૧૯૬૯ માં અમે મરિયમપુરા રહેવા ગયા. નવમા ધોરણમાં પ્રવેશ મેળવી સેંટ મેરિસ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કરેલો. આજ સમય દરમ્યાન મરિમપુરાના સભાયાજ્ઞિક તરીકે ફાધર ગોરોસની નિમણૂક થયેલી. અને સિત્તેરના દાયકા દરમ્યાન ફાધર ગોરોસે આ જ સ્કૂલની કાયાપલટ કરી નાખી. જુનું દેવળ હતું ત્યાં હાઈસ્કૂલ માટે બાંધકામ શરૂ થયું અને અમે ૧૦-૧૧ આ નવા મકાનમાં ભણીને પૂરું કર્યું. આ સમય દરમ્યાન નવા દેવાલયના બાંધકામનું કાર્ય પર જોરશોરમાં ચાલતું હતું અને ૧૯૭૨માં આરોગ્ય માતાનું ભવ્ય દેવાલય તૈયાર થઈ ગયું. અને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી આ દેવાલય ભક્તજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
ફાધર ગોરોસે ખાલી ઈંટ અને ઇમારતમાં રસ દાખવી ભવ્ય દેવાલય અને સ્કૂલનું નિર્માણ નથી કર્યું પણ ભક્તજનોમાં શ્રધ્ધાને પણ વધુ મજબૂત બનાવી. એમના સમયકાળ દરમ્યાન મરિયમપુરા અને એની આજુબાજુના વિસ્તારના ઘણા યુવા-યુવતિઓ સન્યાસ્ત જીવનમાં જોડાયા. જાણીતા કથાકાર ફાધર ઈગ્નાસ આ માટે એક ઉમદા ઉદાહરણ છે. સિસ્ટર કમળા, સિસ્ટર પુષ્પા, ફાધર ઈગ્નાસ સી. મેકવાન, ફાધર રમેશ પરમાર (થોડાં નામ યાદ છે જેના નામ નથી તેઓ માફ કરશો)
આજે ફાધર ગોરોસ આપણી મધ્યે હયાત નથી પણ આપણ બધા ખાત્રીપૂર્વક કહી શકીએ કે તેઓ ચોક્કસ પરમપિતાના સાંનિધ્યમાં બિરાજમાન છે. અને ગુજરાતના લોકોના દિલમાં પણ હંમેશ માટે બિરાજમાન હતા, છે અને રહેશે.