ફા. વર્ગિસ પૉલના વરદ હસ્તે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” નું સફળ આયોજન

 

“પવિત્ર ખ્રિસ્તયજ્ઞ”નું સફળ આયોજન

       “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ”ના ઉપક્રમે તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૧૩ના શનિવારે ગુજરાતથી પધારેલ ફા. વર્ગિસ પૉલના વરદ હસ્તે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં ખ્યાતનામ નામ, એટલે “સવાયા ગુજરાતી” ફા. વર્ગિસ! ગુજરાતી કેથલિક પરિવારો બપોરના બે કલાકે “અવર લેડી ઓફ માઉન્ટ કાર્મેલ ચર્ચ”, વુડબ્રીજ, ન્યુ જર્સીના સ્થળે ૪૫ ગુજરાતી લોકપ્રિય પુસ્તકોના સર્જકના હસ્તે અર્પણ થનાર ‘પરમપૂજા’માં હાજરી આપવા પધાર્યાં હતાં.

 

       “આજ પ્રભુના માનમાં ગાઓ” સમૂહગીત તાલસૂરે રેલાતાં પવિત્ર ખ્રિસ્તયજ્ઞનો આરંભ થયો હતો. અમેરિકામાં ટૂંકા રોકાણ દરમ્યાન સ્વપરિચિત ઘણાં પરિવારો મધ્યે ગુજરાતીમાં પ્રભુની પૂજા કરવાની તક મળી તે માટે પ્રભુનો આભાર માનતાં ફા. વર્ગિસે સૌને મીઠો આવકાર આપ્યો હતો.

 

ધર્મસભા, વિશ્વનો પુરોહિત અને સાધ્વીગણ, વિશ્વશાંતિ અને સૌ સુખી રહે તેવી આરાધના સાથે પ્રભુને સમૂહયાચના કરવામાં  આવી હતી. પ્રથમ શાસ્ત્રપાઠ અંગ્રેજીમાં કુ. સ્ટેફની ક્રિશ્ચિયને વાંચી સંભળાવ્યા બાદ “એવું દે વરદાન” ભક્તિગાનમાં સૌ જોડાયા હતા. બીજો શાસ્ત્રપાઠ શ્રી એલેક્ષ રાઠોડે ગુજરાતીમાં વાંચી સંભળાવ્યો હતો, તે “પ્રભુનો જયજયકાર” ગાન ભક્તિભાવે  ગાઈને, પુરોહિતના મુખે આજનો શાસ્ત્રપાઠ આજનો શાસ્ત્રપાઠ સાંભળવા સૌ નમ્રભાવે પ્રભુમય બની રહ્યા હતા. આજના શાસ્ત્રપાઠ અંગે ઉપદેશાત્મક વક્તવ્ય આપતાં વિદ્વાન પુરોહિતશ્રીએ આપણાં જીવનમાં પ્રભુએ કરેલા ઉપકારો બદલ પ્રભુનો આભાર માનવા અંગે સમજ આપી હતી. પ્રભુ ઈસુએ દસ કોઢિયાઓને સાજા કર્યા હતા, તેમાંથી એક જ ઈસુનો આભાર માનવા આવ્યો હતો. બીજા નવ ક્યાં હતા? આપણે કઈ બાજુ છીએ? આપણા એક દિવસ દરમ્યાન પ્રભુ આપણને દોરે છે, આપણને સહાય કરે છે, આપણાં કામોને સફળ બનાવે છે. આ બધા માટે આપણે પ્રભુનો આભાર માનતાં શીખીએ.

 

પ્રભુને રોટી અને દ્રાસાસવ અર્પણ કરાવાની વિધિ દરમ્યાન “અર્પણ કરું શું તને” સમૂહગીતના ભાવમાં સૌ દોરવાયા હતા.  ધન્યભાવથી પરમ પવિત્ર “ખ્રિસ્તપ્રસાદ” સ્વીકારવા સમયે “ઓ ખ્રિસ્તના આત્મા” ભાવવાહી રીતે સમુઃહમાં અતિ કર્ણપ્રિય રહ્યું હતું. અંતે આશીર્વાદ મેળવીને “ઈસુજી દૂર કરો અંધારાં” સમૂહગાનથી પરમ પૂજા સંપન્ન થઈ હતી. હાર્મોનિયમ પર શ્રી. જગદીશ  ક્રિશ્ચિયનને તબલાં પર શ્રી. હિતેશ મેકવાન, ઢોલક પર શ્રી. રજની મેકવાને સંગત આપી હતી.

 

“ખ્રિસ્તયજ્ઞ” બાદ ફા. વર્ગિસનું પુષ્પ્ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પહેલાં સંસ્થાના પ્રમુખશ્રી શાંતિલાલે ફા. વર્ગિસનો પરિચય આપતાં તેઓ સાથેનાં જૂનાં સ્મરણો રજૂ કર્યાં હતાં. સો ઉપરાંત વર્ષોથી પ્રકાશિત માસિક “પાવન હૃદય દૂત”ના તંત્રી તરીકે “સવાયા ગુજરાતી” ફા. વર્ગિસે સામયિકને નવો ઘાટ આપવાની કુનેહને બીરદાવી હતી. સન્માનના જવાબમાં ફા. વર્ગિસે સૌને સમૂહમાં મળવાની તક અને અમેરિકામાં ગુજરાતીમાં પવિત્ર “ખ્રિસ્તયજ્ઞ” અર્પણ કરવા બદલ આભારની લાગણી દર્શાવી હતી. “સવાયા ગુજરાતી” તરીકે પોતાના વતન કેરાલામાં સ્વજનો સાથેની વાતચીતમાં ગુજરાતી શબ્દો આપોઆપ પ્રયોજાય છે, જે અંગે થતી રમૂજથી સૌ ખડખડાટ હસ્યાં હતાં. પોતાનું લોકપ્રિય “ઈસુ-મારી-તમારી નજરે” પુસ્તક દરેક પરિવારને ભેટ તરીકે આપ્યું હતું. સન્માન વિધિનું સુપેરે સંચાલન કરતાં શ્રી. કેતન ક્રિશ્ચિયને ઓક્ટોબર ૧૨, નો દિવસ સ્વ.સુશીલા પરમારના જન્મ દિન તરીકે યાદ આપાવી હતી. આ દિવસ શ્રી હિતેશ મેકવાનનો જન્મદિન હોઈ સૌએ સમૂહમાં શુભેચ્છા પાઠવી હતી. નવિનતમ રજૂઆત કરતાં શ્રી કેતનભાઈએ હાજર રહેલાંમાં જેઓનો જન્મદિન ઓક્ટોબર ૨૦૧૩ દરમ્યાન આવતો હતો, તે સૌને ફાધર વર્ગિસના વરદ હસ્તે ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છા પાઠવી હતી.

 

બાદમાં ચર્ચ પાસેના હોલમાં ગરમાગરમ મેથીના ગોટા અને જલેબી અલ્પાહાર તરીકે આરોગતાં ફા. વર્ગિસ સાથે વાતચીત અને ફોટા-સેશનનો સૌએ લાભ લીધો હતો. ઓક્ટોબર ૧૧નો દિવસ શ્રી જીગર રાઠોડનો જન્મદિન હોઈ તેઓના પરિવાર તરફથી જન્મદિનની કેક કાપવાની વિધિમાં ઓક્ટોબરમાં જન્મદિન હતો તે સૌ જોડાયાં હતાં. “હેપી બર્થ ડે ટુ યુ” અને “બાર બાર દિન યે આયે”નાં સમુહ શુભેચ્છાગાનથી હોલમાં આનંદની છોળો ઉછળી રહી હતી.

 

ફા. વર્ગિસ “કેથલિક ઈન્ફર્મેશન સર્વિસ સોસાયટી”-CISS-ના મંત્રી અને ખજાનચી તરીકે સેવા આપે છે. દર વર્ષે આ સંસ્થાના હેવાલમાં વાર્ષિક નાણાંકીય હિસાબ પણ પ્રસિધ્ધ કરવામાં આવે છે. વ્યક્તિગત દાનના ફા. વર્ગિસના અસ્વીકારથી સ્વૈચ્છિક રીતે CISSને સહાય કરવાની હિમાયતથી કેટલાંક પરિવારોએ CISSને ચેકથી દાન આપવાની ઉદારતા દાખવી હતી. સમગ્ર પ્રસંગ ખુશી-પ્રસન્નતામાં સંપન્ન થયો હતો.

 

–માહિતી સૌજન્ય: જોસેફ પરમાર, ફૉટા: કેતન ક્રિશ્ચિયન,
            વિડિયોગ્રાફી: ફ્રાન્સિસ મેકવાન   

 

ખ્રિસ્તયજ્ઞ દરમ્યાન પાડેલા પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.

 

 

ખ્રિસ્તયજ્ઞ પછી સ્નેહમિલન સમયના પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.