ગુજરાતી ખ્રિસ્તયજ્ઞનો અનેરો અવસર
“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” માટે પવિત્ર ખ્રિસ્તયજ્ઞનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો. દસ વરસના વસવાટ અને પીએચડી ની પદવી મેળવી માભોમની સેવા માટે વતન પાછા ફરતા ફાધર એલેક્ષ ને મે ૧૬, ૨૦૧૨માં ભવ્ય વિદાય આપી હતી તેવા સંસ્થાના અને ગુજરાતી કેથલિક પરિવારોના માનીતા પોતાના પુરોહિત ફા. એલેક્ષના શુભ હસ્તે પવિત્ર ખ્રિસ્તયજ્ઞમાં સહભાગી થવાનો કાર્યક્રમ યાદગાર બની રહ્યો. તા. ૧૮ મે, ૨૦૧૪ને રવિવારે બપોરના ૨:૩૦ કલાકે વુડબ્રીજ, ન્યુ જર્સીના ભવ્ય “સેન્ટ જેમ્સ ચર્ચ”માં સંસ્થાના ૫૦ ઉપરાંત સભ્યોએ આ ભક્તિયજ્ઞનો લાભ લીધો હતો.
બરાબર ૩ વાગે “આવો પ્રભુના માનમાં ગાઓ” ભજન સૂર-તાલ સાથે સમૂહમાં ગવાતાં ભક્તિસભાનો આરંભ ભાવવાહી રહ્યો. ફા. એલેક્ષે પોતાને આ તક મળી તે બદલ પ્રભુનો આભાર માનીને “ગુ. કે. સમાજ ઓફ યુએસએ”ની એકતાને બીરદાવી ખ્રિતયજ્ઞમાં સૌને આવકાર્યા હતા.
પ્રભુનાં યશોગાન, શાસ્ત્રવાચનને અનુરૂપ ભજનોમાં સૌ ભક્તિભાવે જોડાયા હતા. અર્પણગીત અને પવિત્ર ખ્રિસ્તપ્રસાદની વિધિમાં ધન્યતા અનુભવતાં સૌએ પ્રભુને પોતાના હૃદયમાં આવવા પ્રાર્થના કરી હતી.
શાસ્ત્રવાચન ઉપર ફા. એલેક્ષે મનનીય બોધ આપ્યો હતો. પ્રભુને રસ્તે ચાલવા સજીવન થયેલા ઈસુએ શિષ્યોને દર્શન દઈને શ્રધ્ધાની પ્રતિતિ કરાવી હતી, તે શિષ્ય થોમસના પ્રસંગને ફા. એલેક્ષે સમાજવીને પ્રેમ, એકતા અને પ્રભુએ પ્રબોધેલા માર્ગે ચાલવા ભક્તજનોને અનુરોધકર્યો હતો.
ખ્રિસ્તયજ્ઞને ગીતસંગીત સાથે ભક્તિમય બનાવવા સર્વશ્રી જગદીશ ક્રિશ્ચિયનની દોરવણીમાં હાજર સૌ ઉત્સાહથી જોડાયા હતા.
ખ્રિસ્તયજ્ઞ બાદ ચર્ચના ઓડિટિરિયમમાં હળવા-મળવાનો અને સંસ્થાના મહેમાન ફા. એલેક્ષને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. ઔપચારિક અને નિયત આયોજન ન હોવા છતાં ઉદ્દઘોષકશ્રી કેતન ક્રિશ્ચિયને સમૂહમિલનને રસપ્રદ બનાવ્યો હતો.
સંસ્થાના પ્રમુખશ્રી શાંતિલાલ પરમારે સૌને આવકારીને કુ. કિમ્બર્લી જકારિયા ના હસ્તે ફા. એલેક્ષનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આજના કાર્યક્રમના સહભાગી થનાર ખાસ મહાનુભાવો શ્રી લિનસ ટેલર અને શ્રીમતી સપના ગાંધીને આદરથી આવકાર આપ્યો હતો. શ્રીમતી સપના ગાંધીએ તેમના તરફથી ફા. એલેક્ષને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કર્યું હતું. સમગ્ર આયોજનના પ્રણેતા શ્રી જગદીશ ક્રિશ્ચિયનની સેવાને બિરદાવવામાં આવી હતી. સંસ્થા તરફથી ફા. એલેક્ષને પ્રેમભેટ અર્પણ કરવામાં આવી હતી.
સન્માનના જવાબમાં ફા. એલેક્ષે તેઓનાં સંસ્થા સાથેના સંબંધોને તાજા કરીને સૌએ ભાવથી આજનો કાર્યક્રમ યોજવા બદલ સૌનો આભાર માન્યો હતો. દરેક પરિવારનો ફાધર પ્રત્યેનો પ્રેમભાવ યાદ કરીને વિદેશમાં એકતા અને સંપથી મળતા રહેવાની સંસ્થાની રીતરસમ માટે સૌને અભિનંદન આપ્યાં હતાં.
સંસ્થાના આજીવન સભ્યશ્રી નિતીન પરમારના સૌજન્યથી સંસ્થાના નામ સાથેની પેન દરેકને ભેટ આપવામાં આવી હતી. સંસ્થાના આજીવનસભ્ય પરિવાર શ્રી કિરીટ અને શ્રીમતી રીટા જખાર્યા તરફથી હળવા નાસ્તા-પીણાંની વ્યવસ્થા કરાઈ હતી. નાસ્તા-પાણીના બદલે સંપૂર્ણ ભોજનની લિજ્જત સૌએ માણી હતી. ફા. એલેક્ષને સંસ્થા પ્રત્યે એવી આત્મિયતા હતી કે તેઓ આજના પ્રસંગ અર્થે ભારતથી સૌને માટે ખાસ મિઠાઇ લઈ આવ્યા હતા.
૧૯ મે, ૨૦૧૪ના રોજ જન્મ તારીખ હતી તેમના “જન્મદિન”નની ઊજવણીનો એક ‘સરપ્રાઇઝ’ કાર્યક્રમ છેલ્લે યોજાયો હતો! સંસ્થાનાં આજીવન સભ્ય શ્રીમતી નિલાક્ષી જખાર્યાના જન્મદિનને સગાઈસંબંધે તેમનાં દેરાણી શ્રીમતી રીટા જખાર્યાએ આ ‘સરપ્રાઈઝ’ રાખી હતી. કેક કાપવાની વિધિમાં અને નાચગાનમાં સૌ ઉત્સાહથી જોડાયાં હતાં. મેટાચન ડાયોસીસના “મલ્ટીકલ્ચરલ મિનીસ્ટ્રી”ના ડાયરેકટર સીસ્ટર રૂથ, સેન્ટ જેમ્સ ચર્ચના પેરિશપ્રીસ્ટ ચાર્લીનો અને ‘સાઉન્ડ સીસ્ટમ’ માટે શ્રી રજની અને અમિત મેકવાનનો આભાર માનતાં શ્રી જગદીશ ક્રિશ્ચિયને કેટલાક આગામી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. સંસ્થાના અને અન્ય સમાચારો જાણવા શ્રી કેતન ક્રિશ્ચિયને વીકમાં એકાદ વખત jagadishchristian.com વેબ સાઈટ જોવા ખાસ અનુરોધ કર્યો હતો. આ અવસરે એક ધાર્મિક પ્રસંગ સાથે એક સામાજિક પ્રસંગ માણ્યાનો બેવડો આનંદ સાથે સૌ વિદાય થયા હતા.
-માહિતી સૌજન્ય: જોસેફ પરમાર
પિક્ચર-કેતન ક્રિશ્ચિયન, રાજ મેકવાન, અમિત મેકવાન અને ઑગસ્ટીન મેકવાન
jajjaaj