હેજી એવાં કોરાં રે અષાઢ – શ્રી. શિવરાજ અવકાશ અને શ્રી. નયનેશ જાની

પ્રિય મિત્રો,

સાત મહિનાના અંતરાલ પછી મારા બ્લોગની વાપસીને આપ સૌનો મીઠો આવકાર મળ્યો છે એના માટે આપ સૌનો આભારી છું.  

ગયા વિકએન્ડમાં (ઓગસ્ટ ૨૭/૨૮) અમારા વિસ્તારમાં હરિકેન આઈરીને હાહાકાર મચાવ્યો હતો. ૮૫ માઈલ કરતાં પણ વધારે ઝડપથી ફૂંકાતા પવન સાથે વરસાદની હેલી. જોકે હવામાન ખાતાએ અઠવાડિયા પહેલાથી ચેતવણી આપવાની શરૂ કરી હતી. જોકે હું જ્યાં રહું છું ત્યાં પૂર કે રેલ આવે એવી શક્યતા ઓછી એટલે ખાસ ચિંતા હતી નહીં. પણ એક વાતની ચિંતા હતી કે વિદ્યુત વ્યવસ્થા ખોરવાઈ જશે. સામાન્ય રીતે અહીં અમેરિકામાં વીજળી ૨૪/૭ હોય જ છે. ભાગ્યેજ કોઈ વખત એકાદ-બે મિનિટ માટે બંધ થાય. અને એમજ થયું (શનિવારની રાત્રે) રવિવારની વહેલી સવારે ૧૨:૩૦ વાગે વીજળીએ વિદાય લીધી તો છેક રવિવારે બપોરે ૩:૧૫ વાગે પાછી ફરી. ખેર બહુ લાંબી વાત કરતો નથી. આના હેવાલ ટીવી અને વર્તમાનપત્રમાં વાંચ્યા જ હશે.

ભારતીય પંચાંગ પ્રમાણે અષાઢ પૂરો થઈ ગયો, શ્રાવણ પૂરો થવાની તૈયારી અને ભાદરવાનો આરંભ એવો આ સમય અને વરસાદ. ઊની ઊની રોટલી અને કારેલાંનું શાક કે પછી ગરમા-ગરમ ભજિયાં અચૂક યાદ આવે અને માણીએ પણ ખરા. અને જો આ મહિનાઓમાં વરસાદ ના આવે તો ક્યાંક કોઈ પ્રેયસી ચાતક નજરે પ્રિયતમની પ્રતીક્ષા કરતી ઘરના પ્રાંગણમાં બેઠી બેઠી વિરહની વેદના નીતરતું કોઈ ગીત ગણગણતી હોય અને આંખથી અશ્રુ સ્ખલિત થઈ સુકા આંગણ પર પડતાં જ બાષ્પ થઈ ઉડી જતું કલ્પી કંઈ કેટલાય સાહિત્યકારો પોતાની નવલકથામાં એકાદ-બે પ્રકરણ ઉમેરી દે. તો કોઈ કવિ વેદના ચીરતું ગીત લખી નાખે. આવા જ કંઈક વિચારોને રજૂ કરતું કંઈક બ્લોગ પર આપ સૌ સાથે વહેંચવું હતું. ત્યાં જ ગઈકાલે પાલનપુરના મારા મિત્ર (અને આપના પણ હશે) શ્રી. નરેન્દ્રભાઈ જગતાપે આવા મિજાજનું એક લયબધ્ધ ગીત એમના બ્લોગ પર મૂક્યું “કેમ કરી ભીંજાવું”. એટલે એમના પડોશ કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશનું એક ખૂબજ સુંદર ગીત અને એટલીજ સુંદર સ્વરરચના આપ મિત્રો સાથે વહેંચવાની ઇચ્છા ને કારણ મળી ગયું. આશા છે આપ સૌને ગમશે.        

શબ્દ – કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશ.
સ્વર અને સ્વરકાર – શ્રી.નયનેશ જાની
પ્રાપ્તિસ્થાન – સમન્વય ગુજરાત સમાચાર આયોજિત કાર્યક્રમની સીડી.

Image from web.

Image from web.

હેજી એવાં કોરાં રે અષાઢ!

હેજી એવાં કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હોજી
હેજી એવાં મેહુલિયા વરસેને હૈયાં કોરાં હોજી

અમને હાંભરે મેળા ને હાંભરે ફરતા ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર હેજી
તમે દૂર રે દેશાવર નથી કાંઈ ઓરાં હોજી…..

ચિતડાંના ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કૂણાં રે કાળજડાં કકડે આંખ્યું રાતી રાતી
હેજી એવાં યાદ્યું લઈને આવે તારલાના ટોળાં હોજી….

થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે
હેજી મારો નાવલિયો વરસે જેમ ઘનઘોરાં હોજી……

કવિશ્રી. શિવરાજ અવકાશ, કલોલ.

Filed under: કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત

મારો જન્મ દિવસ – મા, મારી!

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

પ્રિય મિત્રો,

વિસ્મય પામ્યા! લગભગ સાત મહિનાના અંતરાલ પછી આજે ગુજરાતી બ્લોગની દુનિયામાં પાછો પ્રવેશ કરતાં ઉલ્લાસ સાથે થોડો ક્ષોભ અને વ્યાકુળતા પણ છે. પણ અપેક્ષા છે કે ફરી પાછો પહેલાં જેવોજ આવકાર મળશે. આજે મારો જન્મ દિવસ છે. જન્મની વાત સાથે મા અચૂક જોડાયેલી છે. મા (સ્ત્રી) વગર જન્મ તો શક્ય જ નથી. પ્રભુ પરમેશ્વર માટે પણ એ અશક્ય છે. પરમપિતાએ પવિત્ર મારિયાના કૂખે પ્રભુ ઈસુનો જન્મ કરાવ્યો, તો ભગવાન કૃષ્ણ પણ દેવકીના ખોળે જન્મ્યા. તો પ્રભુ પુરુષોત્તમ રામ પણ કૌશલ્યાની ઉદરે જન્મ્યા. અને આપણો સંબંધ મા સાથે આપણા જન્મ પૂર્વે જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારથી બંધાય જાય છે. આ દુનિયામાં આપણું આગમન એકમાત્ર માના આધારે અને સહારે થાય છે. સ્ત્રી માટે કહેવાય છે કે તે પોતાના દેખાવ માટે ઘણી સચેત હોય છે. જો ગાલ પર એકાદ નાનો ખીલ (પિમ્પલ) થયો હોય તો નવરાત્રિના ગરબામાં પણ જવાનું ટાળે. અને સગર્ભા થયા પછી નવ નવ માસ સુધી બેડોળ બનેલ શરીર લઈને એ જ સ્ત્રી બધે ફરે છે. અને પ્રસવ વખતની પીડા જોઈને ચોક્કસપણે કહી શકાય કે આ કામ પુરુષ કરી જ ના શકે. હવે આ વાત એટલે કહી શકું છું કે મારા પુત્રના જન્મ પૂર્વે જ્યારે હોસ્પિટલમાં ગયા તો એક વ્યક્તિને જોડે જવાની રજા આપી તો મેં મારી મમ્મીને જવા વિનંતી કરી તો ત્યાંના કર્મચારીએ કહ્યું ફક્ત પતિ સાથે જઈ શકે છે બીજું કોઈ નહીં. એટલે ફરજિયાત મારે જવું પડ્યું અને એ પ્રસવની પીડાનો સાક્ષાત્કાર થયો.

આજના મારા જન્મ દિવસમાં પહેલી વખત મારી મમ્મીની ગેરહાજરી છે. ૧૯૯૫માં સ્ટ્રોકના હુમલામાં મારી મમ્મીનું જમણું અંગ લકવા મારી ગયું. જાન્યુઆરીની ૨૧ તારીખે એને બીજો સ્ટોકનો હુમલો આવ્યો અને બ્રેઈન હેમોરેજ થઈ ગયું. ડોક્ટરોએ જવાબ આપી દીધો પણ અમારી વિનંતી પછી થોડી સારવાર ચાલુ કરી. એક મહિનો કોમામાં રહ્યા પછી ધીરે ધીરે ભાન આવવા માંડ્યું અને આંખ-હાથથી વાત અને વહાલ કરવાનું શરૂ કર્યું. પ્રભુનો ચમત્કાર વધાવી અમે તો આનંદી ગયા. પણ આ આનંદ મે મહિનાની ૩૧ તારીખે સવારે સાડા છ વાગે પ્રભુમાં પોઢી ગયો.

આજે આ બ્લોગમાં પુનરાગમન ટાણે મારી જન્મદાતા મમ્મીને યાદ કરી થોડા શબ્દો અને લાગણીના તાણાવાણા વણવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે જે મારી વ્યક્તિગત અભિવ્યક્તિ છે. જાત સાથે થોડા ડિબેટ (ચર્ચા) પછી આપની સમક્ષ રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે. એક વાતનો એકરાર કરું કે બ્લોગ પર લખવાનું બંધ થયું હતું પણ વારંવાર મુલાકાત લેતો હતો પણ અભિપ્રાય આપવાથી અલિપ્ત રહ્યો હતો એના માટે ક્ષમા યાચું છું.

મા, મારી!

પતિને અવગણી
બચ્ચીથી બચકારી
છાતીથી ચાંપી
રાખ્યો, ખબર નથી!

ઘરનો મોટો બની
નાનાને જોયા પછી
પ્રશ્ન કે શું એ સાચી?
છે, પણ ખબર નથી

બાપાએ ધમકાવ્યો
ના એણે બચાવ્યો
પછીથી પંપાળ્યો
કાં, આજેય ખબર નથી!

પ્રાર્થના અને પ્રભુ
ઓળખ કરાવી, ભજુ
રસોઈ બનાવું શીખું
કારણ ખબર નથી!

પ્રભુ છે કહ્યું સાચવશે
તો તારી શું જરૂર હશે?
આધાર તો તારોજ હશે
શાને? ખબર નથી!

પ્રભુને તો જોયો નથી
તું જ હતી બસ તું હતી
તારી મમતા તારી હતી
પ્રભુને શું ખબર નથી?

જો તને ખબર હોય તો હવે એને સાચવવાની જવાબદારી તારી છે!
અમે અમારી જવાબદારી પૂરી કરી ચૂક્યા છે. પ્રભુ જવાબદારી તારી છે.

જગદીશ ક્રિશ્ચિયન – ઓગસ્ટ ૨૦૧૧

Filed under: કવિતા, મારી કવિતા, વિચાર-મંથન

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…