My uncle Mr. Ignasbhai Bedabhai Parmar passed away on April 25, 2020

My uncle Mr. Ignasbhai Bedabhai Parmar passed away on April 25, 2020.

મારા પપ્પા સાથે તેઓ પાંચ ભાઈ-બહેન પણ સૌથી મોટા ભાઈ શ્રી.. સેવરિનભાઈ બહુ નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા. એ જમાનામાં તેઓ પોસ્ટમાસ્ટર હતા. મારા પપ્પા પછી મારા ફોઈ શ્રી. રેગીનાબેન જેઓ પણ સ્વર્ગે સિધાયા. એમના પછી મારા રમણકાકા (શ્રી. જોન બેડા પરમાર) અને સૌથી નાના મારા ઇગ્નાસકાકા.

હું જ્યારે પાંચેક વર્ષનો હોઈશ ત્યારે મારાં મમ્મી-પપ્પા ઓડમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા ત્યારે ઇગ્નાસકાકાની શિક્ષક તરીકે ઓડમાં જ નિમણૂંક થઈ એટલે એમની સાથે મારો સારો ઘરોબો રહ્યો. ૧૯૮૫ માં અમે બધા અમેરિકા સ્થાયી થયા પછી તેઓ ૧૯૯૧- ૧૯૯૨ માં અમેરિકાની મૂલાકાતે આવેલા અને ઘણા આનંદમાં થોડા મહિનાઓ એમની સાથે ગુજારેલા.

ગુજરાતની દર મૂલાકાત વખતે કરમસદની મૂલાકાત તો અચૂક હોય જ અને બધાં સાથે મળી પુષ્કળ આનંદ મેળવતા. ૨૦૧૭ ની મૂલાકાત દરમ્યાન અમારા બઘાજ કુટુંબીજનોને કરમસદમાં એક્ઠા કરી આખી રાત જાગી ખૂબજ આનંદ કર્યો હતો એ જીવનભર યાદ રહેશે. બાળકો સાથે લગભગ ૨૦૦ કુટુંબીજનો હાજર રહ્યા હતા.

છેલ્લે ૨૦૧૯ ના જાન્યુઆરીમાં તેમની રૂબરૂ મૂલાકાત થઈ હતી. એમની ઘણી યાદો છે. તેઓએ પોતાના જીવનનો ભરપૂર આનંદ લીધો છે. મારાં શાંતાકાકી ના સહયોગથી ચાર બાળકોનો ઉછેર કરી સારું ભણતર આપી, પરણાવી ને ઠેકણે પાડ્યાં અને પોતાનાં પૌત્ર-પૌત્રી રમાડી સંતોષ મેળવી શક્યા.

એક શિક્ષક તરીકે તેમના જીવન દરમ્યાન કેટલાંય બાળકોનું ધડતર કર્યું છે અને વલાસણમાં ઘણા વરસો સેવા આપી આચાર્ય પદેથી નિવૃત થયા.

આજે એમની હયાતી નથી ત્યારે સન્માનપૂર્વક એમનું જીવનદર્શન કરીએ. આ સાથે એમના વિવિધ પિક્ચરનું આલ્બમ મારી સ્મરંણાજલી છે. પરમપિતા પરમેશ્વર એમના આત્માને પરમ શાંતિ આપે અને બધાં કુટુંબીજનનો અને મિત્રોને સાંત્વન આપે એ જ પ્રાર્થના.

આ સાથે મારા પપ્પાની સ્મરંણાજલી પણ રજૂ કરું છું.

પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં મારાં વહાલાં આપ્તજનો, સગાંસંબંધીઓ, શુભેચ્છકો, અતિમાનનીય આર્ચબિશપ ફા. થોમસ મેકવાન સાહેબ, માનનીય બિશપ સાહેબ ફા. રત્નાસ્વામિ, માનનીય સીસ્ટરો અને સેંટ જોસેફ કોલોની-કરમસદ અને કરમસદનાં સૌ ખ્રિસ્તી ભાઈબહેનો,

તારીખ ૨૫ એપ્રિલ, ૨૦૨૦ અમારા કુટંબ માટે દુ:ખદ દિવસ રહ્યો. મારા સૌથી નાના ભાઈ ઈગ્નાસભાઈ, ૭ ૭ વર્ષનું આયુષ્ય ભોગવી પ્રભુના ધામમાં જવા આ દુનિયામાંથી કાયમી વિદાય થયા. દિલને ઘણો આઘાત લાગ્યો, પણ “હું જ પુનરૂત્થાન છું અને હું જ જીવન છું. જેને મારામાં શ્રદ્ધા છે, તેનું મૃત્યું થાય તો પણ તે જીવતો થશે; બલકે, મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ જીવતો માણસ કદી મૃત્યું નહિ પામે.” (યોહાન: ૨૫-૨૬). ઈગ્નાસભાઈ પ્રભુમાં દ્રઢ શ્રદ્ધા રાખનારા એક ઈસુપંથી હતા, તેથી મૃત્યું બાદ પુનરૂત્થાનની પ્રભાતે મળશે જ, તેવી અમર આશા!

સ્વ. ઈગ્નાસભાઈ યુવાનવયથી જ ધાર્મિક ભાવના ધરાવતા હતા. યુવાનીમાં સમાજના વિકાસમાં સૌને સાથે રાખીને રચનાત્મક કાર્યો કરવાની યોજનાઓ ગોઠવતા હતા. ‘એક્શન ગ્રુપ’ નામની પાંચેક યુવાનોની પ્રવૃત્તિઓએ કરમસદ અને કરમસદ ચર્ચ સાથે સંકળાયેલાં ગામોમાં સમાજ જાગૃતિ જગાવી હતી. ક્રિસ્મસના ગરબાની તેઓની આગેવાની સૌને ગમતી. 

ઈગ્નાસભાઈ એક સારા ગાયક હતા અને તેઓને ભજનો ગાવાનો લગાવ હતો. ઢોલક અને હાર્મોનિયમ વગાડવાના તેઓના શોખથી તેઓ ચર્ચમાં ‘ક્વાયર’માં ભાગ લેતા હતા. આજીવન શૈક્ષણિક વ્યવસાયમાં જોડાયેલા શિક્ષક તરીકે તેઓ વિદ્યાર્થીઓના માનીતા હતા. શાળાની સમૂહ પ્રાર્થાનામાં જાણે કે તેઓ મંદિરમાં થતી આરાધનાનો અવસર સર્જતા હતા. અને સવારની આ પ્રાર્થના જોવા-સાંભળવા ગામના વાલીઓ શાળાના રસ્તે ટોળે વળતા.                  

સ્વ. ઈગ્નાસભાઈની સાથેની ૨૦૧૬ અને ૨૦૧૭ ની મારી છેલ્લી ઈન્ડિયાની બે મુલાકાતો ઘણી જ યાદગાર રહી છે. એ મુલાકાતોમાં અમે પરસ્પર આત્મિયભાવે ઘણા નજીક આવ્યા હતા. પરસ્પર પ્રેમ અને આદરમાં અમે ઘણો આનંદ મેળવ્યો હતો. આ મુલાકાતોમાં મારાથી નાના અને ઈગ્નાસભાઈથી મોટા એવા જોનભાઈ (રમણભાઈ)ની સાથે અમે ત્રણેય ભાઈઓએ ઘણી મજા માણી હતી.

૨૦૧૪-૧૫ માં ‘સ્ટ્રોક’ના હળવા હુમલાને કારણે તેઓને ‘લકવા’ની અસર થઈ, તેની સામે ઝઝૂમીને અને પ્રભુની પ્રાર્થનામાં ઘણો બધો સમય ગાળીને આયુષ્યનાં વધુ પાંચ વરસો ઉમેરી શક્યા હતા. આ સમય દરમિયાન તેમનાં ધર્મપત્ની શાંતા, દીકરા વિપૂલ, પૌત્ર સ્મિત અને ખાસ તો પુત્રવધુ વર્ષાએ ઘણી જ સારસંભાળ લીધી હતી. ‘વ્હીલચેર’ના સહારે પુત્રવધૂ વર્ષાએ ઈગ્નાસભાઈને દેવળમાં લઈ જવા સહિત અન્ય જરૂરી જગ્યાએ જવા-આવવાની ઉમદા સેવા કરી હતી. આ કપરા સમય દરમ્યાન તેમનાં ધર્મપત્ની શાંતા સતત તેમની પડખે રહ્યાં હતાં અને તેઓની ત્રણેય દીકરીઓએ અવારનવાર તેમની મુલાકાત લઈ પિતાને પ્રેમભરી ફૂંફ આપી હતી. સામે જ રહેતા મોટાભાઈ જોનભાઈ અને તેમના બે દીકરાઓ-સમીર અને પ્રકાશ અને અન્ય પરિવારજનો સતત પડખે રહ્યા હતા.

ખાસ તો કરમસદસ્થિત સૌ સીસ્ટરોએ આપેલ ધાર્મિક માર્ગદર્શન અને આપેલ આધ્યાત્મિક શાંતિ અને ફૂંફ બદલ સૌનો હું આદરભાવે આભાર માનું છું. સેંટ જોસેફ ચર્ચ, કરમસદના સભાયાજ્ઞિક ફા. મારિ જોસેફ અન્ય ધર્મગુરૂઓએ સમયાંતરે ઈગ્નાસભાઈને પ્રભુના માર્ગે ટકી રહેવા આધ્યાત્મિક બળ પૂરું પાડ્યું હતું તે બદલ તે સૌનો દિલથી આભાર માનું છું! ફાધરો અને સીસ્ટરોના ધાર્મિક માર્ગદર્શન, કુટૂંબીઓની સારસંભાળ અને અન્ય જનોના સાથસહકાર અને જેનાથી આ બધું શક્ય થયું છે તેવા આપણા પરમ દયાળુ પિતા પરમેશ્વરનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઘણો ઘણો આભાર!

દિલમાં ઘણી ઈચ્છા હતી પણ ઈગ્નાસભાઈના અંતિમ દિવસોમાં તેઓની પાસે રહી શક્યો નથી તેનું દુ:ખ છે. સ્વ. ઈગ્નાસભાઈ અને તેમનાં પરિવાર પ્રત્યે જાણ્યે અજાણ્યે થયેલી મારી ભૂલો માટે મને દરગુર્જર કરશોજી! જય પ્રભ! જય ઈસુ!

-સ્નેહભાવે આપનો જોસેફ પરમાર, તારીખ: ૩૦ એપ્રિલ ૨૦૨૦.

[wppa type=”slide” album=”77″ align=”center”]      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.