શ્રી. સપના ગાંધી ના નિવાસસ્થાને “ભજન સંધ્યા” – ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ.

“ભક્તિસંધ્યા”નું સફળ આયોજન

 

bhajanat sapnagandhi

“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” માટે તા. ૨૬ જુલાઈ, ૨૦૧૪ને શનિવારનો દિવસ યાદગાર બની રહ્યો. બ્રુકલિનસ્થિત ગુજરાતી ક્રિશ્ચિયન કોમ્યુનીટીનાં સક્રિય આગેવાન શ્રીમતિ સપના ગાંધીના પરિવાર તરફથી તેઓના નિવાસસ્થાને “ભજનસંધ્યા” યોજવા ભાવભર્યું નિમંત્રણ મળ્યું હતું. છેલ્લા છએક મહિના અગાઉથી તેઓનો ઉમળકાભર્યો આગ્રહ હતો કે, તેઓના નિવાસસ્થાને “ભક્તિ સંધ્યા” યોજાય! સંસ્થાના પ્રમુખશ્રી શાન્તિલાલ પરમારે આમંત્રણનો સ્વીકાર કરીને સંસ્થાના ૪૦ સભ્યો અને સ્થાનિક ૩૦ ઉપરાંત ભાવિકોએ સાંજના ૬:૩૦ કલાકે પ્રાર્થનાથી ભક્તિસંધ્યાનો આરંભ કર્યો હતો.

 

‘પવિત્ર ગુલાબમાળાની ભક્તિ”ના પાંચમાથી બે અંગ્રેજીમાં અને ત્રણ ગુજારાતીમાં જપમાળા ભક્તિમય રહી. દર દશકે ઈસુના પૂજ્ય હૃદયને શરણે ખાસ વિનંતી રજૂ કરવામાં આવતી હતી. ‘બાઈબલ વાંચન’ અને તેના ઉપર શ્રી શાંતિલાલ પરમારનો મનનીય-માહિતીપ્રદ વાર્તાલાપ સૌને ગમ્યો હતો. આજની “ભજન સંધ્યા” માટે પ્રાર્થનાઓ અને ભજનોની આકર્ષક ખાસ પુસ્તિકા સંસ્થાના આજીવન સભ્ય અને યુવાન કાર્યકરશ્રી અમિત મેકવાને તૈયાર કરીને સમૂહને ઉપયોગી યોગદાન આપ્યું હતું. એક પછી બીજું, તેમ અનેક ભજનો સમૂહમાં તથા ભજનિક ગાય, અને સમૂહ ઝીલે, તેવા ભક્તિરંગમાં રંગાઈને ઝૂમતાં અને ગરબાના તાલે ઘૂમવામાં શ્રીમતી કોકિલા ફ્રેન્કે સૌમાં ઉત્સાહ પૂર્યો હતો. રિધમમાં ‘હાર્મોનિયમ’ પર શ્રી. જગદીશ ક્રિશ્ચિયને રંગ જમાવ્યો હતો. તબાલાં અને ઢોલક પર સર્વશ્રી કેતન ક્રિશ્ચિયન, રજની અને અમિત મેકવાન તથા રોનાલ્ડ મેકવાન અને જેમ્સ જખાર્યાએ તાલબધ્ધ સંગત આપીને ભક્તિસંધ્યાને યાદગાર બનાવી હતી.શ્રી જોસેફ પરમારે આભારવિધિ કરી હતી. સ્વાદિષ્ટ વાનગીઓના ભોજનને માણીને ભક્તિનો બીજો દોર પણ ભાવપૂર્ણ અને ઉત્સાહી બની રહ્યો. સર્વશ્ર્રી. લિનસ ટેલર, બકુલ ફ્રેન્ક, પ્રવિણ ટેલર અને બ્રુલકિનસ્થિત ઘણા શુભેચ્છકોને શ્રીમતી સપના ગાંધી, તેમની દીકરી રાની ગાંધી અને તેમની બહેનો સેલિના અને લીનાએ નિમંત્રીને પ્રસંગની શોભામાં વધારો કર્યો હતો. 

 

 

માહિતી: શ્રી. જોસેફ પરમાર પિક્ચર્સ: કેતન ક્રિશ્ચિયન, સિડની ક્રિશ્ચિયન, નિયતી ઓઝા. 

The home became human-less, The nest is empty – बिछड़े सभी बारी बारी.

આલ્બર્ટ આમોદરાનું કુટુંબ જાણે સ્વર્ગના આગોતરા પ્રવેશપત્ર મેળવીને આવ્યા હોય એમ ૨૦ મહિનામાં એક પછી એક ચાર સભ્યો સ્વર્ગે સિધાયા.

Amodra Family

જન્મ લેતી દરેક વ્યક્તિનું મરણ તો નિશ્ચિત જ હોય છે. કોણ, ક્યારે, કેવી રીતે, ક્યા કારણે કે ક્યા સંજોગોમાં મરણ પામશે એ આપણે આગોતરા જાણી શકતા નથી. મરણ નિશ્ચિત હોવા છતાં આપણે બધા જ એનાથી ડરીએ છીએ. કોઈ આપણું પોતાનું મરણ પામે ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ. ભલેને તે વ્યક્તિ સામાન્ય જીવન મર્યાદા ભોગવીને મરણ પામે. પણ મરણ જ્યારે અચાનક, અકારણ, અકાળે, કે આકસ્મિત આવે ત્યારે સામાન્ય કરતાં વધારે દુ:ખ થાય એ સ્વાભાવિક છે. આપણે જે ખ્રિસ્તમાં માનીએ છીએ, એ જાણીએ છીએ કે પુનરૂત્થાનની પ્રભાતે આપણે બધા ભેગા મળવાના છીએ. છતાં આવા પ્રસંગો દરમ્યાન આપણી ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા કંઈક અંશે ડગમગી જાય છે. હાલમાં આવી જ એક ઘટના ઘટી છે.

 

ભરૂચમાં રહેતા શ્રી. અલ્બર્ટ અને સ્મિતા અમોદરાનો એક નો એક દિકરો જે લંડન ખાતે અભ્યાસ કરી રહ્યો હતો એ ઑક્ટોબર ૨૦૧૨ માં પોતાના રૂમમાં મૃત હાલતમાં મળ્યો હતો. તેના મા-બાપ અને નાની બહેન તેના મૃત્યુના આઘાતમાંથી હજુ બહાર પણ નીકળ્યા પણ ન હતા ત્યાં તેમના જીવનમાં એક અજીબ ઘટના ઘટી.

 

જુલાઈની ૨૭ તારીખે રવિવારે સાંજે શ્રી. આલ્બર્ટ આમોદરા તેમની પત્નિ સ્મિતા અને દીકરી એલિના ભરૂચ તરફથી વડોદરા તરફ પોતાના વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ પોતાની લાઈનમાં પોતાનું વાહન ચલાવી રહ્યા હતા પણ સામેની દિશામાંથી આવતું એક વાહન ડિવાડર તોડી તેમના વાહનને સામે મોંએ બરાબર જોરમાં ભટકાયું. શ્રી. આલ્બર્ટ અને તેમના પત્નીએ ઘટના સ્થળ પર જ પોતનો દમ તોડી દીધો. તેમની દીકરીને ગંભિર હાલતમાં હોસ્પિટલમાં લઈ આવ્યા. જ્યાં ઓગસ્ટની ૪થી તારીખે મોત સાથેની લડાઈ હારીને પોતાના મા-બાપ પાસે પહોંચી ગઈ.

Alina Amodra

આમ બે વર્ષના ગાળામાં જ ચાર જણનું હસતું-ખેલતું કુટુંબ આ દુનિયા છોડી પરમેશ્વર પાસે પહોંચી ગયા. તો પ્રશ્ન થાય કે આ લોકોનું જીવન કોના પાપે, કોના દોષે આમ ટુંકાઈ ગયું? ફરી એકવાર પ્રભુ પરમેશ્વર પરની શ્રધ્ધા મજબૂત બનાવી મૃત આત્માઓને પરમ શાંતી મળે એવી પ્રાર્થના સિવાય આપણે બીજું શું કરી શકીએ. પરમપિતા તેઓના સગાં-સંબંધી અને મિત્રોને આ કારમો ઘા સહન કરવાની શક્તિ આપે.

 

આવી ઘટના બને ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણું મોત ગમે ત્યારે આવી શકે છે. તો જીવન એવી રીતે જીવવું કે આપણા મૃત્યુ પછી પણ લોકો આપણને યાદ રાખે. પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીએ.

Mr.NMrs. Amodra

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…