“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” યોજીત સફળ યાત્રા પ્રવાસ – સેન્ટ પાદરે પીઓ – સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૨

“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” યોજીત સફળ યાત્રા પ્રવાસ

સ્વૈચ્છિક સંસ્થા તરીકે “ગુ. કે. સ. ઓફ યુએસએ” વિવિધ કાર્યક્રમો યોજીને સમાજના સભ્યોને સહયોગી બનાવી સમાજની એકતાને મજબૂત બનાવવાનું મહત્વનું કાર્ય કરે છે. પેન્સિલ્વેનિયા સ્ટેટમાં આવેલા લોકપ્રિય યાત્રાધામની મુલાકાત લેવાનો કાર્યક્રમ બે મહિના અગાઉ સભ્યોના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો.
The National Center for Padre Pio, 111 Barto Road, Barto, PA 19504 એક પવિત્ર યાત્રાસ્થળ તરીકે ખૂબ જાણીતું છે. રોજ હજારો ખ્રિસ્તી યાત્રાળુઓ આ તીર્થધામની મુલાકાત લેતા હોય છે. સપ્ટેમ્બરની ૨૩, ૨૦૧૨ સંત પાદરે પીઓની ૪૪મી પુણ્યતિથિ નિમિત્તે તા. ૨૨ને શનિવારના રોજ “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” દ્વારા બાર્ટો, પેનસીલ્વાનિયા યાત્રાધામના પ્રવાસનું આયોજન કર્યું હતું. જેમાં સમાજનાં ૧૦ કુટુંબના કુલ મળીને ૨૫ જેટલા શ્રધ્ધાળુઓએ (બાળકો સહિત) અતિ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારના ૧૦:૩૦ થી ૧૧ વાગતા સુધીમાં ઉપર્યુક્ત સભ્યો પોતપોતાના વાહનો દ્વારા “સંત પાદરે પીઓનું રાષ્ટ્રીય કેન્દ્ર, ૧૧૧ બાર્ટો રોડ, બાર્ટો, પેનસીલ્વાનિયા ખાતે હાજર થઈ ગયા હતા. હવામાન ખૂબજ ખુશનુમા હતું. નહિ ગરમી કે નહિ વરસાદ! સંત પાદરે પીઓનું અમેરિકા ખાતેનું યાત્રાધામ, બાર્ટો, પેનસીલ્વાનિયામાં ન્યુ જર્સી-ન્યુયોર્કથી લગભગ ૧૦૦ માઈલ દૂર(દોઢ-બે કલાકના) અંતરે અતિ સુંદર સ્થળે આવેલું છે. દર વરસે સંતની પુણ્યતિથિના વીક એન્ડમાં સુંદર કાર્યક્રમો રાખવામાં આવે છે અને દૂર દૂરથી શ્રધ્ધાળુઓ પોતાના ખાનગી વાહન અથવા મોટી બસ ભરીને સંતના અવશેષોના દર્શન કરવા અને માનતા પૂરી કરવા આવે છે.

 

શરૂઆતમાં શ્રી. શાંતિલાલ પરમારે બધાને સંત વિશેની માહિતી આપી હતી, જેવી કે તેમનો જન્મ, કાપુચીન સંઘમાં જોડાવું અને સંઘર્ષ, બંને હાથમાંથી લોહીની ટશરો ફૂટવી, સંઘમાંથી હકાલપટ્ટી, ફરીથી સંઘમાં સ્વીકારની શરતો, ૧૯૬૮મા મરણ અને ૨૦૦૨મા વડા ધર્મગુરુ જોન પાઉલ બીજા દ્વારા સંત થવાની જાહેરાત વગેરે. શ્રી કેતન ક્રિશ્ચિયને, શ્રીમતી કાલાન્દ્રા વિષે માહિતી આપી કે જેમણે આ કેન્દ્રની સ્થાપનામાં કેવો ભાવ ભજવ્યો અને સંતે તેમની દીકરીને સાજાપણું બક્ષ્યું તેનો ચિતાર આપ્યો. ધીમે ધીમે આગળ વધતા સહુ નાના ચેપલમાં ભક્તિભાવપૂર્વક દાખલ થયા અને અહીં સંતના મોટા કદના પૂતળાના દર્શન કર્યા અને પોતાની અરજો રજૂ કરી અને ત્યારબાદ સંતના મોજાને ભક્તિભાવપૂર્વક સ્પર્શ કરી અંગત પ્રાર્થના કરી. ત્યારબાદ આધ્યાત્મિક કેન્દ્રમાં ચાલતા ઉદબોધનમાં સહુ જોડાયા. અહીં ફાધર ડેવિડ વિલતોનનું સંબોધન ચાલતું જ હતું. ફાધરે તેમના બોધમાં દુનિયાનો ઉદ્ધાર દીનતા, દીનતા અને માત્ર દીનતાથી જ થાય તેની ઉપર ખાસ ભાર મૂક્યો. ત્યારબાદ સહુ આર્ક એન્જલ સંત માઈકલના સરઘસમાં જોડાયા. લગભગ ૫૦૦-૬૦૦ જેટલા જાત્રળુઓએ આ સરઘસમાં ભાગ લીધો કે જેમાં કેન્દ્રની બે-એક માઈલની પરિમિતીમાં ફરવાનું હતું. અનીતા ક્રિશ્ચિયને કીધું: “વડોદરાની નિરાધારોની માતાના સરઘસમાં ફરવાની યાદ આવી ગઈ”. સરઘસમાં યાત્રાળુઓની વિવિધતા હતી. કેટલાક ઇટાલિયન અમેરિકન, આફ્રિકન અમેરિકન, વ્હાઈટ અમેરિકન, સ્પેનિશ અને ચીનના લોકો હાથમાં બેનરો લઈને ચાલતા હતા. અમે ગુ. કે. સમાજ ઓફ યુએસએના સભ્યોએ “એક કુટુંબ બનાવો સહુનું” ગીત સમૂહમાં ઉપાડ્યું અને સુંદર રીતે ગાયું. ત્યારબાદ ગુજરાતી/અંગ્રેજીમાં ગુલાબમાળાના દસકા બોલ્યા. સરઘસ પૂરું થતા બપોરનો એક વાગી ગયો. કકડીને ભૂખ લાગી હતી. જમવાની બેઠક વ્યવસ્થા કેન્દ્ર પર પિક્નિક ટેબલોથી સજ્જ મોટા ગઝીબો નીચે હતી. દરેક કુટુંબ ઘરેથી તૈયાર કરી લાવેલા વાનગીઓ: ભેળ, શાક-રોટલી, પૂરી-શાક, ઢેબરાં દહીં, મરચાંનું આચાર અને ફ્રાઈડ ચિકન, ફળફળાદિ વગેરે વિવિધ વાનગીઓને એકબીજા સાથે વહેંચીને સમૂહજમણની મજા માણી તૃપ્ત થયા.

ત્યારબાદ કેન્દ્ર પર આવેલા સંતનું ‘સ્મારકગૃહ’ ની મુલાકાત લેવા ગયા. જ્યાં સંતના જન્મથી મૃત્યુ સુધીની જીવનયાત્રાનો આખો ઇતિહાસ આપેલો છે. તેઓ કેવી રીતે રહેતા, જે વસ્તુઓ દૈનિક જીવનમાં અને ધાર્મિક જીવનમાં વાપરતા, કઈ કાર વાપરતા તે આ સંગ્રહસ્થાનમાં છે. ઊડીને આંખે વળગે તેવું સંતના હાથોમાંથી જે લોહીની ટશરો ફૂટતી અને તેને જે રૂમાલથી લૂછતાં તે લોહીના ડાઘા સાથે સાચવેલ છે. સંતે પહેરેલાં ઝભ્ભા અને અન્ય વસ્ત્રો તથા રોજબરોજ વપરાશમાં લેવાતી વસ્તુઓ છે. સંત ઘોષિત કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થતી કેવી ચમત્કારિક નિશાનીઓ થઈ તે દર્શાવતી ૧૭ મિનિટની ફિલ્મ સહુએ નિહાળી. છેલ્લે ગિફ્ટ શોપમાંથી યાદગીરીરૂપે રોઝરી, ફ્રીઝ મેગ્નેટ, છબીઓ, કી-ચેન, પૂતળા વગેરીની ખરીદી કરી બહાર નીકળ્યા.

 

કેન્દ્રની બહાર સંતના મોટા પુતળા આગળ ફોટો ફંક્શન કરી છેલ્લે એકબીજાનો આભાર માની છુટા પડતા શ્રી કેતન ક્રિશ્ચિયન બોલ્યા: “હવેથી આજ અમારું ખંભોળજ હશે! આપણે સહુ ખૂબજ નસીબદાર છીએ કે આપણને આવા દર્શન કરવાનો અવસર મળે છે!” સવારના ૧૧થી સાંજના ૪:૩૦ સુધી પવિત્ર યાત્રાધામની સંગતમાં શાંતિ અને શ્રધ્ધાનો અનુભવ થયો. સમાજના પ્રમુખશ્રી શાંતિલાલ પરમારના યાત્રા-પ્રવાસ આયોજનને સૌએ બિરદાવ્યું. દર વર્ષે સપ્ટેમ્બરના ‘ત્રીજા વીકએન્ડ’ સમાજના ઉપક્રમે આ યાત્રાધામનો પ્રવાસ યોજવાની સૌએ સંમતિ દર્શાવી. બધાંને હેમખેમ લાવેલા એ જ રીતે પાછાં હેમ-ખેમ ઘરે પહોંચાડે એવી પ્રભુ-પ્રાર્થના સાથે બધાંએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.
હે સંત પાદરે પીઓ, અમારા માટે વિનંતી કરો!

 

આ યાત્રા-પ્રવાસમાં નીચેના શ્રધ્ધાળુ સભ્યો જોડાયા હતા:
(૧) શ્રી જોસેફ પરમાર (૧)
(૨) શ્રી જગદીશ ક્રિશ્ચિયન (૧)
(૩) શ્રી શાંતિલાલ પરમાર (૩)
(૪) શ્રી રાજ મેકવાન (૪)
(૫) શ્રી અમિત મેકવાન (૪)
(૬) શ્રી કેતન ક્રિશ્ચિયન (૪)
(૭) શ્રીમતી મીના ક્રિશ્ચિયન (૩)
(૮) શ્રી જીગર રાઠોડ (૨)
(૯) શ્રી જેમ્સ જાખરિયા (૧)
(૧૦) શ્રીમતી કોકિલા પટેલિયા (૨)

 

હેવાલ સંકલન જગદીશ ક્રિશ્ચિયન –માહિતી સૌજન્ય: શ્રી. જોસેફ પરમાર અને શાંતિલાલ પરમાર,
ચિત્રો-કેમેરા: જગદીશ અને કેતન ક્રિશ્ચિયન તથા રજની અને અમિત મેકવાન. September 25, 2012
પાછાં ફરતી વખતે અમે એક ખેતર (ફાર્મ) માં આંટો મારવા ગયા હતા. અને ૧૯૨૦થી ચાલતી ડેરીના હોમમેડ આઈસ્ક્રીમની મઝા માંણ્યા વગર ના રહી ના શક્યા. જુઓ…………

 

Well known community leader Mr. Nityanand Thakore of Brooklyn, Passed away on September 18, 2012.

Well known community leader Mr. Nityanand Thakore of Brooklyn, Passed away on September 18, 2012. He was a life-long member of Bethelship Church. He is survived by his two sons Mr. Rajesh Thakore & Mr. Nilesh Thakore and family. The viewing was held on Thursday, September 20, 2012 at Betheship United Methodist Church between 6:00PM to 9:00PM, where lots of people paid their last respect to him. He was buried this morning (September 21, 2012) at Ocean View Cemetery, Staten Island after a prayer services at Bethelship Church. May God rest him in peace and give strength to his family and friends.

 

 

News provided by: Mr. Joyel Merchant, Staten Island.

શ્રી. મનોજ મેકવાનની સી ડી એસ સંસ્થાના બ્યુટી પાર્લર “લા બેલા”નું ઉદઘાટન ફાધર વિલિયમના હસ્તે.

 

આજે ગણેશ ચતુર્થી પર્વે સી ડી એસ (કમ્યુનીટી ડેવેલોમેનટ સોસાયટી )સંચાલિત “લા બેલા” નામે એક બ્યુટી પાર્લર શરૂ કરવામાં આવ્યો હતો. સી ડી એસ સંસ્થા અલ્પેશ સોસાયટી (પધારિયા) વિસ્તારમાં આવેલી છે. તેના પ્રણેતા મનોજ મેકવાન છે. મનોજભાઈ યુવાવયે આશાદીપ, વિદ્યાનગર સાથે ઘનિષ્ઠ  ઘનિષ્ઠ સંપર્ક ધરાવતા હતા આને ઘણી બધી યુવાપ્રવૃતિઓમાં ભાગ લેતા હતા જેને કારણે તેમનું વ્યક્તિ ઘડતર આબાદ રીતે થયેલું છે. બાળપણમાં તેમને ગરીબીનો ખાસ્સો એવો આનુભવ થયેલો જેને કારણે મોટા થયે ગરીબો વંચિતો ને જરૂરિયાતમંદો માટે કંઈક કરવાની તેમની તીવ્ર ઈછા અને મહત્વાકાંક્ષા જાગી હતી આજે તેઓ ઉપરોક્ત સંસ્થા ચલાવે છે. સંસ્થામાં નાત જાત ધર્મ કે લીન્ગભેદ રાખ્યા વિના તે ગરીબ-વંચિત વર્ગોની યુવતીઓ માટે વિવિધ પ્રકારની તાલીમોનું આયોજન કરી તેમના હાથોમાં રોજીરોટી કમાવાનું આવડતરૂપી સાધન આપે છે. કમ્પ્યુટર શિક્ષણ, ફોટોગ્રાફી, બ્યુટી પાર્લર, આંગણવાડી વગેરે પ્રકારની આવડત કેળવવા તેઓ વર્ગો ચલાવે છે જેમાં હિંદુ- મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ તાલીમ લેવા આવે છે ને તાલીમ બાદ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરીને સારી એવી કામણી કરી સ્વમાની બને છે. તેમની સાથેના વર્તાલાપામાં જાણવા મળ્યું કે તાલીમ લીધેલી યુવતીઓ ૧૦ આંગણવાડીઓ ચલાવે છે ને કેટલીક યુવતીઓએ પોતાના બ્યુટી પાર્લર શરૂ કર્યા છે. સી ડી એસની આગવી ખાસિયત એ છે કે વિવિધ કોમોની યુવતીઓ તાલીમ લેવા આવતી હોઈ તેમની વચ્ચે આત્મીયતા ને મૈત્રી જાગે છે ને કોમી સંવાદિતા પ્રગટે છે. એ રીતે મૂલવતા સી ડી એસ સંસ્થા સામાજિક સંવાદિતા પ્રગટાવવામાં એક ઘણું મહત્વનું પ્રદાન કરી રહી છે આ હેતુને લક્ષ્યમાં રાખીને સંસ્થા પ્રતિ વર્ષ નાતાલ-ધૂળેટી-ઈદ પર્વોની સામૂહિક ઉજવણીઓ કરે છે.

 

 

         ફાધર વીલીયમ સી ડી એસ સાથે નજદીકથી જોડાયેલા છે પ્રતિ વર્ષ રિશ્તા સંસ્થા તાલીમાર્થીનીઓ માટે પત્રકારત્વની શિબિર કરે છે ગઈ સાલ ૩૦ હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ માટે રિશ્તા સંસ્થા દ્વારા મૌંટ આબુ ખાતે ત્રણ દિવસીય સર્વ ધર્મ સમભાવ તથા પત્રકારત્વ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે ફાધર વિલિયમે ઉપસ્થિત રહીને રિબન કાપીને બ્યુટી પાર્લરનું ઉદઘાટન કર્યું હતું. ને ઈશ્વ્રરની આશિષો યાચી હતી. મનોજભાઈએ સામાજિક હિતને હૈયે ધરાવતા એવા સહુને માટે એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. મનોજભાઈને આપણા સહુના હાર્દિક અભિનંદન તથા તેમના આ નવા સાહસને લાખ લાખ શુભેચ્છાઓ!

– ફાધર વિલિયમ

 

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…