Tag Archives: Shantilal Parmar

United prayer service held by UCGOA on Saturday, April 04, 2020 through YouTube

United prayer service held by UCGOA on Saturday, April 04, 2020 through YouTube.

ખ્રિસ્તમાં વ્હાલા ભાઈ-બહેન,

આજની આ વિકટ પરિસ્થિતિમાં વિશ્વભરની માનવજાત ચિંતિત છે. અત્યારે સ્વાસ્થ્ય અને આરોગ્યરક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા ભાઈ-બહેનો અથાગ પરિશ્રમ વેઠીને પંડની ચિંતાને કોરાણે મૂકીને પીડીત લોકોની સારવાર કરી રહ્યા છે. દુનિયાભરના સત્તાધારિઓ પણ પોતાના પંથકના લોકોની મદદ અર્થે રાત-દિવસ જજૂમિ રહ્યા છે. વૈજ્ઞાનિક અને સંશોધકો આ વિકરાળ વિષાણુને નિયંત્રણ હેઠળ લાવી એને નેસ્તનાબૂદ કરવા સતત અવનવા અખતરા કરી રહ્યા છે. બાળકોથી માંડી વૃદ્ધ ઘર બહારની પ્રવૃત્તિઓ થી અલિપ્ત થઈ પોતપોતાના મકાનમાં આશરો લઈ રહ્યા છે. જે કાલ સુધી ઘર હતું, જ્યાં એક ધબકતું, કિલ્લોલ કરતું, ચિંતારહિત કુટુંબ, ઈશ્વરે સર્જેલ સૃષ્ટિ અને સમૃદ્ધિનો ઉપભોગ માણી રહ્યું હતું. આપણા જ પોતાના ઘરના આત્મજનોએ એકબીજાથી અંતર રાખવું પડે છે. પોતાનાં જ બાળકોને વહાલ કરવા પર નિયંત્રણ આવી ગયું છે. પતિ-પત્ની એક છત નીચે હોવા છતાં દૂરતા વેઠી રહ્યા છે. આપણું પોતાનું ઘર આમ જાણે આશ્રયસ્થાન બની ગયું છે.

દુન્યવી માનવીએ પોતાની બુદ્ધિમત્તા વડે કંઈ કેટલાય અચંબિત કરી દેનાર આવિષ્કાર કર્યા, સુખ અને સગવડ માટે કેટકેટલાં ઉપકરણ સર્જ્યા. પણ આજની આ સ્થિતિમાં આપણે ફક્ત લાચારી, પરાધીનતા અને નિરાશ્રય ની અનુભૂતિ નો સામનો કરી રહ્યા છીએ.  આવા કપરા સમયે આપણા પ્રયત્નો સાથે પ્રભુને પ્રાર્થાના, યાચના કરવાની, પ્રભુ તરફ પાછા વાળવાની ઘડી આવી ગઈ છે.

જુના કરારમાંથી યોનાના અધ્યાય ૩ અને કલમ ૧ થી ૧૦ નું વાંચન અને મનન કરીએ. (નિનવે નગરીનો હ્રદયપલટો). જેમાં પાંચમી કલમ પર ધ્યાન આપીએ – “૫ – નિનવેના લોકો ઈશ્વરનું કહ્યું માની ગયા. તેમણે ઉપવાસ જાહેર કર્યો, ને મોટા-નાના સૌએ તપનાં વસ્ત્રો ધારણ કર્યાં.” તપનાં વસ્ત્રોનો મતલબ કોઈ ખાસ પ્રકારના વસ્ત્રો કે પરિધાન નહીં. એનો મતલબ આપણને આઠમી કલમમાં મળે છે. “૮ – માણસો અને પશુઓ સૌ કોઈ તપનાં વસ્ત્રો ધારણ કરે, અને પૂરા દિલથી પ્રભૂને ધા નાખે. દરેક જણ દુષ્કૃત્યો છોડી દે, અને પોતાને હાથે થતો જુલમ બંધ કરે.” અને જ્યારે લોકોએ એ પ્રમાણે કર્યું તો એનું પરિણામ કલમ દસમાં જોવા મળે છે. “૧૦ – ઇશ્વરે જોયું કે તેમણે દુષ્કૃત્યો છોડી દીધાં છે, એટલે તેણે વિચાર બદલ્યો અને જે આફત ઉતારવાની ધમકી આપી હતી તે આફત તેમના ઉપર ઉતારી નહિ.”

તો આ કપરા સમયમાં આપણે પણ નિનવેના લોકોની જેમ દુષ્કૃત્યો છોડી દેવાનો નિર્ધાર કરી એને પાર પાડવા પ્રયત્ન કરવો પડશે. આપણા હાથે થતા જુલમ બંધ કરવા પડશે અને પૂરા દિલથી પ્રભૂને ધા નાખવી પડશે. અને ત્યારે જ ઇશ્વર આ વિટંબણાનો અંત આણશે.

માથ્થી ૧૮:૧૯-૨૦ “વળી હું તમને કહું છું કે, તમારામાંથી બે જણ કોઈપણ માગણી કરવામાં એકમત થશે તો તે માગણી પરમપિતા મંજૂર રાખશે. કારણ, જ્યાં બે કે ત્રણ જણ મારે નામે ભેગા થયા હોય ત્યાં હું તેમની સાથે હોવાનો જ.” તો વળી યાકોબ ૫:૧૪-૧૫ પ્રમાણે “તમારામાંનો કોઈ માંદો છે? તો તેણે સંઘના વડીલોને બોલાવવા, અને તેમણે પ્રભુને નામે એને તેલ લગાડી એને માટે પ્રાર્થના કરવી; એટલે શ્રદ્ધાભરી પ્રાર્થનાથી માંદો માણસ સાજો થઈ જશે, અને પ્રભુ એને બેઠો કરશે; અને જો તેણે કંઈ પાપ કર્યાં હશે તો તે માફ કરવામાં આવશે.”

ઈશ્વરના આશિર્વાદ અને માર્ગદર્શન વડે યુનાઈટેડ ગુજરાતી ક્રિશ્ચિયન્સ ઓફ અમેરિકાના વ્યવસ્થાપક સમિતિને એક ઉમદા વિચાર સ્ફૂર્યો  કે “આપણે પણ બધા સાથે મળી પ્રાર્થના કરીએ.” અને એને અમલમાં મૂકવા કટિબધ્ધ બન્યા. આ વિચારને અનુસરી તેમણે નક્કી કર્યું કે  સરકારના આરોગ્યને લગતા નિયમો અનુસાર આપણે સમૂહમાં ભેગા થઈ શકીએ એમ નથી તો માનવજાતે આવિષ્કાર કરેલા ઉપકરણોની સહાયથી અલગ અલગ ખ્રિસ્તી મંડળીઓ, ઉપાસકમંડળો અને સંસ્થાઓ એક થઈ પ્રભુને ધા નાખીએ.

શનિવાર, એપ્રિલ ની ચોથી તારીખે એક ઐતિહાસિક ઘટના ઉજાગર થઈ એના માટે પરમપિતા પરમેશ્વરનો આભાર. અમેરિકા અને કેનેડા સ્થિત વિવિધ ખ્રિસ્તી ગુજરાતી ઉપાસકમંડળ અને મંડળીઓ ઊપરાંત અમદાવાદથી સી.એન.આઈ. મંડળીના બિશપ શ્રી. સિલ્વાન્સ ક્રિશ્ચિયને ભેગા મળી ચાર કલાકની પ્રભુપ્રાર્થનાનું આયોજન યુટ્યુબના માધ્યમ દ્વારા કર્યું અને સફળતાપૂર્વક પાર પાડ્યું. આ ભગીરથ અને સુઆયોજીત અને સૌપ્રથમ ઓનલાઈન પ્રાર્થના સભાના સર્વ કાર્યકર્તાઓ અભિનંદન અને આભારને પાત્ર છે. અને ઓનલાઈન માધ્યમથી જોડાયેલા સર્વને પ્રભુ આશિર્વાદિત કરે અને આ સંપ અને સહકાર આમ કાયમ જળવાય રહે એવી પ્રાર્થના. પ્રભુ આ હાડમારીમાંથી સમસ્ત માનવજાતને ઉગારે એ પ્રાર્થના સાથે…..

આપનો સેવક – જગદીશ ક્રિશ્ચિયન.  

આ પ્રાર્થનાસભામાં ગુજરાતી કેથલિક સમાજ ઓફ યૂએસએ થકી પ્રમુખશ્રી. શાંતિલાલ પરમારે પ્રતિનિધિત્વ પુરું પાડી પોતાનું યોગદાન આપ્યું હતું. નીચે એ વિડિયોની ક્લિપ જૂઓ.

જેઓ આ પ્રાર્થાના દરમ્યાન જોડાઈ શક્યા ન હોય અને જોડાયા હોવા છતાં ફરી જોવા માંગતા હો તો નીચે સંપૂર્ણ વિડિયો છે. જુઓ…