Category Archives: Obituary – અવસાન નોંધ

અવસાન નોંધ – શ્રી. લેમ્યુઅલ હેરી

 

જુલાઈ ૧૦ ૨૦૧૧:ભારતમાં રેડીઓ માટે આઝાદી પછી અને વિશેષ કરીને ૧૯૬૦, ૭૦ અને ૮૦ ના દાયકાઓ સુવર્ણયુગ સમાન હતા. રેડીઓના સમાચાર જગતનો આ સમયનો સિતારો ૧૯ મે, ૨૦૧૧ ના દિવસે આથમી ગયો. એ સિતારાના નામ શ્રી. લેમ્યુઅલ એફ્રાઈન હેરી. કોલેજના સમયથી જ અવાજમાં એક વિશેષ રણકાર ધરાવનાર શ્રી. હેરી મૂળે વડોદરાના વતની હતા. અને વડોદરાના ગાયકવાડ સ્ટેટ દ્વારા શરૂ કરાવેલ ગુજરાતના સૌ પ્રથમ રેડિયો સ્ટેશનમાં ૧૯૪૭માં તેઓ જોડાયા હતા. રાષ્ટ્રની આઝાદી બાદ ૧૯૫૦માં આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર શરૂ થતાં તેઓ અહીં પણ પ્રથમ ઉદ્ધોશક બન્યા હતા. ૧૯૬૦ની પહેલી મે ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના દિવસે ગુજરાતનો પ્રાદેશિક રેડિઓ વિભાગ અસ્તિત્વમાં આવ્યો ત્યારે કારવાહક તંત્રી શ્રી. જયંત દેસાઈની દેખરેખ હેઠળ અલગ ગુજરાતનું પ્રથમ સમાચાર બુલેટીન વાંચનાર શ્રી. હેરીભાઈ હતા.

 

શ્રી. હેરીભાઈનો રણકારભર્યો અવાજ જ એમની ઓળખ બની ગયો હતો. એમના અવાજની ખ્યાતિ એટલી વધતી ચાલી કે રેડીઓમાં જ નહિ પરંતુ અન્ય કાર્યક્રમો માટે સમાચારવાચક-ઉદ્ધોશકની પેનલ બનાવવાની હોય કે કમ્પીયરીંગ કાર્યક્રમના સંચાલન માટે ઉમેદવારોની પસંદગીમાં શ્રી. હેરીભાઈનું નામ મોખરે રહેતું. મોહમ્મદ રફી, મુકેશ સહિતના ગાયકો ખ્યાતનામ સંગીતકારોના કાર્યક્રમોની હેરીભાઈએ સુંદર રજૂઆત કરી હતી. અને એક એવો તબક્કો આવ્યો કે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં મોટા મોટા કલાકારોના ઘરાના હોય એમ ‘હેરીઘરાના’ તરીકે તેમણે ખ્યાતિ મેળવી. શ્રી. લેમ્યુઅલ હેરી તેમની પાછળ તેમનાં બે સંતાનો પુત્ર ચિરાગ અને પુત્રી રેહાને મૂકતા ગયા છે જે બંને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. આપણા યુવાવર્ગ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત છે.

(પ્રેષક ફાધર વિલિયમ-રિશ્તા અને થોડી માહિતી અને પિક્ચર દિવ્યભાસ્કર)