Tag Archives: St. Xavier’s Umreth

ઉમરેઠના પૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ-મિલનનો પ્રવાહ વેગ પકડી રહ્યો છે.

umreth011813

 

આ સ્નેહ-મિલનની શરૂઆત કરનાર અને એના વિષે ઓગસ્ટ 2012 માં રજૂ કરેલ સમાચાર ને ફરી વાગોળો.

સેન્ટ ઝેવિયર્સ, ઉમરેઠ પૂર્વ વિદ્યાર્થી (ધો. ૧૦ ૧૯૮૯) સ્નેહ-મિલન સમારંભ જુલાઈ ૧૫, ૨૦૧૨

પોતાનું વતન છોડી ૧૯૮૫ માં જ્યારે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો તો થોડા દિવસમાં અહેસાસ થયો કે કંઈ કેટલુંય પાછળ છૂટી ગયું છે. અફસોસને નેવે મૂકી નવા પડકાર અને સમસ્યાનો સ્વિકાર કરી નવું ગામ અને ઘર માંડવા કમર કસવાનું શરૂ કર્યું. દુનિયાના સૌથી સમૃધ્ધ અને શક્તિશાળી દેશની આ સમૃધ્ધીનો હિસ્સો બનવું હોય તો ખાલી પુષ્કળ પૈસા કમાવવાથી જ શક્ય નથી એની મને ખબર હતી. એટલે ભારતમાં સ્કૂલ દરમ્યાન આપણે ભણતા “મોગલોની પડતીના કારણો” તો અહીં મેં ભણવા માંડ્યું આ દેશની સમૃધ્ધીના કારણો. ખેર મૂળ મુદ્દાની વાત કરું તો આ અભ્યાસ દરમ્યાન પૂર્વ-વિદ્યાર્થી સ્નેહ મિલન (School/High School/College reunion) વિષે જાણ્યું અને એના ઉદ્દેશથી હું બહુ પ્રભાવિત થયો.
 
મારાથી પહેલી પેઢી તો સ્કૂલ કે કોલેજ પછી નોકરી કે ધંધા માટે પોતાના ગામ-શહેરમાં જ કે આસપાસના વિસ્તારમાં જ હોવાથી પોતાના સ્કૂલ-કોલેજના સહાધ્યાયીને પ્રસંગોપાત મળતા રહેતા. પણ પછી ધીરે ધીરે નોકરી કે ધંધા માટેનો વિસ્તાર વિસ્તરવા માંડ્યો અને રાજ્ય બહાર અને પરદેશની સીમા પાર કરી ગયો. સ્કૂલ/કોલેજના સહાધ્યાયીઓ કે શિક્ષકો સાથેનો સંપર્ક પણ છૂટી જાય છે. મને પણ મારા સ્કૂલ/કોલેજના સહાધ્યાયી અને શિક્ષકઓની હાલની પરિસ્થિતિ એમની પ્રગતિ જાણવાની ઈચ્છા, તાલાવેલી થઈ. તો ૧૯૯૩ માં મેં મારી હાઈસ્કૂલ સેન્ટ મેરીસ હાઈસ્કૂલ મરિયમપુરા, પેટલાદના હેડક્લાર્ક શ્રી. રમણભાઈ સી. મેકવાનનો (જે મારા સમયે પણ એજ જગ્યાએ હતા) સંપર્ક કર્યો અને મારી ઈચ્છા વ્યક્ત કરી કે ૧૯૯૭ માં મારા એસ.એસ.સી. વર્ગને ૨૫ વરસ થતા હોવાથી એક સ્નેહ-મિલન સમારંભ રાખવો. તેમને પણ આ વિચાર ગમ્યો. મારા બે સહાધ્યાયીઓનો (ફિલીપ પરમાર અને લલિતા સામયન) મારે સંપર્ક હતો તો એમને આ વાત જણાવી તો તેઓ પણ રાજી થયા. બધા સહાધ્યાયી અને શિક્ષકગણના સરનામા કે ફોન નંબર મેળવવાની જવબદારી આ ત્રણ જણે સ્વિકારી. અમારી પાસે ચાર વરસનો સમય હતો છતાં પણ અમે સફળ ના થઈ શક્યા એનું બહુ દુઃખ થયેલું અને હજુ છે.
 
આજની તારીખમાં ફોન, સેલ ફોન, ઈમેલ કે સોસિયલ નેટવર્કથી બધા એકબીજાના સંપર્કમાં રહી શકે છે અને રોજબરોજની એકબીજાની જીંદગીથી વાકેફ રહી શકે છે. છતાં પણ એકબીજાના હાથ પકડી કે છાતી સરસા ચાંપીને મળવાનો લહાવો તો અલગ જ હોય છે. તો આ જ ભાવના ઉમરેઠ, ગુજરાતથી દૂર સ્કોચ પ્લેઈન્સ, ન્યુ જર્સીમાં રહેતા અને સેન્ટ ઝેવિયર સ્કૂલ ઉમરેઠના ૧૯૮૯ ની સાલના ધોરણ ૧૦ ના ભૂપપૂર્વ વિદ્યાર્થી શ્રી. અલય બી. પટેલને થઈ આવી. તો તેમણે સ્કૂલનો સંપર્ક કરી હાલના પ્રિન્સિપાલ ફાધર ટોનીનો સંપર્ક કર્યો. અને એમની રજામંદી મેળવી એ સમયના પોતાના સહાધ્યાયી અને હાલમાં નિવૃત્ત થયેલા શિક્ષકગણનો સંપર્ક કર્યો અને બધાને પોતાના કુટુંબ સહિત હાજર રહેવા આમંત્રણ મોકલી આપ્યું. જુઓ સ્નેહ ટપકતી એ આમંતણ પત્રિકા.
 
જુલાઈની ૧૫ તારીખે ૨૨ વરસ પછી મિત્રો અને શિક્ષકોને મળવાનો આનંદ બધાએ માણ્યો. લગભગ ૯૫% હાજર રહી શક્યા હતા. આ સમયે ૧૯૮૯ માં જે પ્રિન્સિપાલ હતા તે સ્વ. સિસ્ટર જોહાનાને પણ યાદ કરી એમને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ આખા કાર્યક્રમનું વિચાર-બીજ ભાઈ અલયના દિમાગમાં રોપાયું અને એને પરિપૂર્ણ કર્યું. અને બધાનો સંપર્ક કરી આમંત્રણ પત્રિકા મોકલી અને ઉદાર દિલે આ આખા કાર્યક્રમનો ખર્ચ પોતે ઉપાડી લીધો. શ્રી. અલયભાઈને ખૂબ ખૂબ અભિનંદન.
 
ઉમરેઠના યુવા પત્રકાર અને ‘આપણું ઉમરેઠ’ બ્લોગના સંચાલક મારા બ્લોગર-મિત્ર શ્રી. વિવેક દોશીએ સરદાર ગુર્જરીમાં (જુલાઈ ૧૮ ૨૦૧૨) આપેલો પોતાનો અહેવાલ.
 
શ્રી અલયભાઈએ તૈયાર કરેલ આ પ્રસંગના પિક્ચર આલ્બમને જોવા માટે અહીં ક્લિક કરો.