ફાધર એલેક્ષના વરદ હસ્તે પવિત્ર ખ્રિસ્તયજ્ઞ બાદ ફાધરનો હ્રદયસ્પર્શી વિદાય સમારંભ મે ૧૯, ૨૦૧૨

 

હૃદયસ્પર્શી વિદાય સમારંભ!

     
“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુએસએ”ના ઉપક્રમે ‘ગુજરાતી માસ’ સાથે વિદાય સમારંભનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૯ મે, ૨૦૧૨ને શનિવારે બપોરના ૨:૩૦થી ફા. ડૉ. એલેક્ષ જોસેફના શુભહસ્તે ‘પવિત્ર ખ્રિસ્તયજ્ઞ’ની ધાર્મિક વિધિમાં સંસ્થાના સભ્યો અને પરિવરજનોએ ભક્તિભાવે ભાગ લીધો હતો. વુડબ્રીજ, ન્યુ જર્સી ખાતે આવેલા ભવ્ય ”અવર લેડી ઑફ માઉન્ટ કાર્મેલ ચર્ચ”માં ગુજરાતી ભક્તિગીતો તાલ-સૂરે સમૂહમાં ગાવામાં સૌએ સાથ આપ્યો હતો. હાર્મોનિયમ પર શ્રી જગદીશ ક્રિશ્ચિયન અને ઢોલક પર સર્વશ્રી રજની અને અમિત મેકવાન સાથે કલ્પેશ ક્રિશ્ચિયને સંગત આપી હતી. પરસ્પર પ્રેમ અંગેના બાઈબલ વાંચન પર ફા. એલેક્ષે પ્રભુ ઈસુના પ્રેમનો સંદેશો પોતાના જીવન વ્યવહાર દ્વારા વ્યક્ત કરવા અનુરોધ કર્યો હતો.
     
૩:૩૦ કલાકે ધાર્મિક વિધિ પૂરી થતાં ચર્ચની બાજુમાં જ આવેલા હોલમાં ફા.  ડૉ. એલેક્ષનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. પ્રથમ હળવા નાસ્તા સાથે સામાજિકતાના માહોલમાં હળવા-મળવાના સમય બાદ ઉદઘોષક તરીકે શ્રી.  કેતન ક્રિશ્ચિયને સૌને આવકારતાં ફા. એલેક્ષને વિદાય આપવાનો આજની સભાનો હેતુ જણાવતાં હતા ત્યારે હળવા અવાજમાં “આજ જાનેકી જીદ ન કરો” ગીત-ગૂંજનથી સાંકેતિક વિદાયની સૌને દુ:ખ મિશ્રીત પ્રતિતિ થઈ હતી.
     
સંસ્થાના સ્થાપક અને વિદાય લેતા પ્રમુખશ્રી જોસેફ પરમારને મંચ પર બેઠક લેવા વિનંતી કરી હતી. કુ. શર્લિન પરમારના હસ્તે શ્રી. જોસેફ પરમારને પુષ્પગુચ્છ અર્પીને સન્માન કરવાના જવાબમાં તેમણે સંસ્થાની સ્થાપનાનો હેતુ, સંસ્થાની કાયદેસરતા અને બંધારણ અંગે માહિતી આપી હતી. બે વર્ષમાં આદર્શ પ્રણાલિકા, નાણાંકીય હિસાબની પારદર્શિતા, સભ્યોનો આર્થિક સહયોગ અને યોજાયેલા વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને સૌનો આભાર માન્યો હતો. લોકશાહી નિયમ અનુસાર થયેલી  સંસ્થાની સૌપ્રથમ ચૂંટણીમાં ૯ કારોબારી સભ્યો માટે ૮ ઉમેદવારો હોઈ સર્વાનુમતે ચૂંટાયેલા સભ્યો સર્વશ્રી જગદીશ ક્રિશ્રિયન, શાંતિલાલ પરમાર, જેમ્સ જખર્યા, રજની મેકવાન, દિપક પરમાર, ફિલોમિના પરમાર, અમિત મેકવાન અને એરિક લિયોને સૌએ તાળીઓથી વધાવ્યા હતા.  વધુમાં ૨૦૧૨-૧૩-૧૪ની ત્રણ વર્ષની ટર્મ માટે સર્વાનુમતે ચૂટાયેલા પ્રમુખ તરીકે શ્રી.શાંતિલાલ પરમારને મંચ ઉપર આમંત્રિત આપતાં સૌ સભાજનોએ  તાળીઓથી ખુશી વ્યક્ત કરી હતી. કુ. હર્ષિની કુમારના હસ્તે પુષ્પ્ગુચ્છથી નવા પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ પોતાને પસંદ કરવા બદલ સૌનો આભાર માન્યો હતો. વિદાય લેતા પ્રમુખશ્રી જોસેફ પરમારની સેવાની સરાહના કરતાં આભાર માન્યો હતો અને સંસ્થાની પ્રગતિ અર્થે  સૌના સહકાર માટે વિનંતી કરી હતી.     
  
ફા. ડૉ. એલેક્ષ પોતાની ડૉક્ટરેટની ઉચ્ચ પદવી મેળવીને અમેરિકામાંથી વિદાય લઈ રહ્યાની શ્રી કેતનભાઈએ રજૂઆત કરીને તેમને મંચ પર બેઠક લેવાની વિનંતી કરતાં સભાજનોએ તાળીઓના ગડગડાટ સાથે ઊભા થઈને પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. શ્રી જગદીશ ક્રિશ્ચિયને ફા. એલેક્ષનો પરિચય આપતાં તેઓના જન્મ, શિક્ષણ અને દીક્ષા બાદની વિવિધ સેવાઓની વિગતો આપી હતી. તેઓના ૯-૧૦ વર્ષના અમેરિકાના વસવાટ દરમિયાન ઉચ્ચ શિક્ષણ સાથે ન્યુયોર્કસ્થિત સેંટ પિટર ચર્ચમાં મદદનીશ પુરોહિત તરીકે લોક્પ્રિયતા મેળવી હતી.  આ સમય દરમિયાન “ગુ. કે. સ. ઑફ યુએસએ”ના કાર્યક્રમોમાં હાજરી આપીને પ્રસંગોપાત ગુજરાતી ખ્રિસ્તયજ્ઞના લાભ આપ્યા છે. ગુજરાતી કેથલિક પરિવારોના સારા-માઠા પ્રસંગોમાં, રૂબરૂ હાજર રહીને આધ્યાત્મિક હૂંફ આપીને જાણે કે સંસ્થાના અને પરિવારોના ‘પ્રીસ્ટ’ તરીકે કામગીરી કરી હોઈ સૌના પ્રિયપાત્ર રહ્યા છે.
   
ત્યારબાદ વિદાય પ્રસંગે ગાંધીનગરના માનનીય આર્ચબિશપ સ્ટેની ફર્નાન્ડિઝ અને અમદાવાદના માનનીય બિશપ થોમસ મેકવાનના આવેલા સંદેશાઓની શ્રી કેતન ક્રિશ્ચિયને વાચન કર્યું હતું, સંસ્થા તરફથી સુંદર ‘પ્લેક’ ફા. એલેક્ષને અર્પણ કરવામાં આવતાં પહેલાં કુ. નોએલિયા રોયના હસ્તે ફાધરનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના જૂના-નવા સૌ કારોબારીની ઉપસ્થિતિમાં “પ્લેક’ અર્પણની વિધિ ભાવપૂર્ણ બની રહી હતી.
    
રેવ. ડૉ. એલેક્ષે વિદાય પ્રવચન આપતાં પોતાની જવાબદારી એક ધર્મગૂરુ તરીકે નિભાવીને પ્રભુ ઈસુનાં કાર્યો પોતા દ્વારા કરવા પ્રયત્નો કર્યાનો ઉલ્લેખ કરીને પ્રભુનો આભાર માન્યો હતો. ઉચ્ચ શિક્ષણના અભ્યાસના બોજ સાથે પેરિશની કામગીરી અને સ્થાનિક ગુજરાતી કેથલિકો સાથે સહકરાત્મક મેળાપને પોતાના જીવનનું કાયમી સંભારણું ગણાવતાં ગદગદ થઈ ગયા હતા. સભાજનો અશ્રુભીની આંખે ફાધરને સાંભળતાં અને વારંવાર તાળીઓથી પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હતા. વિદાય લેતા ફાધરને સ્રવશ્રી તુલસી માયલ, કિરીટ જખાર્યા, ફિલોમિના પરમાર, અનિતા ક્રિશ્ચિયન, અમિત મેકવાન, જુલિયસ મેકવાન,વગેરેએ પોતાના અંગત પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ઉદઘોષક શ્રી. કેતન ક્રિશ્ચિયન કાર્યક્રમના સંચાલનમાં જોગાનુજોગ ફા. એલેક્ષની વિવિધ સેવાઓની રજૂઆત કરતા રહેતા હતા.
     
અંતમાં “જોશ ચેરીટી ફાઉન્ડેશન” તરફથી “ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુએસએ”ને દાનમાં મળેલ ‘સોની વાયો બ્રાન્ડ’ લેપટોપ ફા. એલેક્ષને સંસ્થા તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું. ફા. એલેક્ષે અહોભાવે સંસ્થાનો અને સૌનો આભાર માન્યો હતો. ત્યારે પાશ્વસંગીત “નગમે હૈ, શિકવે હૈ, રિસ્તે હૈ, બાતેં હૈ, યાદેં રહ જાતી હૈ, ચલે જાનેકે બાદ યાદ આતી હૈ” ગુંજનથી સૌની આંખોંમાં આંસુ આવી ગયાં હતાં.  
     
વ્યક્તિગત ભેટ અર્પીને ઘણાં પરિવારોએ ફા. એલેક્ષ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ધર્મ અને સમાજના સમન્વયનું એક આગવું પ્રકરણ, એટલે ફા. એલેક્ષ અને અમેરિકાના ગુજરાતી કેથલિકોનો પરસ્પરનો સહકારાત્મક યાદગાર ઈતિહાસ!     
     
પ્રસંગ અનુસાર ઈલા અને ક્લેરા ક્રિશ્ચિયન, માનસી અને પૂર્વી મેકવાન, એલેક્ષ રાઠોડ, ફ્લોરેન્સ મેકવાન, નીલા લિયો અને તુલસી અને ઝુલી માયલ તરફથી ફૂડ-સોડા-પેપર પ્રોડક્ટ્સ, વગેરે પૂરું પાડીને ઉદાર સહાય કરી હતી. ઉપરોક્ત મહિલાઓ સહિત શારદા અને ફિલોમિના પરમાર, ફિલિસ અને અનિતા ક્રિશ્ચિયન, કોકિલા કુમાર, વગેરેએ પિરસવાની વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો. સૌએ હાથોહાથ સહકારથી સભાખંડની વ્યવસ્થા અને સફાઈ સંભાળી લીધી હતી. સાઉન્ડ સીસ્ટમ શ્રી રજની અને અમિત મેકવાન બંધુઓએ સંસ્થાને વિનામૂલ્યે આપી-સંભાળીને સહાય કરી હતી.  
માહિતી સૌજન્ય: જોસેફ પરમાર
 
Click on above picture to read his message

 

Click to read his message

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.