અંજલી (રણાસણ) સંસ્થાનો ૨૫મા વર્ષમાં પ્રવેશ

ANJALI

 

મોડાસા નજીક આવેલ એક નાનાશા ગામ રણાસણમાં ગામમાં જન્મેલા ડો. લલિત શાહ અને મુંબઈમાં જન્મેલ અને ઉછરેલ લેબ પેથોલોજીસ્ટ અનિતાબેને આશરે ત્રીસ વર્ષ પહેલા લગ્ન કરીને કોઈ એક પછાત વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને ઉપલબ્ધ કરવાનો સંકલ્પ કર્યો અને રણાસણ ગામમાં ૨૫ સાલ પહેલા એક નાનું દવાખાનું – ડીસ્પેન્સરી શરુ કરી. શરૂઆતમાં ગામના લોકોને એમના પર ઝાઝો વિશ્વાસ બેસતો નહોતો પરંતુ તેમની નિષ્ઠા અને ગરીબ દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતી અને કાળજી જોઇને ધીમે ધીમે તેમના દવાખાને દર્દીઓ સારવાર માટે આવવા લાગ્યા અને એમ તેમની લોકપ્રિયતા વધવા લાગી.

 

લલીતભાઈ  તથા અનીતાબેનનો આશય તો પૈસા કમાવાનો નહિ પણ ગ્રામ્ય વિસ્તારમાં શ્રેષ્ઠ કક્ષાની આરોગ્ય સેવા પૂરી પાડવાનો જ હતો જે ચોપાસના અને ખાસ કરીને તો તેમના રણાસણ ગામના લોકોએ સ્પષ્ટ જોઈ લીધું અને આ યુગલ પ્રતિનો તેમનો અભિગમ બદલાયો અને તેમના કામમાં સહકાર મળવા લાગ્યો.

 

પાંચેક વર્ષો પછી તેમને ગામની ભાગોળે આવેલી પડતર જમીન બહુ ઓછી કિંમતે મળી અને તેમાં એક નાનું મકાન બાંધી દવાખાનું શરૂ કર્યું. દર્દીઓ ઉભરાવા લાગ્યા ને જગાની ખોટ પડી એટલે દાનની અપીલ કરી આર્થિક મદદ મેળવીને મકાન મોટું બનાવ્યું અને તેમાં આઉટડોર દર્દીઓને પણ રાખવાની સુવિધા ઉભી કરી. પછી તો આંખના ઓપરેશન, સુવાવડ વગેરે પ્રકારની સેવાઓ આપવા માંડી.લલીતભાઈ તથા અનીતાબેનની સેવાભાવના જોઇને તેમના મિત્રોનો સહકાર મળવા લાગ્યો. વડોદરા ને અમદાવાદમાં રહેતા ને  પ્રેકટીશ કરતા કેટલાક ડોક્ટર સ્પેસીઆલીસ્ટોએ અહી સપ્તાહમાં એક વાર યા મહિને એક વાર આવીને મફત પોતાની સેવા આપવાની ઓફર કરી જેથી સાધનવિહોણા દર્દીઓને ઓછી ફી લઈને દવા આપી શકાય. આજે અહી સ્કીન સ્પેશીયાલીસ્ટ, ટીબી સ્પેશીયાલીસ્ટ તથા અન્ય સ્પેશીયાલીસ્તો વિનામૂલ્યે પોતાની દાકતરી  સેવાઓ આપવા આવે છે. ડો કલ્પેશ વડોદરામાં જાણીતા યુવાન સર્જન છે તે રવિવારે છેક વડોદરાથી પોતાની કાર લઈને અહી આવે છે અને આખો દિવસ રહીને દર્દીઓના ઓપરેશન મફત કરી આપે છે. આજે અંજલી દવાખાનામાં નિયમિતપણે આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે અને ચોપાસના ખાસ કરીને  તો ઊંડાણનાં આદિવાસી વિસ્તારોમાં નિયમિતપણે એમ્બુલન્સ દ્વારા પહોંચીને મોતિયાના ઓપરેશન કરાય છે.

 

રણાસણ અને તેના ચોપાસના ગામોમાં આજે પણ આઝાદીના સુફળ પહોંચ્યા નથી. ગરીબી ઘણી છે. અંધશ્રદ્ધા તથા વ્યસનોની બુરાઈઓ લોકોને પજવે છે. મહિલાઓમાં શિક્ષણનો મોટો અભાવ છે, ખર્ચાળ સામાજિક રિવાજો ને અસ્પૃશ્યતા પ્રવર્તે છે. અનિતાબેને આ સમસ્યાઓને હલ કરી લોકોને તેમાંથી મુક્તિ અપાવવાનો  પડકાર કર્યો છે ને એક સેવાભાવી મહત્વકાંક્ષી યુગલ કીર્તિ અને અલકાનો સાથ લઇ ઝુંબેશ ઉપાડી છે. ચોપાસના પાંચ તાલુકાનાં ૪૮ ગામોમાં મહિલાઓ સાથે તેઓએ ૧૨૧ જેટલા મહિલા મંડળો બનાવીને તેમને બચત કરતા શીખવાડી આર્થિક રીતે પગભર કરી છે ને એમ શાહુકારોના પંજામાંથી છોડાવ્યા છે. મહિલાઓએ અત્યાર લાગી કરેલી કુલ બચત રૂ ૫૪,૭૩,૧૬૯ થાય છે ને તેમને રૂ. ૧,૧૯,૩૮,૩૨૦નુ ધિરાણ કરાયું છે જેમાંથી રૂ. ૮૪,૭૧,૯૩૨ પરત થયું છે. મહિલાઓ વિવિધ જરૂરિયાતો  માટે ધિરાણ લેતી હોય છે અને કુટુંબ નિભાવે છે. મંડળો દ્વારા અભણ મહિલાઓને ભણી ગણીને શિક્ષિત થવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આજે ઘણી મહિલાઓ વાંચતા લખતા થઇ ગઈ છે.
ચાલુ સાલે અંજલી સંસ્થા તેના ૨૫મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. તા ૨૯ જાણ્યું. નાં રોજ રજત જયંતીમાં પ્રવેશનો ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો ને ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોપાસના ગામોમાંથી વડીલો, દાતાઓ, શુભેચ્છકો તથા સેવા આપતા ડોકટરોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ને મોટી સંખ્યામાં તેઓએ હાજર રહીને અંજલી સંસ્થા વિષે વધુ માહિતી મેળવી તેની કદર ને પ્રશંસા કરી હતી.

 

ફાધર વિલિયમ અંજલીના આરંભથી ડો લલિત તથા અનીતા બેન સાથે જોડાયેલા છે ને ઘણી વાર અહી મુલાકાત પણ લે છે. અંજલી તેમને પોતાના પરિવારના ગણે છે. આજની ગોષ્ઠીમાં તેઓ પ્રમુખ સ્થાને હતા અને તેમના ઉદબોધનમાં તેમને અંજલી દ્વારા ઉપલબ્ધ કરાતી સેવાઓના ભરપટે વખાણ કરીને બિરદાવી હતી અને સાથે સાથે દાતાઓના ઔદાર્ય બદલ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં તે અવિરતપણે ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

 

(પ્રેષક: ફાધર વિલિયમ)

One thought on “અંજલી (રણાસણ) સંસ્થાનો ૨૫મા વર્ષમાં પ્રવેશ”

  1. I worked here with a group of doctors on Gynaec surgery.I am lucky this year too to give my service at Meghraj and Ranasan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.