ગુજરાતીમાં “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ”નો અનોખો અવસર – ઓગસ્ટ ૧૭, ૨૦૧૩

ગુજરાતીમાં “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ”નો અનોખો અવસર

GCSofUSA-Gujmass081713

     “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ”ના ઉપક્રમે ઓગષ્ટ ૧૭, ૨૦૧૩ને શનિવારે “ભારતના સ્વાતંત્ર્ય દિન” અને “માતા મરિયમના ઉદગ્રહણ”ના બેવડાં પર્વો નિમિત્તે ગુજરાતી ‘પવિત્ર માસ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્કોસીન સ્ટેટમાં ઉચ્ચ અભ્યાસાર્થે આવેલા ગુજરાતી ફા. સુનિલ મેકવાનના વરદ હસ્તે “ખ્રિસ્તયજ્ઞ” વિધિમાં ભાગ લેવાનો આ અનેરો અવસર હતો. બપોરના બે વાગે “અવર લેડી ઓફ માઉન્ટ કાર્મેલ ચર્ચ, વૂડબ્રીજ, ન્યુ જર્સી મુકામે ગુજરાતી કેથલિક કુટુંબો પોતાનાં બાળકો સાથે આવીને મળવાહળવાનો આનંદ મેળવતાં હતાં. ખાસ તો “ડાયોસિસ ઓફ મેટાચન”, ન્યુ જર્સીની “મલ્ટીકલ્ચરલ મિનિસ્ટ્રીનાં ડાયરેક્ટર માનનીય સીસ્ટર રૂથ બૉલર્ટેએ હાજરી આપીને સંસ્થાને ખાસ પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત કેનેડાસ્થિત “ગુજરાતી કેથલિક ડાયસ્પોરા” ટોરન્ટોના પાંચ ગુજરાતી કેથલિક પ્રતિનિધિઓ તરીકે આ અવસરે હાજરી આપવા આવેલા સર્વશ્રી. મધુરમ મેકવાન, કિરીટ પરમાર, શશીકાન્ત પટેલિયા, રાજેશ મેકવાન અને પોલ મેકવાનને મળવાની પણ મનગમતી તક સાંપડી હતી. તેઓ પાંચેય વતન-ગુજરાતની જૂની યાદો તાજી કરાવે તેવી ઓળખ ધરાવતા હતા.

“આજ પ્રભુના માનમાં ગાઓ” પ્રવેશગીત, સૂરતાલ સાથે સમૂહમાં ગવાતાં, ભક્તિભાવે ૭૦થી વધુ ધર્મજનો પવિત્ર ખ્રિસ્તયજ્ઞમાં જોડાયા હતા. ફા. સુનિલ મેકવાને પવિત્ર ખ્રિસ્તયજ્ઞમાં સૌને આવકારીને યજ્ઞવિધિમાં સૌને ભાગ લેવા ક્ષમાયાચના માટે દોરીને પ્રભુની દયા માગી હતી. “ગગનમાં પ્રભુનો જયજયકાર” સમૂહગાન પછી કુ. વૈભવી મેકવાનના પ્રથમ “બાઈબલવાચન” બાદ “એવું દે વરદાન પ્રભુજી” ભાવવાહી ગીત ગાવામાં અવ્યું હતું. શ્રી શશીકાન્ત પટેલિયાએ દ્વિતીય બાઈબલવાચન સંભળાવ્યા પછી સમૂહમાં ”હાલ્લેલુયા” ગીત ગાઈને આજનું બાઈબલવાચન ફા. સુનિલે સંભળાવીને આત્મિક બોધમાં કહ્યું હતું કે, આજે મંગલપર્વો નિમિત્તે પવિત્ર માતા મરિયમ સૌ સ્ત્રીઓમાં ઉત્તમ સ્ત્રી તરીકે પ્રભુ ઈસુનાં જનેતા બન્યાં હતાં. પ્રભુએ માતાને બક્ષેલા ગૌરવ બદલ આપણે માતા મરિયમને સન્માન આપીએ છીએ. ભારત સ્વાતંત્ર્ય દિન ઉજવે છે અને લોકતંત્રના લાભો મેળવીએ છીએ, ત્યારે આપણે આત્મિક સ્વતંત્રતા માટે પણ વિચારીએ.

 

સમૂહમાં શ્રધ્ધાઘોષણા અને “પવિત્ર પવિત્ર પવિત્ર તમે” ગીત ગાઈને યજ્ઞવિધિ આગળ વધતાં અર્પણગીત “અર્પણ કરું શું તને” સમૂહગીતમાં તાલસૂરે ભક્તિભાવમાં સૌ જોડાયા હતા. “પરમપિતા હે અમારા” ગીત અને પરસ્પર શાંતિપ્રદાન કરતાં સમૂહમાં ભાઈચારાનો માહોલ સર્જાયો હતો. “પવિત્ર ખ્રિસ્તપ્રસાદ” સ્વીકારતાં “મા મરિયમ તું સવાર છે” ગીત માતા મરિયમના સન્માનમાં સમૂહમાં ગવાયું હતું. “હે ખ્રિસ્તના આત્મા” ધીરગંભીરભાવે ગાવામાં ભક્તિમાં સૌ એકચિત્ત થઈ ગયા હતા. અંતિમ આશીર્વાદ પામીને “હે જગજનની, હે દયામયી” ક્લાસિકલ ગાન સૌએ ભક્તિના રંગે તરબોળ  અહોભાવે ગાયું હતું. હાર્મોનિયમ પર શ્રી જગદીશ ક્રિશ્ચિયન, તબલા પર યુવાન કલાકાર હિતેશ મેકવાન, ઢોલક પર શ્રી અમિત મેકવાન, અને મંજીરાં પર શ્રી કેતન ક્રિશ્ચિયને સંગત આપી હતી. ગાયકવૃંદમાં સર્વશ્રી રજની અને અમિત મેકવાન સાથે નિલાક્ષી જખાર્યા અને ઈલા ક્રિશ્ચિયન અગ્રેસર રહીને સમૂહને પ્રોત્સાહિત કર્યા હતા.

 

પવિત્ર ખ્રિસ્તયજ્ઞ બાદ સન્માનવિધિ કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શ્રી. કેતન ક્રિશ્ચિયને  સંભાળ્યું હતું. સમાજની ભાવિ પેઢી ના હસ્તે ફા. સુનિલ મેકવાન, સી. સિસ્ટર રૂથ, સર્વશ્રી. મધુરમ મેકવાન, શશીકાન્ત પટેલિયા, કિરીટ પરમાર, પોલ મેકવાન, રાજેશ મેકવાન અને જોસેફ પરમારને પુષ્પગૂચ્છ અર્પણ કરવામાં આવ્યાં હતાં. સન્માનના જવાબમાં ફા. સુનિલે સૌ ગુજરાતી કેથલિકોને સમૂહમાં મળ્યા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. સી. રૂથે પોતાના ડાયોસીસમાં “ગુજરાતી-ઈન્ડિયન કેથલિકો” ને આટલી મોટી સંખ્યા સાથે ખ્રિસ્તયજ્ઞમાં ભાગ લેતાં પોતાને આનંદ થયાનું જણાવી, ભવિષ્યમાં ‘મેટચન ડાયોસીસ’ સાથે સહકાર રાખવા અનુરોધ કર્યો હતો. કેનેડાના મહેમાનોમાંથી શ્રી રાજેશ મેકવાને ગુજરાતી કેથલિક ડાયસ્પોરાનો આરંભનો ટુંકો ઈતિહાસ વર્ણવ્યો હતો, જ્યારે શ્રી મધુરમે, તેમના સ્વ. પિતા શ્રી જોસેફ મેકવાનની ગુજરાતી કેથલિકોને આપેલી સેવાઓ યાદ કરીને તેમની સાહિત્યિક ગરિમાને સંભારી હતી.

 

સન્માનવિધિ બાદ ચર્ચ પાસેના હોલમાં હળવાં ખાણીપીણીને માણતાં વતનની અને કેનેડા અને અહીંની વાતોમાં, ફોટોમાં યાદોને કંડારતાં સૌને  મળવાહળવામાં સમય વીતાવ્યો અને એક યાદગાર પ્રસંગને માણ્યાના સંતોષ સાથે સૌએ વિદાય લધી હતી.

–માહિતી સૌજન્ય: જોસેફ પરમાર                                                              

 

આ પ્રસંગના છબીકાર – ક્રિસ્ટીન ક્રિશ્ચિયન

આ પ્રસંગના વિડિઓગ્રાફર – ફ્રાન્સીસ મેકવાન

 

ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ દરમ્યાન લેવાયેલ પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.

 

GCSofUSA081713
Please click on the picture to see more picture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.