“નયા માર્ગ” માટેનો વિશેષ અહેવાલ – જોસેફ મેકવાન અમૃત સ્મૃતિપર્વ સમારોહ – ઑક્ટોબર ૨૩, ૨૦૧૦ શ્રી. નટુભાઇ પરમાર

‘નયા માર્ગ’ માટે વિશેષ અહેવાલ 

  • ‘ગુજરાતના સારા પાંચ પુસ્‍તકોમાં એક જોસેફ મેકવાનનું હોય જ’   -સાહિત્‍યકાર રધુવીર ચૌધરી
  • ‘નયા માર્ગ’ જોસેફ મેકવાનનું ઓશીંગણ છે.       -ઇન્‍દુકુમાર જાની-તંત્રી ‘નયા માર્ગ’
  • ‘દિવાળી સામે આવે છે ને મારું હ્યદય ધડકે છે’   -સાહિત્‍યકાર મણિલાલ હ.પટેલ
  • ‘ગુજરાતી સાહિત્‍યના નવરત્‍નોમાંના એક એટલે જોસેફ મેકવાન’    -સાહિત્‍યકાર ડો. કેશુભાઇ દેસાઇ
  • ‘જોસેફ મેકવાનના સર્જનમાં અત્‍તરની નહિ પણ માટીની મહેક હતી’   -મોહનભાઇ પટેલ, પૂર્વ શેરીફ-મુંબઇ
  • ‘જોસેફ મેકવાન એટલે જંગમ વિદ્યાપીઠ’    -સુદર્શન આયંગર, કુલનાયક-ગુજરાત વિદ્યાપીઠ
  • ‘પ્રતાપી પિતાનો અંતરંગ હિસ્‍સો હોવું તે જ વિધિનો મોટો આશીર્વાદ’    -ચંદ્રવદન જોસેફ મેકવાન

કર્મઠ કર્મશીલ-લાડકવાયા સર્જક સ્‍વ. જોસેફ મેકવાનનો અમૃત સ્‍મૃતિપર્વ સમારોહ અમદાવાદમાં સંપન્‍ન

ધર્મપત્‍ની રેગીનાબેન મેકવાન, જયેષ્‍ઠપુત્ર ચંદ્રવદન મેકવાન સહિતના પરિવારજનો અગ્રીમ સાહિત્‍યકારો-કર્મશીલો-સાહિત્‍યરસિકોની ઉપસ્‍થિતિ.

અહેવાલઃ નટુભાઇ પરમાર

ગુજરાતી સાહિત્‍યની અભૂતપૂર્વ ઘટના, દલિત સાહિત્‍યનું વટવૃક્ષ, વાસ્‍તવવાદી પત્રકાર, હજ્જારો નવોદિત લેખકોની શીતળ છત્રછાયા,માનવતાવાદના પુરસ્‍કર્તા, દલિત સાહિત્‍યની જંગમ વિદ્યાપીઠ, સાચ્‍ચેસાચા કર્મશીલ, દલિત સાહિત્‍યના દાદા જેવા અનેક વિશેષણોના ધની, ભારતીય સાહિત્‍ય અકાદમી એવોર્ડથી પુરસ્‍કૃત ગુજરાતના ગૌરવવંતા દલિત સાહિત્‍યકાર શ્રી જોસેફ મેકવાનની વસમી વિદાય પછી તેમના ચાહકો દ્વારા ગઠિત ‘જોસેફ મેકવાન અમૃત સ્‍મૃતિપર્વ સન્‍માન સમિતિ’ ના ઉપક્રમે દાદા જોસેફ મેકવાન અમૃત સ્‍મૃતિપર્વ સન્‍માન સમારોહ તારીખ ર૩ મી ઓકટોબર ૨૦૧૦ની એક સાંજે અમદાવાદ ખાતે સંપન્‍ન થયો.

ગુજરાતી સાહિત્‍ય પરિષદ સભાખંડ ખાતે સાહિત્‍યશ્રેષ્‍ઠી અને મુંબઇના પૂર્વ શેરિફ મોહનભાઇ પટેલની અધ્‍યક્ષતામાં, ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. સુદર્શન આયંગર, પ્રસિધ્‍ધ સાહિત્‍યકાર શ્રી રઘુવીર ચૌધરી, ‘નિરીક્ષક’ તંત્રીશ્રી પ્રકાશ ન.શાહ, ‘નયામાર્ગ’ તંત્રીશ્રી ઇન્‍દુકુમાર જાની અને જોસેફ મેકવાન અમૃત સ્‍મૃતિપર્વ સન્‍માન સમિતિના ઉપાધ્‍યક્ષ-સુપ્રસિધ્‍ધ સાહિત્‍યકાર ડો. કેશુભાઇ દેસાઇ, દાદાના માનસપૂત્ર સમા શ્રી હરેશ મકવાણા, દાદાચાહક શ્રી કિશોર મારવાડી, દાદાના ધર્મપત્‍ની માન. રેગીનાબહેન, જ્યેષ્‍ઠ પૂત્ર શ્રી ચંદ્રવદન મેકવાન, જોસેફદાદાના સૌ પરિવારજનોની અને ગુજરાતના અગ્રીમ લલિત-દલિત સાહિત્‍યકારો-સાહિત્‍યરસિકોની ઉપસ્‍થિતિમાં યોજાયેલો આ સમારોહ એટલી હદે જોસેફમય બન્‍યો હતો કે, સદેહે હવે નહિ એવા જોસેફ મેકવાન જાણે ત્‍યાં હાજરાહજૂર હોય એવું વાતાવરણ સર્જાયું હતું. ખાસ કરીને દાદા જોસેફને નાચતાં, વાંચતા, લખતાં, પૌત્રો-પૌત્રીઓને વહાલ કરતાં, ભજનો ગાતાં સાંભળીને તો આ સમારોહમાં એમના નિર્મળ, નિર્ડંખ અને મુકત હાસ્‍ય થકી જાણે પોતે જ આખ્‍ખેઆખ્‍ખા ઝળૂંબી ન રહયા હોય, એમ પ્રતીત થતું હતું.

દાદા જોસેફ મેકવાન અચાનક આપણી વચ્‍ચેથી ચાલ્‍યા ગયા, નહિતર આવો આ કાર્યક્રમ- તેમના અમૃત મહોત્‍સવનો કાર્યક્રમ તેમના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ધામધૂમથી ઉજવવાનો આ અમૃત સ્‍મૃતિપર્વ સમિતિનો ઇરાદો હતો. પણ સૌ જાણે ઉંઘતા ઝડપાયા. આ આખાય સમારોહમાં આમંત્રિત મહેમાનો, આયોજકો અને ઉપસ્‍થિત પ્રેક્ષકો સૌને એનો રંજ મહેસૂસ થતો હતો. લગભગ દરેક વકતાના વકતવ્‍યમાં એ રંજ વ્‍યકત પણ થયો.

સમારોહ પ્રારંભે કાર્યક્રમની ભૂમિકા બાંધતા આવકાર પ્રવચનમાં ડો. કેશુભાઇ દેસાઇએ ઈશ્વર પાસેથી શબ્‍દનું વરદાન લઇને જન્‍મેલા, સાહિત્‍યની નવી ભોં ભાગનાર અને ગુજરાતી સાહિત્‍યના નવરત્‍નો પૈકીના એક એવા દાદા જોસેફ મેકવાન સાથેના પોતાના સંસ્‍મરણો વાગોળીને એમને હરતીફરતી યુનિવર્સિટી ગણાવ્‍યા હતા.

છપ્પનની છાતીવાળા-લોકધર્મી સાહિત્‍યકાર દાદા જોસેફ મેકવાનને છેક ૧૯૮૨માં અમદાવાદના પ્રાર્થના સમાજમાં મળેલ સભામાં રજી એકટોબરે પોતે સાંભળ્યા અને કલમ હાથમાં લેવા વિનવ્‍યા તે પછી ગુજરાતી દલિત સાહિત્‍યને એનો ધ્રુવતારક-મહર્ષિ મેકવાન મળ્યો, એવો ઉલ્‍લેખ કરીને ડો. કેશુભાઇએ દાદા જોસેફ મેકવાનને પહેલા કર્મશીલ અને પછી સાહિત્‍યકાર એવા ‘વંચિતોના વકીલ’નું ઉપનામ આપ્યું હતું. દાદા જોસેફ મેકવાનની કલમને જન-જન સુધી પહોંચાડવામાં ‘નયામાર્ગ’ તંત્રીશ્રી ઇન્‍દુકુમાર જાનીના પ્રશસ્‍ય પ્રદાનના પણ ડો. કેશુભાઇએ ઓવારણાં લીધાં હતાં.

‘જિંદગી જીવ્‍યાનો હરખ’ જેવા ૪પ૦ પાનાંના દળદાર અને દાદા જોસેફની અનન્‍ય સાહિત્‍યસેવાનો-સમાજસેવાનો પરિચય કરાવતા ગ્રંથનું સંપાદન કરનારા, સુપ્રસિધ્‍ધ સાહિત્‍યકાર શ્રી મણિલાલ હ. પટેલે ‘ એવી કોઇ દિવાળી ન હતી જ્યારે હું જોસેફભાઇના ઘરે સપરિવાર ન ગયો હોઉં અને એવી કોઇ નાતાલ નહોતી કે જોસેફભાઇ મારા ઘરે સપરિવાર ન આવ્‍યા હોય. હવે દિવાળી સામે આવી રહી છે ત્‍યારે મારું હૃદય ધડકે છે અને તે વિષાદથી ઘેરાઇ ગયું છે ’ એમ તૂટતાં સ્‍વરે પોતાના પ્રવચનની શરૂઆત કરી, જોસેફ મેકવાને મારી પાસે પોતાના જીવનકર્મ વિશે લખવાનું વેણ માંગ્‍યું હતું તે આ પુસ્‍તક ‘ જિંદગી જીવ્‍યાનો હરખ ’થી પુરું થાય છે, તેનો સંતોષ વ્‍યકત કરવા સાથે, આ પ્રસંગે જોસેફ મેકવાનની ઉપસ્‍થિતિ નથી તેનું ઊંડું દુઃખ પણ વ્‍યકત કર્યું હતું.

 ‘ જિંદગી જીવ્‍યાનો હરખ ’ એક પડકારજનક કામ પૂર્ણ કરવામાં સહયોગી સૌ પ્રતિ આભાર વ્‍યકત કરી શ્રી મણીલાલ પટેલે વંચિતો-પીડિતો-દલિતો તરફથી અડધી રાતે મળતી ફરિયાદોમાં રાત-મધરાત જોયા વિના-ઉજાગરા વેઠીને જોસેફ મેકવાન એમની મદદે પહોંચી જતાં, તેની અનેક વણકહી વાતોનો ઉલ્‍લેખ કર્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. સુદર્શન આયંગરે, એક સમયે હિન્‍દી વિષયના શિક્ષક એવા દાદા જોસેફની સ્‍મૃતિવંદનામાં હિન્‍દીમાં બોલવાનું પસંદ કર્યું હતું. તેમણે પણ જોસેફ મેકવાનને જંગમ વિદ્યાપીઠ તરીકે ઓળખાવીને, જોસેફ મેકવાનનું સાહિત્‍ય વાંચીને હરકોઇ સંવેદનશીલતા કેળવી શકે છે તેવો મત વ્‍યકત કર્યો હતો.

પ્રખર કર્મશીલ અને પ્રસિધ્‍ધ સામયિક ‘નયામાર્ગ’ના તંત્રીશ્રી ઇન્‍દુકુમાર જાનીએ ‘નયામાર્ગ’ ને જોસેફ મેકવાન લેખક રૂપે મળ્યા, એ માટે ખુદ ‘નયા માર્ગ’ જોસેફ મેકવાનનું ઓશીંગણ છે, એવો મનોભાવ વ્‍યકત કરી, સાયાસ નહીં તોય સંઘેડાઉતાર લખી શકતા જોસેફ મેકવાન પોતે સાચ્‍ચા કર્મશીલ હતા એટલે જ એમનું સાહિત્‍ય પણ હંમેશા જીવનલક્ષી રહ્યું, એવો દૃઢ મત રજૂ કર્યો હતો. ઇન્‍દુભાઇએ જોસેફ મેકવાનના રેખાચિત્રોએ પોતાને બહુ રડાવ્‍યા હોવાનો એકરાર પણ કર્યો હતો. 

વરિષ્‍ઠ પત્રકાર-સાહિત્‍યકાર અને ‘નિરીક્ષક’ તંત્રીશ્રી પ્રકાશ ન. શાહે ૧૯૮૦/૮૧ અને ૧૯૮૫/૮૬ ( નવનિર્માણ અને અનામત આંદોલનકાળનો ગાળો) ગુજરાત માટે વિશેષ-વરવા-સારગર્ભ-સમાજમંથનનો ગાળો બની રહ્યો હોવાનો મત વ્‍યકત કરી, એ સમયગાળામાં યુવાનોએ અને લોકમતે જે વરવો ઉત્‍પાત મચાવેલો, એના મંથનમાંથી વિષ અને અમૃત બેય નિકળેલાં. તેમાંથી જ ‘સાત પગલાં આકાશમાં’(કુન્‍દનિકા કાપડીયા) નારીશકિતના સ્‍વતંત્ર અવાજરૂપે (૧૯૮૨-૮૩) અને ‘વ્‍યથાના વિતક’ તેમજ ‘આંગળિયાત’(જોસેફ મેકવાન) દલિતો-પીડીતો-શોષિતોના અવાજ રૂપે (૧૯૮૫-૮૬)માં એક ઉપલબ્‍ધિ પેઠે આપણને મળ્યા છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

૧૮૮૬માં સર્જકશ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા ‘સરસ્‍વતીચંદ્ર’ના પ્રથમ ભાગનો આવિષ્‍કાર થયો તે પછી ૧૦૦ વર્ષે ૧૯૮૬માં ‘આંગળીયાત’ લઇ આવનારા જોસેફ મેકવાને ગોવર્ધનરામને સૌથી મોટી અંજલિ અર્પી છે, તેમ જણાવી શ્રી પ્રકાશ શાહે ઉમેર્યું હતું કે સાહિત્‍ય સર્જનમાં જે સૃષ્‍ટિ ખૂટતી હતી તે હકીકતમાં જોસેફ મેકવાન લઇ આવ્‍યા છે. 

પ્રકાશ શાહે એક તબકકે એમ પણ કહ્યું કે સાહિત્‍યકાર ર.વ.દેસાઇ પાસે સર્વશ્રી પન્‍નાલાલ પટેલ, ઇશ્‍વર પેટલીકર કે રધુવીર ચૌધરી જેવો તળ ગ્રામ અને સમાજ જીવનનો અનુભવ નહોતો. આ સ્‍થિતિમાં જોસેફ મેકવાન જેવા એ હરોળના સર્જક પાસેથી ખરેખર તો એક ગાથાનવલ મળવાની આવશ્‍યકતા હતી. જો એમ થયું હોત તો એ શબ્‍દબંબોળ ગાથામાંથી આપણને પાછલાં ૧૦૦ વર્ષોનું ચિત્ર મળી રહેત. 

‘આજનો પ્રસંગ હરખ અને કૃતઘ્નતા પ્રકટ કરવાનો છે. એક ગુજરાતી તરીકે હું ઘણાંને નહોતો ઓળખતો તે સઘળાંને એમના સર્જન દ્વારા જોસેફ મેકવાને મને ઓળખાવી આપ્‍યા છે. જોસેફ અમે તમારી સાથે છીએ’ એવા કોલ સાથે પ્રકાશભાઇએ એમના વકતવ્‍યનું સમાપન કર્યું હતું.

‘અમારી વચ્‍ચે મનમેળ વધુ હતો અને જોસેફભાઇ લાંબી નવલકથા લખશે એવો અમારી વચ્‍ચે કરાર થયેલો. ગુજરાતી સમાજને એનું દુઃખ છે કે એ નવલકથા હવે કોઇ લખશે નહિ’ એનો વસવસો વ્‍યકત કરી મૂર્ધન્‍ય સાહિત્‍યકાર શ્રી રધુવીર ચૌધરી-કે જેઓ ૭૦૦ કિ.મી.નો લાંબો પંથ કાપી, આ સમારોહમાં પહોચ્‍યા હતા-એમણે જોસેફ મેકવાનમાં  ભવાન ભગતે ઘૂંટેલા સંયમના સંસ્‍કાર હતા, તેવો મત વ્‍યકત કર્યો હતો. 

સમર્થ સાહિત્‍યકાર ઇશ્‍વર પેટલીકરની ભાષા, અનુભવ કે નિરીક્ષણ જયાં અટકયા હતા. તેનાથી એક ડગલું આગળ-કેવલ પોતાની ભાષાના બળથી-જોસેફ મેકવાન પહોંચ્‍યા હતા, તેમ જણાવી શ્રી રધુવીર ચૌધરીએ જોસેફ એમના સર્જનથી દેશ અને દેશ બહાર પહોંચ્‍યા એના વધામણાં પણ લીધાં હતાં. 

ગુજરાતના સારા પાંચ  પુસ્‍તકો તારવીએ તો એમાં એક જોસેફ મેકવાનનું પુસ્‍તક તો હોય જ અને આ ‘વાંચે ગુજરાત’ અભિયાનમાં જોસેફ મેકવાનને પણ સૌએ વાંચવા જ રહ્યા, એમ જણાવી શ્રી રધુવીર ચૌધરીએ જોસેફ મેકવાનની વાર્તા કે રેખાચિત્રો જ નહિ એમની ચરોતરી ભાષા પર પણ પી.એચ.ડી. કરવા નવયુવાન અનુસ્‍નાતકોને અનુરોધ કર્યો હતો. 

મુંબઇના પૂર્વ શેરીફ, જાણીતા ઉદ્યોગપતિ, સાહિત્‍યકાર અને જોસેફ મેકવાનના જિલ્‍લા ખેડા(હવે આણંદ)ના ઉત્‍તરસંડાના મૂળ વતની અને આ સમારોહના અધ્‍યક્ષ ડો. મોહનભાઇ પટેલે જોસેફભાઇની ઉપસ્‍થિતિમાં જ એમનું અમૃતપર્વ ઉજવવાનો મનસૂબો મનમાંને મનમાં રહી ગયો ને જોસેફભાઇ મહેફિલ છોડીને અચાનક આમ ચાલ્‍યા ગયા તેનો સંતાપ વ્‍યકત કરી, મુંબઇની ‘કલાગુર્જરી’ અને એવી અનેક સંસ્‍થાઓના ઉપક્રમે અવાર-નવાર જોસેફભાઇનું સાંન્‍નિધ્‍ય માણવાનો પોતાને જે અવસર મળતો હતો, તે હવે નહિં મળે એનો વસવસો વ્‍યકત કર્યો હતો. 

શ્રી મોહનભાઇએ જોસેફભાઇના સર્જનમાંથી સેન્‍ટ(અત્‍તર)ની ખુશ્‍બૂ નહિ પણ માટીની સુંગંધ મહેકતી હતી અને ચરોતરી બોલીના એમના સર્જનમાં આબેહૂબ દર્શન થતાં હતાં, એમ જણાવી ઉમેર્યુ હતું કે, અનેક મુદ્દામાં મારે એમની સાથે ચર્ચા થતી, પણ અમારી વચ્‍ચે મનભેદ કયારેય ન હતો. 

સમારોહના અંતે સૌનો ઋણસ્‍વીકાર કરતાં પ્રતિભાવમાં, જોસેફ દાદાના સૌ પરિવારજનો વતી એમના જયેષ્‍ઠ પૂત્ર શ્રી ચંદ્રવદન મેકવાને શ્રી જોસેફ મેકવાન જેવા પ્રતાપી સર્જકના અંશ એવા પરિવારજનો બનવાનું સદભાગ્‍ય તેમને સાંપડયું તે બદલ પરમપિતા ઇશ્‍વર પ્રતિ આભારની લાગણી વ્‍યકત કરી હતી. 

શ્રેષ્‍ઠ શકિતઓનું ઇશ્‍વરદત્‍ત વરદાન પામેલા સર્જક જોસેફ મેકવાનનો અંતરંગ હિસ્‍સો બની રહેવાનું ગૌરવ એમના પરિવારજનો તરીકે પ્રાપ્‍ત થયું એ જ વિધિનો મોટો આશીર્વાદ, એનો નમ્રભાવે-આર્જવ સ્‍વરે એકરાર કરતાં શ્રી ચંદ્રવદન મેકવાને કહ્યું : ‘મારા પિતા જોસેફ મેકવાનની વિદાય પછી ચો તરફથી અંજલિઓનો ધોધ વરસ્‍યો એ સૌમાં અદના માણસો એવા પીડિતો-શોષિતો-વંચિતોએ પણ પોતાના સ્‍વજન ગુમાવ્‍યાની અંજલિઓ જે પોસ્‍ટકાર્ડમાં ઠાલવી, તે વાંચીને ખરેખર જ સમજાયું કે મારા પિતાને જીંદગી જિવ્‍યાનો હરખ શા કારણે હતો?’ તેમણે એમ પણ કહ્યું કે છેવાડાના માણસોનો જે સ્‍નેહ-પ્રેમ મારા પિતાજીને મળ્યા છે, તે જ્ઞાનપીઠ કે રણજીતરાય ચંદ્રકથી પણ મોટા પુરસ્‍કારો છે અને એથી જ મારા પિતા જોસેફ મેકવાનને જીંદગી જિવ્‍યાનો હરખ હતો. 

આ પ્રસંગે મુંબઇના પૂર્વ શેરીફ અને સાહિત્‍યશ્રેષ્‍ઠી ડો. મોહનભાઇ પટેલે સ્‍વ. જોસેફભાઇના ધર્મપત્‍ની રેગીનાબેનને અમૃતપર્વ સમિતિ વતી સ્‍મૃતિચિન્‍હ અને સન્‍માનપત્ર એનાયત કર્યા હતા.

 

સમારોહના પ્રારંભે દાદા જોસેફ મેકવાને મોરારિબાપુની ઉપસ્‍થિતિમાં મહુવામાં મળેલા ‘અસ્‍મિતાપર્વ’ના અવસરે સ્‍વકંઠે ગાયેલ ભજનના સૂર પુનઃ વહેતા થયા ત્‍યારે વાતાવરણ આખું જ જોસેફમય બની ગયું હતું. એ પછી દાદાના જીવન અને કવનને આવરી લેતી દ્રશ્‍ય-શ્રાવ્‍ય પ્રસ્‍તુતિ ‘વંચિતોના વાણેતર’ ગુર્જરવાણી-અમદાવાદ દ્વારા રજૂ થઇ ત્‍યારે તો અનેકની આંખો સજળ બની હતી.

આ પ્રસંગે અમૃત સ્‍મૃતિપર્વ સમિતિના કન્‍વીનરશ્રી કિશોર મારવાડીએ પણ જોસેફ મેકવાનના જીવનકર્મ વિશે વાત કરી હતી. જયારે આ સમિતિના હોદ્દેદારો સર્વશ્રી જયંતી એમ. દલાલ (મુંબઇ), ધર્મેશ ભટ્ટ (મુંબઇ), લીલધર ગડા (કચ્‍છ), નગીનદાસ શાહ (મુંબઇ)એ પણ સમારોહને શુભેચ્‍છા વાંચ્‍છી હતી.

 

દાદા જોસેફની જીવનગાથાને-તેમના સાહિત્‍યકર્મને વર્ણવતા મણીલાલ હ.પટેલ સંપાદિત સ્‍મૃતિગ્રંથ ‘જિંદગી જીવ્‍યાનો હરખ’નું પણ સૌ ઉપસ્‍થિત અતિથિઓએ લોકાર્પણ કર્યુ હતું.

 

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સાહિત્‍યકાર-પત્રકાર ડો. સુનિલ જાદવ(કાલાવડ-શીતલા)એ કર્યુ હતું. સંચાલનમાં દાદા જોસેફ મેકવાનના સર્જક અને કર્મશીલ તરીકેના વિધવિધ પાસાંઓની ડો. જાદવે અભ્‍યાસપૂર્ણ રજૂઆત કરી હતી. 

દાદા જોસેફ મેકવાનના પરિવારજનોને અર્પણ થયેલા અભિવાદન પત્રનું વાંચન નટુભાઇ પરમારે જયારે આભારવિધિ દાદાના માનસપૂત્ર સમા હરેશ મકવાણા(પાટણ)એ કર્યુ હતું.

 

આ સમારોહમાં જોસેફ મેકવાનના પરિવારના સર્વશ્રી જયેશભાઇ, અમિતાભ, દીકરીઓ વંદના-અર્ચના-હીરલ-પુત્રવધુ પારૂલ-જયા-અન્‍નપૂર્ણા પૌત્રો સૌ ઉપસ્‍થિત હતા. આ ઉપરાંત સર્વશ્રી યશવન્‍ત મહેતા, કિશોરસિંહ સોલંકી, ઉષા ઉપાધ્‍યાય, રમેશ તન્‍ના, હરિશ મંગલમ, દલપત ચૌહાણ, ચંદુ મહેરિયા, માર્ટિન મેકવાન, ચંદ્રાબેન શ્રીમાળી, પી.કે.વાલેરા, ડેનિયલ મેકવાન, રમણ મેકવાન, શંકર પેન્‍ટર, ડો. રાજેશ મકવાણા, અરવિન્‍દ વેગડા, નૈષધ મકવાણા, એ.એ.દેસાઇ, મુંબઇથી ધર્મેશ ભટ્ટ, ધિરજ વણકર, ડિવાઇન પબ્‍લીકેશનના શ્રી અમૃત ચૌધરી સહિતના સાહિત્‍યભાવિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત હતા.

સ્‍વ.જોસેફ મેકવાન અમૃત સ્‍મૃતિપર્વ સન્‍માન સમિતિના કન્‍વીનરશ્રી કિશોર મારવાડી(મુંબઇ)એ આ કાર્યક્રમમાં જાહેરાત કર્યા મુજબ હવેથી દર બે વર્ષે દાદા જોસેફ મેકવાનની યાદમાં તેમના જ નામથી એક એવોર્ડ શ્રેષ્‍ઠ સાહિત્‍યકાર અને કર્મશીલને એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત સાહિત્‍ય પરિષદના પ્રાંગણમાં જોસેફ મેકવાનને પ્રાપ્‍ત થયેલા પુરસ્‍કારો-સન્‍માનપત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું.

 

Filed under: કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.