Tag Archives: ફાધર વાલેસ

Fr. Valles unveiling his latest book, Gandhi: An alternative to Violence in Philadelphia – August 27, 2012

The latest book of Father Valles, Gandhi: The alternative to violence is unveiled August 27, 2012. From left Dr. Meeta Peer, Mr. Dvendra Peer, Ms. Neeta Desai, Fr. Valles & Mr. Ram Gadhavi.

 

હું નાનો હતો ત્યારથી જોતો કે ગુજરાતી વર્તમાનપત્ર “ગુજરાત સમાચાર” અમારે ઘરે આવતું અને મારા પપ્પાને તન્મયતાથી વાંચતા જોઈને મને પણ થતું કે ચાલો જોવા તો દે અને એમ કરતાં કરતાં આદત પડી ગઈ. એ “ગુજરાત સમાચાર” ની રવિવારની પૂર્તિમાં ફાધર વાલેસની ‘નવી પેઢીને’ નામની કોલમ આવતી એ અચૂક વાંચતો. હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે ગુજરાતી વિષયની ચોપડીમાં પણ ફાધર વાલેસનો એકાદ લેખ કે નિબંધ હોય જ. ફાધર વાલેસની વિચારશૈલિ થી હું પ્રભાવિત હતો. જાતે કેથોલિક (દેશી ખ્રિસ્તી) અને ૨૯ વરસ ગુજરાતમાં રહેવા છતાં ફાધર વાલેસને મળવાનો ક્યારેય મોકો મળ્યો ન હતો.
 
હું ઘણાં વરસોથી “ગુજરાતી લિટરરી અકેડમી ઓફ નોર્થ અમેરિકા” નો સભ્ય છું તો ઓગસ્ટની ૧૯ તારીખે એક નિમંત્રણ મળ્યું કે ફાધર વાલેસના નવોદિત પુસ્તકનું વિમોચન ફિલાડેલ્ફીયામાં ઓગસ્ટની ૨૭ તારીખે, સોમવારે સાંજના ૬ કલાકે રાખવામાં આવ્યું છે. પુસ્તકનું નામ “Gandhi: The alternative to violence.”. ડૉ. મીતા અને દેવેન્દ્ર  પીર ના નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન હતુ,  જે મારા ઘરથી લગભગ ૬૫-૭૦ માઈલના અંતરે અને સોમવારનો દિવસ છતાં વિચાર્યું કે બસ જવું જ છે અને ફાધર વાલેસને સાંભળવા છે અને એમને મળવું છે. હું મારા પપ્પા શ્રી. જોસેફભાઈ પરમાર, મારો અનુજ ભાઈ કેતન ક્રિશ્ચિયન અને મારો ભાણિયો રાજ મેકવાન સાંજે ૪:૩૦ કલાકે નિકળ્યા. સાંજનો ભારે અવરજવરનો સમય હતો અને રસ્તામાં વરસાદનું એક જોરદાર ઝાપટું આવી ગયું છતાં ૬:૨૫ કલાકે અમે પહોંચી ગયા. પહોંચીને જાણ્યું કે હજુ કાર્યક્રમ શરૂ નથી તો રાહત થઈ. બેઠક વ્યવસ્થા ઉપરાંત પ્રેક્ષકો હતા તો પાછાળ ઉભા રહી ગયા. બરાબર ૭:૦૫ કલાકે ફાધર વાલેસનું આગમન થયું.
 
યજમાન શ્રી દેવેન્દ્રભાઈએ બધાનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી. સેન્ટ ઝેવિયર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીનિ શ્રી. કલ્પનાબેન દેસાઈએ ફાધર વાલેસનો પરિચય આપ્યો. તો ગુજરાતી લિટરરી અકેડેમીના પ્રમુખશ્રી. રામભાઈ ગઢવી પણ પોતાની આગવી અદા અને કાઠયાવાડી ઠાઠથી કવિ કાગનો દોહો ગાઈને ફાધર સાથેનો એક રસદાયક કિસ્સો યાદ કરાવ્યો. શ્રી. મનુભાઈ પંચોળી સાથે ફાધર એમને મળેલા ત્યારે ફાધરે એમને પૂછ્યું કે તમારા બાળકો ગુજરાતી જાણે છે તો શ્રી. રામભાઈએ કહ્યું ના તો ફાધરે સૂચના કરી કે તમારા બાળકોને ગુજરાતી જરૂરથી શીખવાડવું જોઈએ. તો શ્રી. રામભાઈએ સામે દલીલ કરી કે તમે સ્પેનિશ હોવા છતાં ઇન્ડિયા આવી ગુજરાતી શીખીને પુસ્તકો લખીને પ્રખ્યાતિ પામ્યા છો એમ અમારા બાળકો પણ અમેરિકામાં અંગ્રેજી શીખીને પ્રખ્યાત થાય. ત્યાર બાદ ‘વિદેશિની’ શ્રી. પન્નાબેન નાયકે ‘કુમાર’ સામયિકના તંત્રીશ્રી. ધીરુભાઈ પરીખની બહુમુખી પ્રતિભાનું ટુંકમાં વર્ણન કરી એમને ફાધરના નવોદિત પુસ્તક વિષે છણાવટ કરવા આમંત્ર્યા.
 
શ્રી. ધીરુભાઈએ ગાંધીજી વિષે ઘણી વાતો કરી એના પરથી લાગે કે એમણે ગાંધીજીનો વિગતવાર અભ્યાસ કરેલો છે. સમય મર્યાદા તરફ ધ્યાન દોરવા છતાં પોતે અધ્યાપક છે અને કલાક બોલવાની ટેવ છે એટલે હું તો બોલીશ અને તમારે સાંભળવું પડશે એવી હળવી મજાક પણ કરી. પણ પોતાના વાકમાધુર્યથી અને ગાંધીજી વિષેની જાણકારીથી હાજર બધાની વાહ વાહ મેળવી ગયા.  
 
અને પછી સમય આવ્યો પુસ્તકના વિમોચનનો તો યજમાન દંપતિ અને ફાધર વાલેસના હસ્તે પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું.
 
 
 
વિમોચન કર્યા પછી ફાધર વાલેસે પોતાનુ વક્તવ્ય શરૂ કર્યું નિહાળો. દૂરથી અને સેલફોનથી વિડીયો લીધો છે.
 
ફાધરના ઉદબોધન પછી થોડા પ્રશ્ન-ઉત્તર બધા સાંજનું વાળું કરી છુટા પડ્યા. તે પહેલાં તેમનું આ પુસ્તક ત્યાં વેચાણ માટે હતું એ ખરીદી ફાધરના હસ્તાક્ષર મેળવી લીધા અને ફાધરની સાથે બેચાર પિક્ચર પણ પડાવી લીધા. આ કાર્યક્રમમાં ઘણા જાણીતા સાહિત્યકારો જેમ કે કવિશ્રી. અનિલ જોષી, શ્રી. મધુ રાય, શ્રી. પ્રીતિ સેનગુપ્તા, શ્રી. બાબુભાઈ સુથાર, ડો. નીલેશ રાણા, શ્રી. કિશોર રાવળ, શ્રી. ચંદ્રકાંત ત્રિવેદી વગેરે હાજર હતા.
નવેમ્બર ૧૮ ૨૦૧૧  ના દિવસે અમદાવાદમાં ફાધરના પુસ્તક “નાઈન નાઈટ્સ ઇન ઇ ન્ડિયા” નું વિમોચન થયેલું એનો અહેવાલ જાણીતા પત્રકાર અને બ્લોગર શ્રી. ઉર્વીશ કોઠારીના બ્લોગ પર વાંચવા અહીં ક્લિક કરો. 
અને એજ શ્રી. ઉર્વીશભાઈનો એક હળવો રમૂજી લેખ ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયેલો ‘ગાંધીજી ફેસબુક પર હોત તો’ જેને અહીં ક્લિક કરી વાંચો રીડ ગુજરાતી પર.         

 

[wppa type=”slide” album=”7″ align=”center”]Any comment[/wppa]