All posts by admin

કેવડિયાનો કાંટો – સ્વર અને શબ્દ સાથે

જાન્યુઆરી બીજી તારીખે ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી. રાજેન્દ્ર શાહની પ્રથમ પુણ્યતિથિ હતી. ટહુકો.કોમ પર જાન્યુઆરીની ચોથી તારીખે આ ગીત શબ્દ સ્વરૂપે મુકાયું હતું. આ ગીતને સ્વર સ્વરૂપે ઇન્ટરનેટ પર શોધ્યું પણ મળ્યું નહીં. તો મારા સંગ્રહમાં આ ગીત હતું તે શોધીને આપને સંભળાવવાની ઇચ્છા થઈ.  

આ ગીત ૧૯૫૮ માં સૌથી પહેલાં મુંબઈ આકાશવાણી પર શ્રીમતી સરોજબેન ગુંદાણીના કંઠે રેકૉર્ડ કરવામાં આવ્યું હતું. આ જ ગીત પછીથી સ્વ. ગીતા દત્ત ના કંઠે પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી. રાજેન્દ્ર શાહનું આ ખૂબ પ્રખ્યાતિ પામેલું ગીત છે. આ ગીતનું સ્વરનિયોજન શ્રી. અજિત મર્ચન્ટનું છે. મે ૦૪ ૨૦૦૨ ના દિવસે ગુજરાતી લીટરરી અકાદમી આયોજિત કાર્યક્રમમાં શ્રીમતી સરોજબેન ગુંદાણીએ આ ગીત રજૂ કર્યું હતું. તો માણો.


 

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

Filed under: કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત