Tag Archives: Gozaria

બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો – ગોઝારીઆ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ફાધર વિલિયમનું સંબોધન ઓગષ્ટ ૨૫, ૨૦૧૨

બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો

ગોઝારીઆ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ફાધર વિલિયમનું સંબોધન

 

 

‘વિશ્વગામ’ યુવાપ્રવૃત્તિનાં પ્રણેતા સંજય-તુલા દંપતિની પ્રેરણાથી તેમના સાથીઓ દ્વારા ગાંધીનગરથી વિસનગર રોડ પર આવેલ ગોઝારીઆ કોલેજની સોએક જેટલી કોલેજિયનો તથા ગામની હાયર સેકન્ડરી સ્કૂલના પચાસ વિદ્યાર્થીઓ માટે બે દિવસની યુવાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે શિબિરમાં સર્વધર્મ સમભાવ વિષયે ચર્ચા-સંવાદ રાખાવામાં આવેલો જેમાં હિંદુ-ઈસ્લામ-ખ્રિસ્તી ધર્મ વિશે પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ વિશ્વગામ યુવાપ્રવૃત્તિઓના સબળ ટેકેદાર તથા નજદીકના સાથી તથા ગુજરાતમાં સઘળે સામાજિક સંવાદિતા પ્રસરે ને પ્રગટે એ હેતુસર શરૂ કરેલ ઝુંબેશ સદભાવના ફોરમની ટીમના સભ્ય છે. સંજયભાઈ તથા શિબિરના આયોજકોએ તેમને બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો વિષયે શિબિરાર્થીઓને સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું . સંબોધન બાદ શિબિરાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા ખિસ્તી ધર્મ તથા ખ્રિસ્તીઓ વિષે સાચી માહિતી મેળવીને એમના ક્ષતિયુક્ત ખ્યાલો ને માન્યતાઓ દૂર કરી હતી. ઈસુના ઉપદેશમાં અને એટલે ખિસ્તી ધર્મમાં માનવબંધુ-પ્રેમ એ તેની બુનિયાદ છે અને ઈશ્વરના ઘરે જવા કે પહોંચવાનો રસ્તો ડારેક્ટ એક્ષપ્રેસ વે નથી પરંતુ એ વાયા વાયા મારા પડોશીના ઘરે થઈને જતા લોકલ રોડ છે તે સત્ય ફાધર વિલિયમે વારંવાર પુનરૂચ્ચારણ કરીને શ્રોતાઓના મનમાં ઠસાવ્યું હતું. વળી ‘તમે મારા શિષ્યો (અનુયાયી) છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ કરતા હશો’ ભગવાન ઈસુના શબ્દો ટાંકીને ખિસ્તીઓની એક માત્ર સાચી ઓળખ વિષે સમજણ આપી હતી.
ઉપસ્થિત કોલેજના આચાર્ય, પ્રધ્યાપકો તથા અન્ય ગ્રામજનોએ આજના પ્રવચનને ઘણું ઉપયોગી ને હિતકારક ગણાવ્યું હતું અને એ વિસ્તારની અન્ય શાળાઓમાં ભણતા વિધાર્થીઓ તથા યુવાજૂથોને માટે આ પ્રવચન આપવા આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આજના પ્રસંગની યાદમાં ફાધર વિલિયમને કેટલાંક સારાં પુસ્તકોની ભેટ આપી આભાર વ્યક્ત કર્યો હતો.