Clera & Jagadish getting married on Novermber 09 1985
આજે નવેમ્બરની ૯ તારીખે અમારા લગ્ન જીવનના ૨૫ વરસ પૂરાં થયાં. છેલ્લાં ૨૫ વરસ હસતાં-રડતાં, રિસાતાં-મનાવતાં, ગુસ્સે થતાં-માફી માગતાં, એકબીજાને વેઠતાં-વેઠાવતાં વીતી ગયાં. ક્યારેક આ જંજાળમાં ક્યાં ફસાયા એવું લાગે પણ મોટા ભાગના સમયે એક અનેરા આનંદનો અનુભવ થયો છે. દાંપત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની માન-મર્યાદા, બાંધ-છોડ અને સમાધાનની સમજણ એ ખૂબ જરૂરી છે. અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેનું સમતોલન જાળવવું એ અત્યંત આવશ્યક છે. અને જે આ પ્રમાણે જાળવી નથી શકતા એમના સંબંધમાં તિરાડ પડી જાય છે. અને આ તિરાડ બાળકોના જન્મ પશ્ચાત્ પણ યથાવત્ રહે છે અને પરિણામે છૂટા થતા હોય છે. પ્રેમ-લગ્ન નિષ્ફળ જતા હોય છે તો કેટલાય લગ્ન પછી પ્રેમ પ્રગટાવતા હોય છે. આજકાલ લગ્ન-વિચ્છેદના ઘણા કિસ્સા જોવા મળે છે. તો ઘણા ધાર્મિક કે કાયદેસર રીતે લગ્ન બંધનમાં જોડાયા સિવાય વૈવાહિક જીવનના લાભ લેતા હોય છે. તો ઘણા સમલિંગી સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવાની લડાઈ લઈને બેઠાં છે. ઈશ્વરે આદમ અને હવા બનાવ્યા અને આ સંસારની શરૂઆત થઈ એવું કહેવાય છે. એ જ ઈશ્વરને આપણે બનાવતા થઈ ગયા છીએ. આ કથાવસ્તુને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આશા છે તમને ગમશે.
હમણાં દશેરા (વિજ્યાદશમી) ઊજવાઈ ગઈ અને થોડા દિવસ પછી દિવાળી ઊજવાશે. દર મહિને ઇઝલીનમાં આવેલા ગુજરાત-દર્પણના કાર્યાલય માં સાહિત્ય-સભાનું આયોજન થાય છે. ૧૬ ઑક્ટોબરના રોજની સાહિત્ય-સભામાં દિવાળી વિષય પર ગદ્ય કે પદ્ય રચના રજૂ કરવી એવું નક્કી કર્યું હતું ત્યારે મેં નીચેનું કાવ્ય રજૂ કર્યું હતું. આશા છે કે તમને ગમશે. આ દુનિયામાંથી આતંક અને વેરભાવથી ફેલાયેલો અંધકાર દૂર થાય અને શાંતિનો પ્રકાશ પ્રજ્વળે એવી પ્રભુને પ્રાર્થના.