ગુજરાતી ક્રિશ્ચિયન કમ્યૂનિટિ પિકનીક અને ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને સફળ આયોજન.
“પ્રભુના લોક એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે.” ગીતશાસ્ત્ર ૧૩૩:૧
ઉપરના બાઇબલ વચનને શનિવાર, ઑગસ્ટની ૨૪ તારીખે યોજાએલ ગુજરાતી ક્રિશ્ચિયન કમ્યૂનિટિ પિકનીક અને ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સાર્થક થતું જોયું અને જાણ્યું. બે વર્ષ પહેલાં કનાન ચર્ચના ભાઈ રોજર, ભાઇ રવિ અને પાસ્ટર પર્સી મેકવાને પિકનીક સાથે બે ચર્ચની ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો ગોઠવ્યો હતો જેને સારી સફળતા મળી હતી. આ પ્રસંગમાંથી પ્રેરણા લઈને શ્રી. વિકે મકવાણાને એક ઉમદા વિચાર આવ્યો કે ટ્રાઈ-સ્ટેટ એરિયામાં ગુજરાતી ક્રિશ્ચિયન કમ્યૂનિટિ છૂટી-છવાઇ રહે છે. અને બધાં ખ્રિસ્તી હોવા છતાં પોતાના અલગ અલગ સંપ્રદાય સાથે સંકળાયેલા છે. આ સમગ્ર ગુજરાતી ખ્રિસ્તી સમુદાયને એક સાથે એક મંચ હેઠળ લાવવા છે અને એમ થયું કારણ ઈશ્વરની પણ ઈચ્છા એવી જ હતી.
મોટા વિચારો કરવા, સપનાં જોવાં એ જેટલું સરળ અને સહેલું છે અમલમાં મુકી સફળતાની પરાકાષ્ઠને પહોંચવું એ એટલું જ અઘરું છે. જેના માટે ધીરજ, વાત સમજાવવાની અને સમજવાની શિસ્ત, બહોળો અનૂભવ, વિવિધ પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથેના સંબંધ વગેરેની આવશ્યકતા છે. હવે આટલા મોટા પાયાનું આયોજન એકલ પંડે અઘરું જ નહીં પણ અશક્ય છે. એક આર્કિટેક્ચર કદાચ એકલા હાથે કોઈ મોટી ઈમારતનું બ્લૂપ્રીન્ટ તૈયાર કરે એમ વિકે એ આ આખા કાર્યક્રમનું માળખું તૈયાર કરી દીધું. પણ એ ઇમારત પૂરી કરવા કડિયા, પ્લમ્બર, ઈલેકટ્રિશ્યન, કારપેન્ટર વગેરેની જરૂર તો પડે જ.
વિકે મકવાણા કે જેઓ મુળ પાળજ, પેટલાદના વતની છે અને વર્ષોથી ફિલાડેલફિયા – GCFP ના સભ્ય છે તેમણે નીચેના ગુજરાતી ચર્ચ-સંગઠનોનો સંપર્ક કરી પોતાની યોજના સમજાવી તો એક અવાજે બધાએ એને વધાવી લીધી અને સંપૂર્ણ સહકારની બાંહેધરી આપી.
૧. ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશીપ ઓફ ફિલાડેલફિયા – GCFP
૨. કનાન ગુજરાતી ચર્ચ, સ્ટેટન આઇલેન્ડ – Cannan
૩. બેથેલશીપ નોર્વેજિયન યુએમસી, બ્રૂકલીન, ન્યુ યોર્ક – BNUMC
૪. ક્રાઇસ્ટ યુએમસી, બ્રૂકલીન, ન્યુ યોર્ક – CUMC
૫. ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ – GCSofUSA
૬. ઈન્ડિયન ક્રિશ્ચિયન સ્ટુડન્ટ એસોસિયેશન ઓફ યુએસએ – ICSA
૭. નાયગ્રા ટાઇટન્સ ટીમ – કેનેડા – Titans
ઉપર જણાવેલ વિવિધ ચર્ચો/સંગઠનોમાંથી કેટલાક ચુનંદા કાર્યકરોનો સંપર્ક કરી એક ટીમ ની રચના કરી.
ટીમનું નામ UGC – United Group of Community અને “પ્રભુના લોક એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે.” – ગીતશાસ્ત્ર ૧૩૩:૧ એ આ ટીમનું આધાર વચન આપવામાં આવ્યું.
આ ટીમમાં નીચેના સભ્યો જોડાયા અને ખભે થી ખભા મિલાવી ને બહુ જ ઉત્સાહ થી કામે લાગી ગયા.
૧. વિકે મકવાણા – આર્કિટેક્ચર –GCFP
૨. નિક્સન ક્રિશ્ચિયન – GCFP
૩. રાજ મેકવાન – GCSofUSA
૪. સેમસન ક્રિશ્ચિયન – BNUMC
૫. લોરેન ચૌહાણ – BNUMC
૬. રોજર ક્રિશ્ચિયન – Cannan Church
૭. અમિત મેકવાન – CUMC
૮. રવી પરમાર – Cannan Church
૯. નેવિલ ક્રિશ્ચિયન – BNUMC
આ લોકોને ઉત્તેજન આપવા ત્રણ અનુભવી સલાહકાર, સમર્થકનું પીઠબળ મળ્યું.
રેવ. ડો. શ્રી. દિનકર ટેલર, પ્રેસિડન્ટ GCFP ,
શ્રી. જયંતી કારપેન્ટર ખજાનચી, GCFP અને
રેવ. પર્સી મેકવાન પાળક, કનાન ગુજરાતી ચર્ચ, સ્ટેટન આઇલેન્ડ.
આ યોજના પ્રમાણે હાજર થનારી બધી પેઢીઓને ધ્યાનમાં રાખી અલગ અલગ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ એક એવી રમત છે જે બાળકોથી માંડી મોટી ઉંમરના સ્ત્રી-પુરૂષો રસપૂર્વક માણતા હોય છે. સાથે સાથે કોથડા-દોડ, લીંબુ-ચમચી દોડ, ત્રણ પગની રીલે દોડ, વોલિબોલ, બેડમિન્ટન, વગેરે રમત રમવાની ગોઠવણ કરવામાં આવી હતી અને પરમેશ્વરની આભારસ્તુતિનું આયોજન સાથે સાથે હાજર સૌને સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું વાળું વિના મૂલ્યે પુરું પાડવામાં આવ્યું હતું.
આટલા મોટા પાયા પર થનારા કાર્યક્રમનો ખર્ચ પણ એટલો મોટો જ હોય એ સ્વાભાવિક છે પણ ટીમની હાકલ પડી અને સમાજના ઉદાર લોકોએ આર્થિક સહાય પૂરી પાડી. લેખની મર્યાદાને ધ્યાનમાં રાખી ફક્ત મુખ્ય દાનવીરોના નામનો ઉલ્લેખ યોગ્ય રહેશે. કોકિલા અને બકુલ ફ્રેન્ક ૫૦૦ ડોલર, જોનાથન બર્ક્લે ૫૦૦ ડોલર, ડો. વિજય રોય ૫૦૦, નિલેશભાઇ ૩૦૦, ટિનિબેન ૨૫૦ ડોલર, સિલાસભાઈ ગોહિલ ૨૦૦ ડોલર, સાથે બીજા ઘણા બધાએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું. સૌ દાનવીરોનો પુષ્કળ આભાર અને પરમપિતા પરમેશ્વર તેઓને પુષ્કળ આશિર્વાદ આપે.
માર્ચ મહિનાથી શરૂ થયેલી આ ચળવળ આખરે શનિવાર, ઑગસ્ટની ૨૪ તારીખે આખરી તબક્કામાં પહોંચી. સવારના સાડા છ વાગે મુખ્ય કાર્યકરો અને મોટી સંખ્યામાં સાથીદારો સાથે એડિસનમાં આવેલા રૂઝવેલ્ટ પાર્ક માં નિયત પિકનીક સ્થળ ગ્રોવ-૨અ પર પહોંચી બેનર લગાવી, ટેબલ સેટ કરી સવારના નાસ્તાની ગોઠવણ શરૂ કરી દીધી. નાસ્તામાં ગરમાગરમ ભજીયા સાથે ચા અને કોફી તૈયાર થવા લાગ્યા. બીજી તરફ જ્યાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની હતી તે મેદાન પર કારપેટ, સ્ટમ્પ, બાઉન્ડ્રીની નિશાનીઓ લગાવવાનું કામકાજ ચાલતું હતું. સાત વાગ્યાથી લોકો આવવા લાગ્યા અને આઠ વાગ્યા સુધીમાં તો આ સંખ્યા ૩૦૦ ને પાર કરી ગઈ.
આ ટુર્નામેન્ટમાં ટ્રાઈ સ્ટેટમાંથી ૬ ટીમોએ ભાગ લીધો હતો. એક ટીમ ખાસ કેનેડાથી પણ જોડાઈ હતી અને અલગ અલગ રાજ્યોમાં ઉચ્ચત્તમ અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ પણ પોતાની ટીમ સાથે હાજર હતા. આમ નીચે પ્રમાણેની આઠ ટીમોએ ઉત્સાહપૂર્વક અને ખેલદિલિ સાથે ભાગ લીધો હતો.
- GCFP Kings XI
- Canaan Church Warriors
- BNUMC Exodus
- Niagara Titans
- GCS Guardians
- CUMC ZNMD
- Jersey Challengers
- ICSA Non-Immigrants
દરેક ટીમની અલગ અલગ કલરની જર્સી ટુર્નામેન્ટના લોગો અને પાછળના ભાગ પર દરેક ખેલાડીના નામ અને બંન્ને બાંયો પર ભારત અને અમેરિકાના ધ્વજ સાથેની અગાઉથી તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત અમ્પાયરો અને સ્વયંમસેવકો માટે પણ અલગ કલરની જર્સી બનાવડાવી હતી. આ બધીજ જર્સી ઈન્ડિયાથી મંગાવવામાં આવી હતી અને શ્રી. વિકે મકવાણા અને તેમના પિતા શ્રી. ખુશાલબાઈ મકવાણાએ એને તૈયાર કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી. બધી ટ્રોફીસની સ્પોન્સરશીપ ભાઈ રોજર અને કુટુંબ તરફથી આપવામાં આવી હતી. એક તરફ નાસ્તાનો કાર્યક્રમ ચાલુ હતો તો ક્રિકેટના મેદાન પર પરમપિતાના આશિર્વાદ અને અભાર સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી. ક્રિકેટ ની સાથે BNUMC ચર્ચના રિજોઇશ પ્રવાસી, પિંકિ ચૌહાણ, નિમ્મિ થોમાસ, રુપલ ક્રિશ્ચિયને બાળકોની રમતો કોથડા-દોડ, લીંબુ-ચમચી દોડ, ત્રણ પગની રીલે દોડ પણ રમાડવાની શરૂ કરી દીધી હતી.
સ્પિન વ્હિલ એપના આધારે પહેલી ચાર મેચ માટે ટીમની જોડી બનાવવામાં આવી. એમાંથી ચાર વિજેતા ટીમ વચ્ચે બે સેમિફાઈનલ રમાશે અને અંતે ફાઈનલ એવું નક્કી કરવામાં આવ્યું હતું.
Knockout rounds results:
-
- BNUMC Exodus 79/4
- ICSA Non-Immigrants 70/2 BNUMC Exodus won by 9 runs
- Niagara Titans 81/5
- Canaan Warriors 45/6 Niagara Titans won by 36 runs
- Jersey Challenger 67/4
- CUMC ZNMD 68/0 CUMC ZNMD won by 10 wkts
- GCS Guardians 80/1
- GCFP Kings XI 43/6 GCS Guardians won by 37 runs
આ ચાર મેચના અંતે ક્રિકેટને થોડી વાર સ્થગિત કરવામાં આવી અને એકઠા મળેલા બધાંને પ્રાર્થના સભામાં જોડાવા વિનંતી કરવામાં આવી.
રેવ ડો દિનકર ટેલરના સુકાન નીચે પરમેશ્વરનો આભાર પ્રગટ કરવામાં આવ્યો.
શ્રીમતી કલ્પના ક્રિશ્ચિયને બાઇબલ વાંચન કર્યુ હતું.
શ્રીમતી ક્લેરિસ ક્રિશ્ચિયને પ્રાર્થના કરાવી હતી.
શ્રી. જયંતી કારપેન્ટરે સુંદર શુભસંદેશ આપ્યો હતો.
શ્રી. વિકે મકવાણાએ આ પિકનિક નો હેતુ સમજાવ્યો હતો.
શ્રી. પર્સી મેક્વાને આઠેય ક્રિકેટ ટીમો ને આગળ બોલાવી સર્વનું સન્માન કર્યુ હતુ. સાથે સાથે આયોજક ટીમ ને પણ બોલાવી તેમનું પણ સન્માન કર્યું હતુ.
શ્રી. સેમસન ક્રિશ્ચિયને આભારવિધિ કરી હતી.
રેવ શ્રી જય કિમે બપોરના ભોજનની પ્રાર્થના કરી હતી
છેલ્લે રેવ ડો. દિનકર ટેલટે આશિર્વચન ઉચ્ચાર્યા એ કરી પછી સૌ કોઈ પિકનીક સ્થળ તરફ વળ્યા જ્યાં સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્ત થયા. બાળકો માટે ખાસ પિઝાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભોજન પછી ક્રિકેટ ટુર્નામેન્ટની બે સેમિફાઈનલ રમાઈ જે બહુજ રોચક અને રસાકસી ભરી હતી.
- BNUMC Exodus 130/1
- Niagara Titans 73/8 BNUMC Exodus won by 57 runs
- GCS Guardians 49/6
- CUMC ZNMD 49/6 Tie (both the teams made equal runs
આ બીજી સેમિફાઈનલ બહુજ રસાકસી ભરી રહી અને આખું સ્ટેડિયમ પોતાની સીટ પરથી ઊભા થઈને બહુ આનંદ લીધો. આંતરરાષ્ટિય નિયમો અનુસાર સુપર ઓવર રમાડવામાં આવી.
- CUMC ZNMD 10/0
- GCS Guardians 09/0 CUMC ZNMD won by one run.
દરેક મેચ આઠ ઓવરની હતી. પણ જ્યારે સેમિફાઈનલ પૂરી થઈ ત્યારે ધાર્યા કરતાં મોડું થઈ ગયું હતું તો ફાઈનલ ફક્ત એક જ ઓવરની રમાડવામાં આવી.
- BNUMC Exodus 10/1
- CUMC ZNMD 06/1 BNUMC Exodus won by 4 runs
આ રીતે જોગાનુજોગ બ્રુકલિનની બે ટીમ એકબીજા સામે ફાઈનલ રમ્યા અને બીએનયુએમસી ટીમ ૨૦૧૯ ચેમ્પિયન બની.
રનર્સ અપની ટ્રોફી શ્રી. જોસેફ પરમારના હસ્તે અને વિજેતાની ટ્રોફી પાસ્ટર શ્રી.પર્સી મેકવાન અને શ્રી. વિકે મકવાણાના હસ્તે આપવામાં આવી હતી.
દિવસ ઓસરી રહ્યો હતો અને ઉજાસ અને અજવાળું વિખરાઈ રહ્યા હતા. સાંજના વાળા તરીકે સમોસા, ખિચડી/કઢી તૈયાર હતાં. ડોલીબેને ભોજન પર પ્રાર્થના કરાવી હતી. જે લોકો ખાઈ શક્યા એમણે ખાધું, નહીં તો તેઓ પોતાની સાથે લેતા ગયા.
એકબીજાના સહકાર અને સમજૂતી વગર આટલો સફળ કાર્યક્રમ અશક્ય છે. ઘણા બધા લોકોએ પડદા પાછળ રહીને પુષ્કળ મહેનત કરી એ સૌને ઈશ્વર આશિર્વાદિત કરે. રાજ મેકવાને ઓડિયો સીસ્ટમની વ્યવસ્થા કરી હતી અને કિફાયત ભાવે ફૂડની વ્યવસ્થા પણ કરી હતી. ભાઈ નિલેષે ડીજે ભુમિકા સારી રીતે ભજવી હતી. આ આખા કાર્યક્રમને કેમેરામાં કંડારવાની અને સોશિયલ મિડિયા પર પ્રકાશિત કરવા બદલ ફોટોગ્રાફર પૉલનો આભાર. આખા કાર્યક્રમમાં જરૂરી સામાન, ચેર, ટેબલ, પ્લેટ, ચમચી વગેરે એકત્ર કરી યુ-હૉલ ટ્રકને ફિલાડેલફિયાથી હંકારી લાવી ગોઠવવા સુધીની બધી જવબદારી માટે ભાઈ નિક્સન અને દિકરા નેવિલનો આભાર. સ્વંયસેવકો તરીકે નિક્સન ક્રિશ્ચિયન, સ્ટીવનસન બોરસદા, દીપક રાનાદિવ, રિજોઇશ પ્રવાસી, નિમ્મિ થોમાસ, ઇવાન્શ ગોહિલ, મમતા સાવન, જેનિફર રાનાદિવ, કલ્પના ક્રિશ્ચિયન, રુપલ ક્રિશ્ચિયન, રોમા ફ્રેન્ક, નેવિલ ક્રિશ્ચિયન, અમુલ ચૌહાણ, પિંકિ ચૌહાણ, શિલ્પા મક્વાણા, નિલેશ ક્રિશ્ચિયન, રોબિન રાઠોડ, પિંકેશ રાઠોડ, મિતેશ કોન્ટ્રાકટર વગેરે એ પણ પુષ્ક્ળ જહેમત ઉઠાવી હતી. સર્વે નો આભાર.
આ રીતે એક વ્યક્તિની કલ્પના, વિચાર, સ્વપ્ન એક અવિસ્મરણીય, ઐતિહાસિક ઘટના બની ગઈ. આ પ્રસંગ યોજવાના વિચારથી લઈને આ પ્રસંગની પૂર્ણાહુતી પર્યંત પરમેશ્વરનું અપાર ઐશ્વર્ય એને સજાવતું રહ્યું, અજવાળતું રહ્યું. લગભગ ૬૧૦ કરતાં પણ વધારે સંખ્યામાં હાજર રહેલા સર્વ ભાઈબેનોએ આખા પ્રસંગના ભરપેટ વખાણ કર્યા. કેટલાક જૂના સંબંધો આળસ મરડી નવા જોમથી જાગી ગયા તો કેટલાક નવા સંબંધોએનો જન્મ થયો. સુંદર અને સફળ આયોજન માટે આયોજકોનો આભાર માનતા લોકો થાકતા ન હતા. જુદા જુદા ચર્ચના, જુદા જુદા ગામના, નાની મોટી ઉંમરના, તંદુરસ્ત અને શારીરિક અક્ષમતાથી પીડાતા બહેનો અને ભાઈઓ બધાંએ આનંદ કર્યો અને ઐક્યતા અનુભવી.
આ પ્રસંગનું ટીવી કવરેજ અહીંની પ્રખ્યાત ચેનલ “ટીવી એશિયા” દ્વારા કરવામાં આવ્યું હતું. અને આખા દિવસના વિવિધ પ્રવુત્તિઓને આવરી લેતો ૬ મિનિટ અને ૫ સેકન્ડનો સંક્ષિપ્ત હેવાલ તેમના દૈનિક પ્રસારીત કાર્યક્રમ “કોમ્યૂનિટી રાઉન્ડઅપ” માં સમાવવામાં આવ્યો હતો. જેનું પ્રસારણ શુક્રવાર, ઑગસ્ટની ૩૦મી તારીખે સાંજે ૬:૩૦ વાગે કરવામાં આવ્યું હતું. ટીવી એશિયાના ચેરમેન પદ્મશ્રી. એચ. આર. શાહ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર.
ઇશ્વરની કૃપાથી આવતા વરસે ફરી મળીશું ત્યાં સુધી સુખી રહો, તંદુરસ્ત રહો અને ઇશ્વરના સાનિધ્યમાં રહો.
આલેખન: જગદીશ ક્રિશ્ચિયન. પિક્ચર્સ: પૉલ જેમ્સ સિંગ
Clip from TV Asia coverage aired on community roundup on August 30, 2019
Congratulations to all of the organizers,supporters, and volunteers of Gujarati Christian Community Picnic and Cricket Tournament- 2019. This was one of the best, successful, and memorable event. Keep up high spirit. God bless.
Also, the press note is very nice which covers the complete event. Thank you Jagadishbhai Christian for all your community services, and Paul James Singh for all the exciting pictures and videos.