સોસ્યલ કમ્યુનિકેશન ફોરમમાં રીના પ્રશાંત જોબની નિયુક્તિ

સોસ્યલ કમ્યુનિકેશન ફોરમમાં રીના પ્રશાંત જોબની નિયુક્તિ

ખ્રિસ્તીઓમાં મીડીઆના મહત્વ તથા સામર્થ્ય અંગે સભાનતા પ્રગટે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં તેનો ઉપયોગ કરવાનો ઉત્સાહ જાગે એવા ધ્યેયને વરીને ભારતના કેથોલિક બિશપોના એસોસીએશન સી.બી.આઈ. એ સોસ્યલ કમ્યુનિકેશન ફોરમની રચના કરી છે. વેસ્ટર્ન રીજન કે જેમાં મહારાષ્ટ્ર તથા ગુજરાતનો સમાવેશ થાય છે તેના વેસ્ટર્ન રીજયનલ સોસ્યલ કન્યુનિકેશન ફોરમમાં ગુજરાતમાંથી પાંચ સભ્યો છે તેમાં હવે તાજેતરમાં મહિલા સભ્ય તરીકે રીના પ્રશાંત જોબની નિયુક્તિ કરવામાં આવી છે. રીનાબેને ‘રિશ્તા’ સંચાલિત ત્રણ માસની પત્રકારત્વ તાલીમમાં અને ક્રિએટીવ રાઈટીંગમાં જોડાઈને લઘુકથા તથા ગઝલ લેખનમાં પણ ભાગ લીધો હતો. પાંચેક વર્ષ પહેલાં તેમણે મલ્લિકા સારાભાઈ દ્વારા મહિલાઓનું સામાજિક ક્ષેત્રે પ્રદાન વિષયે શરૂ કરાયેલ ટી.વી. સીરીયલમાં ‘રિશ્તા’ ના ઉપક્રમે સક્રિય ભૂમિકા ભજવી હતી. ચાર સાલ પહેલાં ‘આકાશવાણી-અમદાવાદ વડોદરા’ પરથી પ્રાસારિત કરાયેલ નાતાલ રેડીઓ નાટકના રેકોર્ડીંગમાં પણ રીનાબેને ભૂમિકા ભજવી હતી. અવારનવાર ‘નવક્રાતિ’ માં પણ મહિલા જાગૃતિ વિષયે તેમનાં લખાણો પ્રસિધ્ધ થયાં છે. રીનાબેનની નિયુક્તિ બદલ ‘રિશ્તા’ તથા ‘નવક્રાંતિ’ તેમને હાર્દિક અભિનંદન પાઠવે છે અને મીડીઆ ક્ષેત્રે તેઓ તેમનું પ્રદાન કરતા રહી અન્ય ખ્રિસ્તી મહિલાઓને પ્રેરણા આપે તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. (પ્રેષક: ફાધર વિલિયમ)       

નવા વરસ નું નવું નજરાણું

કેતન ક્રિશ્ચિયન મારો નાનો ભાઈ બહુમુખી પ્રતિભા ધરાવે છે અને એના કાજે આનંદ સાથે હંમેશા ગૌરવ અનુભવ્યું છે. આજે એની એક કવિ પ્રતિભાનો પુરાવો આપવાનો આ એક મોકો લઉ છું જ્યારે હું મારી વેબસાઈટને આઠ વરસ પછી એક નવા રુપ રંગ સાથે રજુ કરી રહ્યો છું. બાળપણથી કવિતા અને કથનીનો શોખ. પીજના નવાસવા એકમાત્ર દુરદર્શન પર એના લખેલા ગ્રામ્યલક્ષી નાટકો પ્રસારિત થતા હતા. એની કવિતાઓ મેગેઝિનમાં છપાતી હતી. આજે એને હિન્દ-રતન નો ખિતાબ મળી રહ્યો છે ત્યારે ગર્વથી છાતી ગજ ગજ ફુલે છે. આ સાથ એની એક કવિતા રજૂ કરું છું. આ કવિતાને વાંચો અને સાંભળો પણ ખરા. આ કવિતાને સ્વરબધ્ધ કરી છે રોબિનસન રાઠોડે અને જેને સ્વર આપ્યો છે દેશના નિખિલ ભાવસાર.

હળવેથી!

હળવેથી કોણ ભરી દે મારાં સૂના નયનોને સાવ સુંવાળા સ્વપ્નોથી?

કોણ હસી દે સાવ કોમળ કોમળ મારાં શુષ્ક મુખેથી?

આવેગોની આ ઊંચી-નીચી અણધારી પાળેથી ઝૂકી ઝૂકીને

કોણ સ્પર્શી લે સાવ નજીક મારાં ધ્રૂજતા અંગોથી?

બેફામ બનીને ઉદ્ ભવતા ભાવોને પળમાં ચહેરે આમ મઢાવી

કોણ ચૂમી લે સાવ નશીલું મારા સળવળતા હોઠોથી?

આકાશની ઝૂકેલી છાયામાં સળવળતી લાખો આંખો માંહેથી

કોણ શ્વસી લે એકપ્રાણ બનીને મારા શ્વાસ-ઉચ્છવાસેથી?

ઊગી નીકળેલા ભીનાં રણનાં જોજન વચ્ચેથી

કોણ ઊગી લે ધબકાર થઈને મારા નાનાં હૈયેથી?

–          કેતન ક્રિશ્ચિયન

ફ્યુનરલ

ડિસેમ્બર ૨૮ ૨૦૧૧: શ્રી. સ્ટેફાન મેકવાનની ફ્યુનરલ વિધિ ડિસેમ્બરની ૨૯ તારીખે ભારતીય સમય પ્રમાણે બપોરે ૩:00 વાગે (ન્યુ યોર્કના સમય પ્રમાણે વહેલી સવારે ૪:૩૦) સેંટ. જોસેફ દેવાલય, મણીનગર, અમદાવાદ ખાતે રાખવામાં આવી છે.
જેઓ કોઈ કારણસર હાજર ના રહી શકે તો આ ફ્યુનલ માસનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…