“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુ એસ એ”નો ફાધર વિનાયક સાથે મિલન કાર્યક્રમ યોજાયો – મે ૨૬, ૨૦૧૨

 

“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુ એસ એ”નો મિલન કાર્યક્રમ યોજાયો

        
તા. ૨૬ મે, ૨૦૧૨ને શનિવારે બપોર બાદ ૨:00 કલાકે ફા. વિનાયક જાદવ સાથે મળવા-હળવાનો કાર્યક્રમ ઉપરોક્ત સંસ્થાના ઉપક્રમે યોજાયો હતો. વુડબ્રીજ, ન્યુ જર્સીના શ્રી. જગદીશ અને ક્લેરા ક્રિશ્ચિયનના નિવસસ્થાને ફા. વિનાયકના શુભ હસ્તે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” પણ અર્પણ કરાવાનો હોઈ ૫૦ ઉપરાંત ગુજરાતી કેથલિકો એકત્ર થયા હતા. ફા.ને આવતાં એકાદ કલાકનો વિલંબ થવાથી સમૂહમાં ભક્તિ ગીતો તાલ-સૂર સાથે ગાઈને, તથા “ગુલાબમાળા”ની અને “પવિત્ર મારિયાની મે મહિનાની ભક્તિ”માં સૌએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ફા. વિનાયકે  આવતાંની સાથે મોડા થવા બદલ અફસોસ વ્યક્ત કરીને સ્વજનોને ઉમળકાથી મળવાના ભાવ સાથે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” અર્પણ વિધિની ૫0 મિનિટના સમયમાં હાજર રહેલાં સૌનાં દિલ જીતી લીધાં હતાં. ફા. વિનાયક પોતાનો પી. એચ. ડી.નો અભ્યાસ પૂર્ણ કરવા છ મહિના માટે અમેરિકા આવ્યા છે. ફક્ત ટ્રાઈસ્ટેટ્ના ગુજરાતી કેથલિક પરિવારોને મળવાના હેતુસર આજનો આ કાર્યક્રમ યોજવાની જવાબદારી શ્રી જગદીશ ક્રિશ્ચિયને નિભાવી હતી.      
      
આવનાર રવિવાર “પેન્તેકોસ પર્વ” હોઈ આરંભમાં “આવો,આવો, પરમા પવિત્ર હે આતમ” ગીતથી સભાખંડમાં પવિત્રતાનો માહોલ સર્જાયો હતો. બાઈબલવાચન ઉપર ફા. વિનાયકે “પવિત્રઆત્મા”ના ગૂઢાર્થને સરળ ભાષા અને રોજિંદા વપરાશની ક્રિયા-પ્રક્રિયાઓ દ્વારા સમજાવીને સૌને ખુશ કરી દીધાં હતાં. દરેકના અંતરમાં જાગતી પ્રેરણા, એ જ પવિત્ર આત્માની અનુભૂતિ હોઈ, સારી અને ખરાબ ઈચ્છા સમજવાની વ્યક્તિની જવાબદારી જાણી લેવી જોઈએ. રેડ-ગ્રીન ટ્રાફિટ સિન્ગલો, ઈન્ટરનેટ સીસ્ટમ, વગેરે જેવી આધૂનિક સુવિધાઓ સાથે સરખામણી કરીને ”પવિત્ર આત્મા”ની દોરવણીની પ્રક્રિયા સહજતાથી સમજાવી હતી. સમૂહમાં સૂર-તાલસહિત ભક્તિગીતો ગવાતાં, સમગ્ર ધમંવિધિમાં પુરોહિત તરીકે ફા. વિનાયક અને હાજર શ્રધ્ધાળુઓ સાથે એક ઘરેલુ ભાવનાત્મક સંબંધ બંધાયો હતો.
        
“ખ્રિસ્તયજ્ઞ” બાદ સેવ-ઉસળ-બુંદી-જલેબી અને ઠંડાં પીણાંની મજા માણતાં હાજર સૌ પરિવારો સાથે ફા. વિનાયકે આત્મિયતાથી મળીને સૌને સામાજિક વ્યવહારની ગુજરાતની પ્રણાલિકાનો અનુભવ કરાવ્યો હતો. સૌની સાથે મળવા-હળવા સાથે ગુજરાતી ધર્મસભા, ગુજરાતી ધર્મજનો, કેથલિક કોમ્યુનિટીની ગતિવિધિ, વગેરે ઘણા વિષયો ઉપર વાતચીત થઈ હતી. ક્લેરા અને ઈલા ક્રિશ્ચિયન તથા માનસી મેકવાને સ્વાદિષ્ટ વાનગી બનાવી હતી.
       
દર વર્ષે “પવિત્ર અઠવાડિયા” દરમિયાન “આત્મિક ચિંતન”ની સભાઓ માટે અમેરિકામાં એક ગુજરાતી ફાધરની જરુરીયાત હોવાની સંસ્થા તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થાએ “પાવન હૃદય દૂત”ની શતાબ્દિ ઉજવી હતી, તે બદલ “દૂત”ના ‘માનદ તંત્રી’ તરીકે ખાસ આભારની લાગણી વ્યક્ત કરી હતી. મિલનના માહોલમાં સાંજના ૭:૩0 કલાકે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
-માહિતી સૌજન્ય: જોસેફ પરમાર                               
 
/
ફાધર વિનાયકનો હ્રદયસ્પર્શી બોધ સાંભળવા ઉપરના વીડિયો પર ક્લિક કરો.
વીડિયો રેકોર્ડિંગ – સિડની ક્રિશ્ચિયન *  એડિટીંગ – રાજ મેકવાન  

પ્રભુ ઈસુનો દેશ પુણ્યભૂમિ ઈઝરાયેલની યાત્રા – ફાધર વિલિયમ

 

પ્રભુ ઈસુનો દેશ પુણ્યભૂમિ ઈઝરાયેલની યાત્રા

 
તાજેતરમાં ૧૭ મેથી ૨૮ મે દરમ્યાન ૩૮ ખ્રિસ્તી ભાઈબેનોના એક બહુ ધાર્મિક ભાવનાવાળા જૂથ સાથે પ્રભુ ઈસુનો દેશ પુણ્યભૂમિ ઈઝરાયેલની યાત્રાએ જવાનું મને તથા મારા બીજા ત્રણ સાથી ફાધરોને સૌભાગ્ય સાંપડ્યું હતું જે વિસ્મરણીય બની રહેશે. ઈસુના જન્મ તથા તેમના ઉપદેશ સાથે સંકળાયેલ લગભગ બધાં જ પવિત્રત્તમ સ્થળોએ જઈ દર્શન કરવાનો મોકો મળ્યો ને ધન્યતા અનુભવી. પ્રત્યેક સ્થળે પહોંચતાં તેની ટૂંકમાં ઓળખાણ, તેનો બાઈબલમાં સંદર્ભ તથા બાઈબલ વાચન-મનન સહિત અર્થવાહી પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતો આધ્યામિક અખૂટ આનંદ અમારી સમૂહ યાત્રાની આગવી ખાસિયત હતી. જૂના કરારમાં ઉલ્લેખાયેલ સીનાઈ પર્વત, બળતું ઝાંખરું, પ્રભુ યાહવેએ મોશેને દસ આજ્ઞા આપી તે જગા, ઈજિપ્તમાંથી પુણ્યભૂમીમાં આવતાં રાતા સમુદ્રના જે બે ભાગ ઈશ્વરે કર્યા તે સ્થળ પણ અમે જોયાં. એમ અમારી આખીયે યાત્રા બાઈબલમય પણ બની રહી ને અંતરે બાઈબલ વાચન માટેનો ઉત્સાહ પુઃન પ્રગટ્યો એ વધ્યો. સમગ્ર વિશ્વમાંથી ખ્રિસ્તીઓ વિશાળ સંખ્યામાં અહીં યાત્રાએ આવે છે તેમને જોઈને ઈસુના આવા વિશાળ અનુયાયી પરિવારને મળ્યાનો તથા એના સભ્ય હોવાની સભાનતા માણ્યાનો અનહદ આનંદ અનુભવ્યો. અમારા સહુની એક લાગણી ને પ્રતિભાવ આ હતો ‘આ પુણ્ય મારાં ક્યાંથી?’
 
ગુજરાતમાંથી હવે નિયમિત રીતે વિવિધ સ્થળોએથી ખ્રિસ્તીઓ ઈઝરાયેલની યાત્રાએ જવા લાગ્યા છે જે આનંદની ઘટના ગણાય. યાત્રાએ જઈ આવ્યા બાદ મને લાગે છે કે ખ્રિસ્તીઓએ, બીજા કેટલાક સામાજિક ખર્ચા, વસ્ત્ર પરિધાન, શૃંગાર, મોંઘા ઘરેણાં અને મનોરંજન પાછળ વપરાતાં નાણાં તથા વ્યસનોમાં થતો નાણાંનો દૂર્વ્યય અટકાવી આ પુણ્યદાયી પ્રવાસ માટે આર્થિક જોગવાઈ કરી યાત્રાએ જઈ આવવું જોઈએ કારણ ઈસુની જન્મભૂમિમાં મુલાકાતે જવું એ એક લહાવો છે જેનો ક્યારેય પસ્તાવો નહિ થાય. આણંદ પાસે લાંભવેલ ગામમાં રહેતાં કોકિલાબેન પરમાર આવા પ્રવાસનું અલબત યાત્રાનું સુંદર આયોજન કરે છે જેનો સુખદ અનુભવ મેં જાતે કર્યો છે. પ્રસ્તુત યાત્રા કરવા ઈચ્છતા સહુને તેમનો સંપર્ક કરવા ભલામણ કરું છું. તેમનો સંપર્ક કરો – મો: ૯૪૨૯૬૬૩૩૫૪
– ફાધર વિલિયમ   

 

Pictures – Arpita Macwan – Israel