Tag Archives: આશાદીપ

“આશાદીપ” – વિદ્યાનગરમાં ગાંધી વિચારધારા વિષય પર પરિસંવાદ – ઓગસ્ટ ૨૬, ૨૦૧૨

“આશાદીપ” – વિદ્યાનગરમાં ગાંધી વિચારધારા
 
કિશોરાવસ્થામાંથી જ પોતાના જીવનમાં સંસ્કારો અને સદગુણોનું સિંચન થાય તો વ્યક્તિનું સમગ્ર જીવન સત્ય, નિષ્ઠા, પ્રમાણિકતા, સેવા અને પરોપકારથી મઘમઘતું બની રહે છે. આ બાબતને લક્ષ્યમાં લઈને તા. ૨૬ ઓગસ્ટના રોજ “આશાદીપ” સંચાલિત ‘અંકુર’ કાર્યક્રમનાં કિશોર-કિશોરીઓ તથા આશાદીપ સંલગ્ન અન્ય યુવક-યુવતિઓ માટે ગાંધી વિચારધારા વિષયે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા હાસ્યલેખક તથા કેળવણીકાર, સદભાવના ફોરમના સભ્ય અને ફાધર વિલિયમના સ્નેહી મિત્ર શ્રી. રતિલાલ બોરીસાગરે લગભગ એક કલાક સુધી ગાંધીના જીવનમાંથી ચૂંટીને, વીણીને વિવિધ પ્રેરણાત્મક પ્રસંગોનું તેમની લાક્ષણીક શૈલીમાં વર્ણન કરી સૌનાં દિલ જીતી લીધાં હતાં. પ્રવચન બાદ પ્રશ્નોત્તરી થઈ જેમાં પૃચ્છકોએ ગાંધીજી અંગેની કેટલીક માન્યતાઓ બાબતે સ્પષ્ટતા કરી લીધી હતી. સમગ્ર કાર્યક્રમ અંકુરીયાંઓ માટે માત્ર રસપ્રદ નહિ, બહુ જ હિતકારક નીવડ્યો હતો. અંકુરના સંયોજક મેહુલ ડાભીએ વક્તાશ્રીનો આભાર માની આશાદીપમાં પુન: પધારી યુવાવર્ગને સાત્વિક વિચારોની લહાણી કરવા અપેક્ષા રજૂ કરી હતી.
સમાચાર/પિક્ચર: “આશાદીપ”

સિસ્વા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવવાની પરવાનગી મેળવતી મહિલાઓ

સસ્તા અનાજની દુકાન ચલાવવા પાછળનો સરકારનો હેતુ ગરીબોને ખાવા માટે જરૂરી અનાજ બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળી રહે તેવો છે. પરંતુ જેમ બધી સરકારી યોજનાઓમાં ભષ્ટાચાર ચાલે છે તેમ આ યોજના પણ ભ્રષ્ટાચારના ભરડાથી બાકાત નથી. અમુક લોકો પૈસા આપીને સરકાર પાસેથી આ દુકાનો ચલાવવાના પરવાના મેળવી લે છે તથા ભ્રષ્ટાચાર કરીને અઢળક નાણાં કમાઈ લે છે. અને આવા લોકો અનાજને ગરીબો સુધી પહોંચાડવાને બદલે બારોબાર વેચી દે છે અને સરકારના શુભ હેતુને નાકામિયાબ બનાવી દે છે.
 
સરકારના આ શુભ હેતુને અમલમાં મૂકવા એટલે કે ગરીબોને ખાવા માટે અનાજ મળી રહે એ માટે “આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર” સંચાલીત મહિલા સશક્તિ જુથે સંકલ્પ કર્યો અને બોરસદ તાલુકાના સિસ્વા ગામની બહેનોએ આ કાર્ય હાથ ધર્યું. પ્રથમ તેઓ મામલતદાર પાસે ત્યારબાદ પુરવઠા અધિકારી પાસે જઈને રજૂઆત કરી પણ કાંઈ વળ્યું નહીં. વિરોધીઓ તથા સ્થાપિત હિતોએ તેમના પ્રયત્નને નિષ્ફળ બનાવવા બધા જ ઉપાયો અજમાવ્યા. છેવટે મહિલાઓએ કલેક્ટર પાસેથી પરવાનગી મેળવી લીધી. સમગ્ર પ્રક્રિયામાં રેગીનાબેન, શારદાબેન તથા પાર્વતિબેને ઘણી જહેમત ઊઠવી હતી. બે મહિનાની લડત તથા સખત મહેનતનું છેવટે સુફળ પ્રાપ્તથયું એ સહુને આનંદ થયો છે. આ અનુભવે સહુને લાગ્યું છે કે ગરીબોનાં હિતમાં લડીએ તો ચોક્કસ તેનું પરિણામ હકારાત્મક આવે છે.
 
પ્રસ્તુત અભિયાન તથા મહિલાઓની આ લડતમાં સીસ્ટર સરોજ એલ.ડી. નુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સીસ્ટર સરોજ, કો-ઓર્ડીનેટર તરીકે “આશાદીપ” દ્વારા ચાલતી જાગૃતિ પ્રવૃત્તિમાં ઘણાં સક્રિય છે ને એવા કાર્યક્રમો યોજતાં હોય છે.
સમાચાર-પિક્ચર:  “રિશ્તા”