એક પ્રેરણાદાયક વિસ્મરણીય ઘટના!

smitajoseph-pushpaben

 

તા ૨૮ ડિસે. શુક્રવારે, તા ૨૬-૭-૨૦૦૫ ના રોજ ( લગભગ આઠ વર્ષ પહેલાં) એક ગોઝારા અકસ્માતનો ભોગ બનેલી અને ત્યારથી જ કોમામાં સરી પડેલી એક આશાસ્પદ યુવતી સ્મિતાનું અવસાન થયું હતું. તા. ૩૦ મી રવિવારે તેની શોકસભા હતી. સ્મિતાના માબાપ જોસેફભાઈ અને પુષ્પાબેન શોકમય આગળ બેઠાં હતાં. આ માબાપે અને તેમાંય ખાસ કરીને તો મા પુષ્પાએ  પોતાની પથારીવશ પુત્રીની લાંબાં આઠ વર્ષ સુધી અખૂટ ધીરજ ને અખૂટ પ્રેમથી સંભાળ લીધી, ચાકરી કરી. એ વરસો દરમ્યાન પુત્રીની માને ઘરે જ રહેવું પડ્યું. વાર તહેવારે કે સામાજિક પ્રસંગોએ બધાને બહાર જવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે પણ સ્મિતાની માને એ બધાનો ત્યાગ કરવો પડ્યો અને પોતાની બીમાર પુત્રીની ચાકરી કરવા ઘેર રહેવાની ફરજ પડી જે એમણે રાજ્ખુશીથી નિભાવી. હું આ શોકસભામાં હાજર હતો ને સ્મિતાના માબાપના ચહેરાને સતત નિહાળતો હતો. સ્મિતાની માના ચાહેરાએ મને મા એટલે કોણ  એનું  ત્યારે મને ભાન કરાવ્યું ને સાચી સમજ આપી. વિકટ સંજોગો અને દુસહ્ય પરિસ્થિતિમાં મા જ એને પહોચી વળે. મા ઈશ્વરનું કેવું સુંદર, અદભુત સર્જન છે એ આજે હું સમજ્યો.

 

દિલ્હીમાં તાજેતરમાં સામુહિક બળાત્કાર અને હિંસાના બનાવથી નાગરિકોમાં પ્રગટેલો આક્રોષ આપણે જોયો. મહિલા આદર અને મહિલા સન્માનની માંગણી કરતા અવાજો આપણા કાને પડ્યા છે. દોષિતો માટે કડકમાં કડક સજાની કાયદાકીય જોગવાઈની માંગણીના નારાઓ  આપ્ણે ગાજતા  સાંભળ્યા. મહિલાઓનું સમાજમાં ગૌરવ સચવાતું નથી એનાથી આપણે સભાન બન્યા છીએ. આવા માહોલમાં એક ખ્રિસ્તી મા પોતાની પુત્રી- કે જે લગભગ મૃ:તપાય હતી છતાં તેને મરી ગયેલી માનીને તેની અવગણના કર્યા વિના ભારે પરિશ્રમ ઊઠાવીને અખૂટ  પ્રેમથી કાળજી લે અને મહિલા એટલે કોણ, મા તરીકેની સ્ત્રીની ભૂમિકા કેવી હોય તેનું એક પ્રેરણાત્મક અનુકરણીય ઉદાહરણ આપણ સહુને આપ્યું છે. આવાં માબાપો ને આવી માતાઓની આજે તાતી જરૂરિયાત છે. શબ્દો કે ઉપદેશ કરતાં જીવંત ઉદાહરણ અસરકારક બને છે. સ્મિતાને ઈશ્વર પિતા એમના સાન્નિધ્યમાં સદાય વસાવે એવી પ્રાર્થના કરીએ ત્યારે સ્મિતાના સેવાભાવી માતાપિતા પુષ્પાબેન તથા જોસેફભાઈ ને પણ આપણ સહુને સેવાનો અનુકરણીય નમુનો પૂરો પાડ્યો એ બદલ અભિનંદન પાઠવીએ.

Fr. william

 

સ્મિતાબેનના ફ્યુનરલના થોડા પિક્ચર કનુભાઈએ મોકલ્યા હતા જે નીચે જોઈ શકો છો.