“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ”ના ઉપક્રમે તા. ૨૮ ડીસેમ્બર, ૨૦૧૩ના રોજ ગુજરાતી “ખ્રિસ્તયજ્ઞ” સાથે ક્રિસ્મસ ઉજવણી રાખવામાં આવી હતી. “Guardian Angeles Church”, 37 Plainfield Ave, Edison, NJ ખાતે સાંજના ૫:૩૦ કલાકે ગુજરાતી કેથલિક પરિવારોએ પવિત્ર ખ્રિસ્તયજ્ઞમાં ભક્તિભાવે ભાગ લીધો હતો. વિદ્વાન ફા. સુનિલ મેકવાન અને ફા. એન્થનીના વરદ હસ્તે યજ્ઞ અર્પણ વિધિમાં સૂર-તાલ સાથે સમુહમાં પ્રવેશગીત, શાસ્ત્રપાઠો દરમ્યાન વિષયાનુરૂપ સ્તુતિગાનમાં સૌ ભક્તજનોએ ઉત્સાહથી સહકાર આપ્યો હતો. શાસ્ત્રવાચન ઉપર ફા. સુનિલ મેકવાને ઇંગ્લીશ અને ગુજરાતીમાં બાળઈસુના જન્મને માનવજાતને અમુલ્ય ભેટ ગણીને ઉદાહરણો સાથે પ્રભુના પ્રેમની ભેટ સ્વીકારવા કહ્યું હતું. પ્રભુની આ ભેટ સમજીને જીવનના કપરા પ્રસંગોમાં પ્રભુને તરછોડવાની ભૂલ ન કરવા અનુરોધ કર્યો હતો.
“ખ્રિસ્તયજ્ઞ” સંપન્ન થયા બાદ ચર્ચને જોડતા વિશાળ હોલમાં ક્રિસ્મસ પાર્ટીના કાર્યક્રમમાં સૌ જોડાયા હતા. પરસ્પર હળતાં-મળતાં સૌ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં ખુશ જણાંતાં હતાં. સંસ્થાનાં સભ્ય શ્રીમતિ કોકીલા રસેલે હોલના રસોડામાં ઉતારેલા ગરમ ગરમ સ્વાદિષ્ટ ગોટા સાથે ચટણી-મરચાં અને ગરમ ચાની સૌ લિજ્જત માણતાં હતાં. વિશાળ સ્ટેજ પર મ્યુઝીક સીસ્ટમ ગોઠવાતી હતી. બાળકો, યુવક-યુવતિઓ અને યુગલો સાથે વડીલો ખુશખુશાલ હતા. દીપા પ્રાગટ્ય માટે પાંચ દીવડા પાંચ મહાનુભવોના હસ્તે પ્રગાટાવતાં તાળીઓના ગડગડાટથી હોલ ગાજી ઊઠ્યો હતો. પ્રથમ પ્રકાશની જ્યોત માન.ફા. સુનિલ મેકવાનના હસ્તે, દ્વીતિય પ્રેમની જ્યોત શ્રીમતિ થેરેસાબેન લિયોના હસ્તે, તૃતીય શાંતિની જ્યોત શ્રીમતિ રેગીનાબેન પરમારના હસ્તે, ચતુર્થ ક્ષમાની જ્યોત મુરબ્બી ગેરશોમ ટેલરના હસ્તે અને પંચમ એકતાની જ્યોત શ્રીમતિ સપના ગાંધીના હસ્તે પ્રગટાવીને સંસ્થાએ વડીલોને પુષ્પથી સન્માનિત કર્યા હતા.
સંસ્થાના ખાસ મહેમાનો સર્વશ્રી ફા. સુનિલ મેકવાન,Diocese of Metuchen, NJ)ના ફા. એન્થની એરોકિયાડોસ્સ (Indian & Sri Lankan Apostrolate),સીસ્ટર રૂથ બોલાર્ટે (I. H. M. Director)નો શ્રી જગદીશ ક્રિશ્ચિયને પરિચય આપીને કાર્યક્રમ માટે ચર્ચ અને હોલ મેળવી આપવા બદલ આભાર માન્યો હતો. ત્યારબાદ કોમ્યુનીટીના મહાનુભવો રેવ. અનિલ પટેલ, ડો. હેમા પરમાર, ગુ. ક્રિ. ફેડરેશન ન્યુ જર્સીના ચેરમેનશ્રી અનિલ મેકવાન, યુવાન કાર્યકર વિપુલ મકવાણામનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ વ્યક્તિગત આભાર માનીને સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી. ફા. એન્થની મેટાચન ,ન્યુ જર્સી ડાયોસીસના એશિયન ડીરેક્ટર તરીકે સભાને શુભેચ્છા પાઠવીને માનનીય બિશપ સાહેબ ૨૦૧૪ના વર્ષમાં સમગ્ર ભારતીય-અમેરિકન કેથલિક પરિવારો માટે ભવ્ય ખ્રિસ્તયજ્ઞાનું આયોજન કરાવાના હોવાની ઘોષણાને સૌએ ભારે તાળીઓથી વધાવી હતી.
મનોરંજનનો દોર આગળ ચાલતાં કુમારી સલોની અને અલાયના મેકવાને “Holi joly Christmas”-ક્રિસ્મસ કેરોલ સોન્ગ રજૂ કરીને સૌની દાદ મેળવી હતી. સંસ્થાના ગાયકવૃંદએ ‘ક્રિસ્મસ કેરોલ’નાં ગીતો સંભળાવ્યાં હતાં. ગાયકવૃંદમાં સર્વશ્રી રજની અને અમિત મેકવાન, કેતન ક્રિશ્ચિયન, એરિક લિયો અને જોસેફ પરમાર સાથે મહિલાઓમાં ઈલા ક્રિશ્ચિયન, નિલાક્ષી જખાર્યા, પૂર્વી અને માનસી મેકવાને પોતાના કંઠે સ્વર આપીને તાલની સંગત કરી હતી. વાજિંત્રવૃંદમાં કી-બોર્ડ પર સેમ્સન રૂબેન, ડ્રમ અને ઓક્ટોપેડ પર દીપક સીસોદિયા, નેલ્સન નીલ ઢોલક પર, કોંગો પર ડેનિસ પરમાર, રોબીન રાઠોડ ગિટાર પર અને તબલા પર રૂઝવેલ્ટ ક્રિસ્ટી સાથે હાર્મોનિયમ પર જગદીશ ક્રિશ્ચિયને સૂર-તાલનો રંગ જમાવ્યો હતો.
શ્રી સંજય પરમારે રમૂજી ટુચકા સાથે રમૂજી કવ્વાલી રજૂ કરીને સૌને હસાવ્યા હતા. કુ. શર્લિન પરમારે “રંગ દે” ફિલ્મીગીત પર મનોરંજક નૃત્ય રજૂ કરીને સૌની શાબાશી મેળવી હતી. કુ. ક્રિસ્ટીન અને સિડની ક્રિશ્ચિયન સાથે કુ. ઈરેના લિયોએ “ચીંગમ ચબાકે” અને “નગારા સંગ ઢોલ” ગીતો પર દીલધડક નૃત્ય રજૂ કર્યું હતું, જેમાં શ્રી કેતન ક્રિશ્ચિયને ધમાકેદાર એન્ટ્રી મારીને ડાયનેમિક પર્ફોર્મંન્સ આપીને સૌને સરપ્રાઈઝ આનંદ પૂરો પાડ્યો હતો. સૌ હાજરજનોએ તાળીઓના ગડગડાટથી હોલને ગજવી દીધો હતો. યુવાન દંપતી પૂર્વી અને અમિત મેકવાને બે ‘ડ્યુએટ’ ગીતો “છૂપ ગયે સારે નઝારે” અને “વાદા કર લે સાજના” રોમેન્ટિક મૂડમાં રજૂ કરીને રંગત જમાવી હતી.જ્યારે રજની મેકવાને “નજરનાં જામ છલકાવીને” ગુજરાતી ગીત અને હિન્દી સોન્ગ “દેખા જો તુજે યાર” અનોખા અંદાજમાં રજૂ કર્યું હતું. નેલ્સન પરમારે કવ્વાલી રજૂ કરીને સભાની દાદ મેળવી હતી. જાણીતા ગાયક શ્રી.કમલેશ પટેલે “જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે” ગીત રજૂ કરીને સભાજનો ને ખુશ કરી દીધાં હતાં
૭:૩૦થી ૯:૩૦ના સમયમાં મનોરંજન માણીને “બોમ્બે એક્સ્પ્રેસ”ના સ્વાદિષ્ટ ભોજનની સૌએ મઝા માણી હતી. ત્યારબાદ ગરબાનો માહોલ શરૂ થયો હતો. નાતાલના ગરબામાં બાળકો, કિશોર-કિશોરીઓ, યુવા વર્ગ અને બેનો અને ભાઈઓ ઉમંગભેર જોડાયાં હતાં. રજની અને અમિત મેકવાન, મહેશ રોય, કેતન, જગદીશ ક્રિશ્ચિયન, નોએલ ક્રિશ્ચિયન અને નિલાક્ષી જખાર્યા ગરબા ગવડાવતા સૌ જોરદાર રીધમમાં ગરબે ઘૂમતાં હતાં. ગરબા ગાવાની શ્રેષ્ઠતા અનુસાર પાંચ વિજેતાઓ પસંદ કરવા નિર્ણાયક તરીકે શ્રીમતી સપનાબેન ગાંધી હતાં પણ કોઈને તેની જાણ નહોતી. ગરબા ‘નોન-સ્ટોપ’ ગવાતાં હોલમાં ગરબે ઘૂમનારા અવનવી લચક અને સ્ટાઈલ રજૂ કરતા હતા, તે દર્શકોને પણ આનંદ થતો હતો. ગરબા સાથે દાંડીયાના તાલે ખેલૈયાઓએ મઝા માણી હતી. ગરબા અને દાંડિયારાસ રાતના ૧ વાગ્યા સુધી રમાયા હતા. ત્યાર બાદ ડાન્સ અને ભાંગડા અને સનેડોમાં સૌ મન મૂકીને ભાગ લીધો હતો. ગરબાના પાંચ વિજેતાઓ ઈરેના લિયો, સિડની ક્રિશ્ચિયન, નિલમ પરમાર, રોની મેકવાન અને એરિક ક્રિશ્ચિયનને મુરબ્બી ગેરશોમ ટેલર તરફથી દરેકને રોકડ ઈનામો આપવામાં આવ્યાં હતાં.
શ્રી મહેંદ્ર અને સ્ટેલ્લા પરમારે આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અને સામાજિક કાર્યકરશ્રી જોસેફ પરમારની સેવાઓની સરાહના કરતાં શાલ ઓઢાડીને તેઓનું સન્માન કર્યું હતું. શ્રી. કેતન ક્રિશ્ચિયને પ્રેરણાત્મક વિચારો સાથે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. મ્યુઝીક સીસ્ટમ શ્રી રજની અને અમિત મેકવાન બંધુઓએ સ્પોન્સર કરીને સંસ્થાને સહયોગ આપ્યો હતો. હોલની બેઠક વ્યવસ્થા રસોઈ પીરસણ અને હોલ અને કીચનની સફાઇમાં બહેનો-ભાઈઓએ સહકાર આપ્યો હતો. બસો ઉપરાંતની સંખ્યામાં હાજરજનોને સમગ્ર કાર્યક્રમ પ્રશંસનીય લાગ્યો હતો. શ્રી એરિક લિયોએ આભારદર્શન વિધિમાં સૌના સહકારની સરાહના કરી હતી.