Tag Archives: મનોજ મેકવાન

કમ્યુનીટી ડેવેલોપમેન્ટ સોસાયટી (સીડીએસ) ના વાર્ષિક દિનની ઊજવણી – ઓક્ટોબર ૨૧, ૨૦૧૨

 

કમ્યુનીટી ડેવેલોપમેન્ટ સોસાયટી (સીડીએસ) આણંદ પાધરીયામાં આવેલી એક જાણીતી અને આગવા પ્રકારની એન જી ઓ છે. શ્રી મનોજ મેકવાન એના પ્રણેતા છે. આ સંસ્થા નાત-જાત-ધર્મ કે સંપ્રદાયનો ભેદ રાખ્યા વિના જરૂરિયાતમંદો વંચિતોની સેવા કરે છે. હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ કે જેમને વધુ અભ્યાસની તકો મળી નથી તેમને માટે આ સંસ્થા ટૂકાગળાના તાલીમ કાર્યક્રમો-કોર્સનું આયોજન કરે છે ને એ રીતે આવી યુવતીઓને કમાણીનું સાધન આપે છે. આજે પ્રસ્તુત કમ્યુનીટીમાની કેટલીયે યુવતીઓ તાલીમ લઈને કમાતી થઇ છે અને સ્વમાનભેર જીવે છે. આ સંસ્થા દ્વારા ગરીબ વિસ્તારો-ઝૂપડ પટ્ટીઓમાં બાલવાડીઓ ચલાવે છે જેમાં આ સંસ્થામાં તાલીમ લીધેલી યુવતીઓ સેવા આપે છે.

 

સંસ્થા પ્રતિ વર્ષ જર્મની દેશ સાથેની યુવતીઓ સાથે મળીને એક્ષ્ચેન્જ કાર્યક્રમો ગોઠવે છે ને અહીંથી આ ગરીબ યુવતીઓને એક કે બે માસ માટે જર્મની મોકલે છે આજ સુધીમાં કેટલીયે હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓને આનો લાભ મળ્યો છે. સીડીએસ સંસ્થાની આ એક મોટી ઉપલબ્ધિ છે.

 

 
પ્રતિ વર્ષ સંસ્થા તેનો વાર્ષિક દિન ઉજવે છે જેમાં યુવતીઓના વાલીઓ ને માબાપો હોંશભેર ભાગ લે છે. ચાલુ સાલે આણંદ ટાઉન હોલમાં આ દિનની ઉજવણી થઇ હતી. સ્ટેજ પર આવીને પોતાની વિવિધ આવડતો પ્રેક્ષકોને બતાવી આપવાની તેમને માટે આ એક સોનેરી તક છે જે સંસ્થા તેમને પૂરી પાડીને તેમનામાં સ્વમાન જગવે છે. મુસ્લિમ યુવતીઓને તો આનાથી ઘણું સ્વમાન જાગે છે. વાર્ષિક દિનની આગવી વિશિષ્ટતતા તો એ છે કે વિવિધ કોમ ને ધર્મની યુવતીઓ સાથે મળીને આ કાર્યક્રમ કરે છે ને પ્રેક્ષકોમાં આ બધી ક્મ્યુનીટીના લોકો હાજર હોય છે.

 

 
કોમી સંવાદિતાનું આનાથી બીજું ઉમદા ઉદાહરણ કયું હોઈ શકે? મનોજભાઈ પોતે ખ્રિસ્તી છે ને તેમના દ્વારા આ પ્રકારની ઉમદા પ્રવૃત્તિ થાય છે એ ગૌરવની વાત છે. સાચેજ મનોજ એક અનુકરણીય ઉદાહરણ સહુને આપી રહ્યા છે. શ્રી મનોજભાઈ તથા તેમના સહુ કાર્યકરોને આપણાં હાર્દિક અભિનંદન ! અને આણંદ તથા અન્ય સ્થળોએ વસતા બીજા ખ્રિસ્તીઓ પણ આવી હિતકારક પ્રવૃતિઓ શરૂ કરીને ભગવાન ઇસુનો પ્રેમ તથા ભાઈચારાનો સંદેશ બધે ફેલાવે એવી અપેક્ષા રાખીએ!
-ફાધર વિલિયમ (રિશ્તા)

 

શ્રી. મનોજ મેકવાનની સી ડી એસ સંસ્થાના બ્યુટી પાર્લર “લા બેલા”નું ઉદઘાટન ફાધર વિલિયમના હસ્તે.

 

આજે ગણેશ ચતુર્થી પર્વે સી ડી એસ (કમ્યુનીટી ડેવેલોમેનટ સોસાયટી )સંચાલિત “લા બેલા” નામે એક બ્યુટી પાર્લર શરૂ કરવામાં આવ્યો હતો. સી ડી એસ સંસ્થા અલ્પેશ સોસાયટી (પધારિયા) વિસ્તારમાં આવેલી છે. તેના પ્રણેતા મનોજ મેકવાન છે. મનોજભાઈ યુવાવયે આશાદીપ, વિદ્યાનગર સાથે ઘનિષ્ઠ  ઘનિષ્ઠ સંપર્ક ધરાવતા હતા આને ઘણી બધી યુવાપ્રવૃતિઓમાં ભાગ લેતા હતા જેને કારણે તેમનું વ્યક્તિ ઘડતર આબાદ રીતે થયેલું છે. બાળપણમાં તેમને ગરીબીનો ખાસ્સો એવો આનુભવ થયેલો જેને કારણે મોટા થયે ગરીબો વંચિતો ને જરૂરિયાતમંદો માટે કંઈક કરવાની તેમની તીવ્ર ઈછા અને મહત્વાકાંક્ષા જાગી હતી આજે તેઓ ઉપરોક્ત સંસ્થા ચલાવે છે. સંસ્થામાં નાત જાત ધર્મ કે લીન્ગભેદ રાખ્યા વિના તે ગરીબ-વંચિત વર્ગોની યુવતીઓ માટે વિવિધ પ્રકારની તાલીમોનું આયોજન કરી તેમના હાથોમાં રોજીરોટી કમાવાનું આવડતરૂપી સાધન આપે છે. કમ્પ્યુટર શિક્ષણ, ફોટોગ્રાફી, બ્યુટી પાર્લર, આંગણવાડી વગેરે પ્રકારની આવડત કેળવવા તેઓ વર્ગો ચલાવે છે જેમાં હિંદુ- મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ તાલીમ લેવા આવે છે ને તાલીમ બાદ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરીને સારી એવી કામણી કરી સ્વમાની બને છે. તેમની સાથેના વર્તાલાપામાં જાણવા મળ્યું કે તાલીમ લીધેલી યુવતીઓ ૧૦ આંગણવાડીઓ ચલાવે છે ને કેટલીક યુવતીઓએ પોતાના બ્યુટી પાર્લર શરૂ કર્યા છે. સી ડી એસની આગવી ખાસિયત એ છે કે વિવિધ કોમોની યુવતીઓ તાલીમ લેવા આવતી હોઈ તેમની વચ્ચે આત્મીયતા ને મૈત્રી જાગે છે ને કોમી સંવાદિતા પ્રગટે છે. એ રીતે મૂલવતા સી ડી એસ સંસ્થા સામાજિક સંવાદિતા પ્રગટાવવામાં એક ઘણું મહત્વનું પ્રદાન કરી રહી છે આ હેતુને લક્ષ્યમાં રાખીને સંસ્થા પ્રતિ વર્ષ નાતાલ-ધૂળેટી-ઈદ પર્વોની સામૂહિક ઉજવણીઓ કરે છે.

 

 

         ફાધર વીલીયમ સી ડી એસ સાથે નજદીકથી જોડાયેલા છે પ્રતિ વર્ષ રિશ્તા સંસ્થા તાલીમાર્થીનીઓ માટે પત્રકારત્વની શિબિર કરે છે ગઈ સાલ ૩૦ હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ માટે રિશ્તા સંસ્થા દ્વારા મૌંટ આબુ ખાતે ત્રણ દિવસીય સર્વ ધર્મ સમભાવ તથા પત્રકારત્વ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે ફાધર વિલિયમે ઉપસ્થિત રહીને રિબન કાપીને બ્યુટી પાર્લરનું ઉદઘાટન કર્યું હતું. ને ઈશ્વ્રરની આશિષો યાચી હતી. મનોજભાઈએ સામાજિક હિતને હૈયે ધરાવતા એવા સહુને માટે એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. મનોજભાઈને આપણા સહુના હાર્દિક અભિનંદન તથા તેમના આ નવા સાહસને લાખ લાખ શુભેચ્છાઓ!

– ફાધર વિલિયમ

 

સી.ડી.એસ. સંસ્થાનો વાર્ષિકદિન ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવાયો. માર્ચ ૧૮ ૨૦૧૨

સી.ડી.એસ. સંસ્થાનો વાર્ષિકદિન ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવાયો.
 
આણંદના લાયન્સ ક્લબ હોલમાં તારીખ ૧૮ માર્ચના રોજ સી.ડી.એસ. સંસ્થાનો ૧૫મો વાર્ષિક દિન ઉજવાયો. આણંદ નગરપાલિકાના પ્રમુખશ્રી વિજય માસ્તર મુસ્લિમ સમાજના અગ્રણી મહોરમ કમીટીના પ્રમુખશ્રી સલીમભાઈ તાળાવાળા તથા ગોત્રી મેડીકલ કોલેજના પ્રાધ્યાપક ડૉ. રોઝી મેકવાનના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો.
 
આ પ્રસંગે શ્રી. વિજયભાઈએ જણાવ્યું હતું કે હાલમાં દરેક ધર્મના લોકો પોતાના ધર્મના વાળામાં રહી પોતાના જ લોકો માટે કામ કરે છે. ત્યારે સી.ડી.એસ. જેવી સંસ્થા માનવધર્મ અપનાવી દરેક ધર્મના જરૂરીયાતમંદ લોકો માટે કામ કરી રહી છે તે ખૂબ જ પ્રસંશનીય છે. તેમણે સંસ્થાને અભિનંદન પાઠવતા કહ્યું કે જ્યારે પણ જરૂર પડે તેઓ સંસ્થાને મદદ કરવા તૈયાર છે. સંસ્થાને પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તથા સંસ્થા માટે આર્થિક દાનની પણ હાકલ કરી હતી.
 
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલ સલીમભાઈ તાળાવાળાએ પણ પ્રાસંગોચિત પ્રવચન કર્યું હતું અને સી.ડી.એસ.ના કાર્યને બિરદાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગરીબમાં ગરીબ વ્યક્તિને પગભર કરી સમાજને સશક્ત બનાવતી આ સંસ્થાને અમારા સલામ. મુસ્લિમ સમાજની બહેનો આનો વધુ ને વધુ લાભ લે તેવી હાકલ કરી હતી. સંસ્થા વધુ પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા સાથે ખાત્રી આપી હતી કે તેઓ સંસ્થાને જરૂરી સાથ આપતા રહેશે.
 
અતિથી વિશેષ ડૉ. રોઝી મેકવાને સ્રીઓના વિકાસ થકી સમાજના વિકાસ પર ભાર મુક્યો હતો. અસહાય તથા ફીઝીકલ ચેલેન્જ વ્યક્તિઓને આવી સંસ્થા આગળ લાવવાનું ભગીરથ કાર્ય કરે છે તેને બિરદાવ્યું હતું. આવી બહેનો સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી પોતાના પગ પર ઉભા રહી સ્વમાનભેર જીવન જીવે છે તેવા દાખલાઓ આપ્યા હતા. તેમણે પણ સંસ્થાને આર્થિક દાન આપ્યું હતું.
 
આ સમારંભમાં અન્ય ખાસ મહાનુભાવો હાજર રહ્યા હતા જેમાં ડૉ. બીપીન વ્યાસ (દત્તુ હોસ્પીટલ) શ્રી. કાદરી સાહેબ (ઇન્કમટેક્ષ ઓફીસર) આઈ.પી.મેકવાન (આણંદ કેથોલિક સમાજના પ્રમુખશ્રી) શ્રી સલિમભાઈ દિવાન (મ્યુનિ. કાઉન્સીલર) શ્રી. દિનેશભાઈ ઓઝા (કન્વીનર ગુજરાતી કેથોલિક સમાજ) ફાધર વિલિયમ એસ.જે. (ડારેક્ટરશ્રી રીશ્તા સંસ્થા) સમીરભાઈ પઠાણ (મુસ્લિમ સમાજના અગ્રણી) વગેરે.
 
સમગ્ર કાય્રક્રમનું સફળ અને અસરકારક સંચાલન ડૉ. અલ્કા મેકવાને કર્યું હતું. તેઁમણે પોતાની આગવી શૈલીથી લોકોને પ્રભાવિત કર્યા હતા. સંસ્થાનો વાર્ષિક અહેવાલ સંસ્થાના ડારેક્ટરશ્રી. મનોજ કે. મેકવાને રજૂ કર્યો હતો. સંસ્થાની વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતી ૨૦૦ થી પણ વધારે બહેનોને મહેમાનોના હસ્તે સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન બહેનોએ ખૂબજ સુંદર પ્રાર્થના ડાન્સ, ગરબો, મરાઠી ડાન્સ, તથા ફિલ્મી ડાન્સ રજૂ કર્યા હતા. પર્યાવરણ બચાવવાના સંદેશ રજૂ કરતું અને વૃક્ષ વાવવા માટેની વિનંતિ વાળું સુંદર નાટક રજૂ કર્યું હતું.
કાર્યક્રમાના અંતે વક્ષીતાબેન સોલંકીએ સમગ્ર કાર્યક્રમને ભવ્ય બનાવનાર તમામ લોકોનો આભાર માન્યો હતો.
 
સમાચાર અને પિક્ચર – ફાધર વિલિયમ અને શ્રી. મનોજ મેકવાન