ “દૂત”ના ‘માનદ તંત્રી’ તરીકે ખાસ આભારની લાગણી વ્યક્ત કરી હતી. મિલનના માહોલમાં સાંજના ૭:૩0 કલાકે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
-માહિતી સૌજન્ય: જોસેફ પરમાર                               
 
/
ફાધર વિનાયકનો હ્રદયસ્પર્શી બોધ સાંભળવા ઉપરના વીડિયો પર ક્લિક કરો.
વીડિયો રેકોર્ડિંગ – સિડની ક્રિશ્ચિયન *  એડિટીંગ – રાજ મેકવાન  

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…