Tag Archives: શ્રી. મોરારી બાપુ

સદભાવના ફોરમ : છ મુદ્દાનો કાર્યક્રમ

સદભાવના ફોરમ સાથે નજદીકથી સંકળાયેલ પચાસ યુવાનો તાજેતરમાં આસામમાં રાહતકામ કરવા ગયેલા તેઓ એક માસ બાદ પરત થયા છે. તેમની મુખ્ય કાર્યર્વાહી તો રાહત છાવણીઓમાં આશ્રય લઇ રહેલા હજારો લોકોને રાહત આપવી એ હતી પરંતુ સાથે સાથે સતત ઝગડતાં બે જૂથો:મૂળ નિવાસી બોડો અને બહારથી આવીને વસેલા મુસ્લિમો વચ્ચે સુલેહ શાંતિ કરાવવી એ હતી. યુવા ગ્રુપે આ કાર્યવાહી નિષ્ઠા ને કુનેહપૂર્વક કરી બતાવી છે અને આશ્રિતો વચ્ચે લોકપ્રિય બની ગયા હતા. હવે તેમને છ મુદ્દાઓનો કાર્યક્રમ નક્કી કર્યો છે: ૧. બોડો બોલીમાં પુ. ગાંધીજીની આત્મકથા-સત્યના પ્રયોગો-નો અનુવાદ કરવો, ૫૦૦ નકલો છાપવી ને તેનો પ્રચાર કરી તેના વાચનને પ્રોત્સાહન આપવું. ૨. પ્રાથમિક શાળાઓ કે જે લગભગ પડી ભાગી છે તેને બેઠી કરાવી ને એ માટે કા.પા., વર્ગ ખંડોની મરામત, બંને જૂથોના વિદ્યાર્થીઓને શૈ.સાધનો વગેરે પ્રકારની મદદ આપવી.૩. બોડો તથા મુસ્લિમ શ્રમજીવી મહિલાઓને માટે રોજી રોટીના સાધનો માટે કેન્દ્રો શરુ કરવાં, ૪. જમાતે ઇસ્લામી હિન્દ સાથે સહયોગ કરીને બંને જૂથો માટે ૫૦ જેટલાં ઘર બાંધવાં ૫. બંને જૂથોનાં ૨૫ યુવક યુવતીઓનું જૂથ ગુજરાતમાં આવીને હિંદુ તથા મુસ્લિમ કુટુંબો સાથે રહે તથા બંને કોમોના યુવાવર્ગ સાથે સંવાદ કરે ને એમ સહજીવનનો અનુભવ કરી આસામ પાછા જાય એ હેતુથી ‘એક્ષ્ચેન્જ’ પ્રોગ્રામ બનાવવો અને ૬ બે ગુજરાતી યુવકોએ આસામના આ અસરગ્રસ્ત વિસ્તારમાં એક વર્ષ રહીને ઝગડતાં ને હેરાન થતાં ને પીડાતાં બોડો તથા મુસ્લિમ ગ્રુપો વચ્ચે સુલેહ થાય એ માટે ઉપાડેલું અભિયાન આગળ વધારવું.
            

 

સ્વાભાવિક છે કે આ સમગ્ર આયોજન પૂરું કરવાં તથા તેને અમલમાં મુકવા નાણાંની જરૂર પડશે જે માટે જે શુભ ભાવના વાળા જે કોઈ શાંતિ સુલેહ ને ભાઇચારાના વાહકો થવા ઈચ્છતા હોય તેમના ઔદાર્ય પર મદાર બાંધ્યો છે. ને ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી આ શુભ કાર્યને પુરૂ   કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે.
(ફાધર વિલિયમ)

સદભાવના ફોરમ -સદભાવના પર્વ – હાર્મની એવોર્ડ.

સદભાવના ફોરમ સમિતિના સભ્યોએ તા ૨૧ ડીસેમ્બરના રોજ મહુવા ખાતે શ્રી મોરારીબાપુની મુલાકાત લીધી અને આગામી વાર્ષિક ‘સદભાવના પર્વ’ની તારીખો નક્કી કરી. દેશમાં સામાજિક સંવાદિતા આજે તાકીદની બની છે અને તેની ઘણી જરૂર ઊભી થઇ છે. આ બાબતને ખાસ લક્ષ્યમાં રાખી પ્રતિ વર્ષ બે એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. એક રાજ્ય કક્ષાએ અને બીજો રાષ્ટ્રીય કક્ષાએ. એવોર્ડનું નામ હાર્મની એવોર્ડ હશે. ગુજરાત રાજ્યમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા અને એજ રીતે દેશમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા કોમી એકતા/સામાજિક સંવાદિતાનું કામ કરતી હોય તેને આ હાર્મની એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડની રકમ એક લાખ રૂપિયા હશે. સદભાવના પર્વ દરમ્યાન આ. શ્રી મોરારીબાપુના વરદ હસ્તે એવોર્ડ પસંદ કરેલને એનાયત કરવામાં આવશે.

 

તસવીરોમાં સદભાવના સમિતિના સભ્યો શ્રી મોરારીબાપુના પી.એ.સાથે મંત્રણાઓ કરતા દેખાય છે. ફાધર વિલિયમ પણ હાજર હતા.

 

જીવનનાં ૭૫ વરસ પૂરાં કરવા બદલ માનનીય ફાધર વિલિયમ ને ખૂબ ખૂબ અભિનંદન ૧૦-૧૧-૧૨ નવેમ્બર ૧૦, ૨૦૧૨.

ભારતીય કેલેન્ડર પ્રમાણે આજે તારીખ છે ૧૦-૧૧-૧૨ અને જોગાનુજોગ આવો સંયોગ દર હજાર વરસે જ આવે. આજના જ દિવસે ગુજરાતના માનાનીય ફાધર વિલિયમ પોતાના જીવનાનાં ૭૫ વરસ પૂરાં કરે છે એ પણ અનન્ય જોગાનુજોગ છે. ઈશ્વરને પ્રાર્થના કે ફાધરને સ્વસ્થ અને દીર્ઘ આયુષ્ય બક્ષે જેથી ગુજરાતના માત્ર ખ્રિસ્તીઓ જ નહીં પણ સમગ્ર ગુજરાતી પ્રજાની સેવા કરતા રહે અને સામાજિક સંવાદિતતા પ્રસરાવતા રહે. આ પ્રસંગે વાંચો ફાધર વિલિયમનો પોતાનો સંદેશ.

 

 

આજે મારા જીવનના ૭૫ વર્ષ પુરા થાય છે. ઈશ્વર પિતાએ મને સુસ્વાસ્થ્યની અણમોલ ભેટ આપી તે બદલ એનો ખૂબ ખૂબ આભાર. એણે મને અનેક ભેટોથી જીવનમાં નવાજ્યો છે. તેમાં એક મોટી ભેટ આ છે.: બીજાઓની ધાર્મિક માન્યતાઓ પ્રતિ માન અને સન્માન. મારા હિંદુ-મુસ્લિમ બધા મિત્રોએ મારી આવી ભાવનાની વારંવાર કદર કરી છે ને મને બહુ આદર પણ આપે છે. ઈશ્વર પિતાની આ અમૂલ્ય ભેટને કારણે આજે હું ઈશ્વરનાં દર્શન ચોપાસ બધે કરી શકું છું ને એમ ઈશ્વરના દર્શનની મારી ક્ષિતિજ વિસ્તરી છે. આ કિંમતી ભેટને કારણે ગુજરાતમાં સામાજિક સંવાદિતા સર્વત્ર પ્રગટે એ માટે આરંભાયેલ અભિયાનનો હું એક હિસ્સો બની શક્યો છું ને આ. મોરારી બાપુ સાથે રહીને મારી ભૂમિકા ભજવી ઝુંબેશમાં મારું પ્રદાન કરી શકું છું. આદરણીય શ્રી મોરારી બાપુનો મને ગાઢ પરિચય થયો તેના લીધે આપણી પ્રવૃતિઓ વિષે તેમને સાચી માહિતી આપીને આપણા પ્રત્યે સદભાવના પણ પેદા કરી શક્યો છું ને તેમની સાથે મૈત્રી કેળવી છે. આ સાથે કેટલીક તસ્વીરો મૂકું છું તેમાં જેસુઈટ ફાધર રૂડી હેરેડીઆ, લેન્સ્ય લોબો, આર્ચ બીશપ સ્ટેની ફર્નાન્ડીસ, મદની શરીફ શેઠ (જમાતે ઇસ્લામ હિન્દ), સંજય-તુલા (વિશ્વગ્રામ) … ગુજરાતમાં કોમી સદભાવ પ્રગટે, પ્રસરે ને કાયમ માટે ટકી રહે એ માટે પ્રયત્નશીલ છે તે દેખાય છે. 
ફાધર વિલિયમ

સદભાવના ફોરમમાં જોડાવા માટે ફાધર વિલિયમનું આમંત્રણ.

સદભાવના ફોરમ

 

તા. ૧૧ મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ફોરમની એક મહત્વની મિટિંગ યોજાઈ ગઈ જેમાં સદભાવના ફોરમની કાર્યવાહી તથા પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન અને છેલ્લાં ચાર વરસોમાં તેણે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓનો હિસાબ-કિતાબ કરવામાં આવ્યો. ફોરમના બધા સભ્યોએ પ્રસ્તુત બાબતે જે પ્રતિભાવો રજૂ કર્યા એ બધા જ વિધેયાત્મક અને સંતોષકારક હતા. ફોરમનો ઉદ્દેશ ‘ગુજરાતમાં સઘળે સામાજિક સંવાદિતા’ સ્થપાય ને જળવાય તેને હજીયે વધુ બળવત્તર બનાવવા સાથે સાથે જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આવા શુભકાર્યમાં રોકાયેલ હોય તેની કદર થાય તથા એને પ્રોત્સાહન મળે એ હેતુસર પ્રતિ વર્ષ રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ બે એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. તદનુસાર પ્રતિવર્ષ કૈલાસ ગુરુકુલ આશ્રમ, મહુવામાં યોજાતા ‘સદભાવના પર્વ’ દરમ્યાન ઉપસ્થિત સહુની સમક્ષ શ્રી. મોરારિ બાપુના હસ્તે સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ બે વ્યક્તિઓ/સંસ્થાઓને એક એક લાખ રૂપિયાનો એમ બે એવોર્ડ એનાયત કરી તેમને વધાવી લેવામાં આવશે.
 
લાંબા ગાળાનાં ફળ ઉપજાવે તેવો બીજો નિર્ણય લેવામાં આવ્યો  એ આ છે: જે જે સ્થળોએ શ્રી. મોરારિ બાપુની કથા ચાલતી હોય ત્યાં રોજ રોજ ચોપાસનાં સ્થળોએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ પ્રદાન કરતા શિક્ષકો માટે શ્રી. મોરારિ બાપુની સાથે બેઠકો યોજવી અને તેમને સદભાવના ફોરમના ઉદ્દેશથી વાકેફ કરી તેમાં જોડાવા પ્રેરણા આપવી જેથી તેમના દ્વારા ચોપાસની શાળાઓમાં ભણતા વિશાળ વિદ્યાર્થી સમૂહોને સામાજિક સંવાદિતાનો સંદેશો પહોંચી જાય અને કિશોરાવસ્થાથી જ તેમનામાં ભાઈચારાના સંસ્કારોનાં બીજ રોપાય.
 
બે સાલ પહેલાં કીર્તિમંદિર પોરબંદરથી ગાંધી આશ્રમ, અમદાવાદ સુધી સદભાવના (વાહન) યાત્રા યોજવામાં આવી હતી જેનો બાકી રહેલો બીજો તબક્કો અર્થાત ગાંધી આશ્રમથી દાંડી સુધીની યાત્રાનું આયોજન કરવું એવો નિર્ણય પણ લેવામાં આવ્યો. પ્રસ્તુત યાત્રામાં તેના માર્ગમાં આવતા વિવિધ જિલ્લા વિસ્તારોને આવરી લઈ મહત્વનાં સ્થળો, બહુધા કોલેજીયનો સાથે જાહેરસભાઓ યોજવી. આ જાહેરસભાઓને રાજ્ય તથા રાજ્યની બહારની જાણીતી વ્યક્તિઓ સંબોધન કરશે અને યુવાવર્ગોને સામાજિક સંવાદિતાનો સંદેશો આપશે. હકીકતે ગુજરાતનો યુવાવર્ગ કે જે આવતી કાલનું આપણું ભાવિ છે તેને યાત્રાના આ દિવસોમાં ખાસ લક્ષ્યમાં રાખવામાં આવનાર છે.
 
આપ જોઈ શકશો તેમ સદભાવના ફોરમના સભ્ય તરીકે મારે ઘણીબધી મહત્વની ભૂમિકા અદા કરવાની ભારે જવાબદારી છે. એટલે, સહુ મિત્રોને અપીલ કરું છું કે તે સભાનપણે અદા કરવામાં આપ સહુ મને સહકાર આપશો. વળી, ગુજરાતના ખૂણે ખૂણે સમાજિક સંવાદિતા પ્રગટે, જળવાય અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય એ માટે ગુજરાતના ખ્રિસ્તિ સમૂહોમાંથી બહોળી સંખ્યામાં લોકો આ અભિયાન-મીશનમાં જોડાય અને સક્રિય બને એવી પણ મારી તીવ્ર ઈચ્છા છે તો એ માટે પણ તમારો સહકાર માંગું છું. મારો મોબાઈલનંબર નીચે આપું છું જેથી આ બાબતે માહિતી મેળવવામાં તમને સરળતા રહે.
ફાધર વિલિયમ – મો: ૯૪૨૭૦૨૬૦૮૩