All posts by admin

પ્રતિકૂળ હવામાનના કારણે ગુ.કે.સ.ઓફયુએસએ યોજીત ફાતિમાના દેવાલયનો યાત્રા-પ્રવાસ મોકૂફ રાખવામાં આવે છે.

 

સેન્ડિ નામનું વાવાઝોડું કેરેબિયન ટાપુ પર તબાહી ફેલાવી પૂર જોશમાં અમેરિકાના ઉત્તર-પૂર્વિય વિસ્તાર તરફ ધસી રહ્યું છે. આગાહી પ્રમાણે આ વાવાઝોડું દક્ષિણ ન્યુ જર્સીના હિસ્સા પર પડાવ કરશે. આ વાવાઝોડું ૫૦ થી ૮૦ માઈલનો પવન અને ભારે વરસાદના ઝાપટા લઈને આવશે. જેના કારણે વીજળી વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતા છે. દરિયા કાંઠાના વિસ્તારમાં ભરતીનાં પાણી ફરી વળશે અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે.

 

 

આ વાવાઝોડાની અસર રવિવારથી વરતાવા માંડશે. સુસવાટા મારતા પવન સાથે ભારે વરસાદની શરૂઆત રવિવારથી થઈ જશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ઓક્ટોબર ૨૮, ૨૦૧૨ ના દિવસે યોજેલ ફાતિમાના દેવાલયનો યાત્રા-પ્રવાસ રદ કરે છે. આ પ્રવાસ સાનુકૂળ સમયે ફરીથી ગોઠવવામાં આવશે.

 

હવામાન ખાતા તરફથી અપાતી માહિતી પર ધ્યાન આપતા રહેજો અને જરૂરી સાવચેતી જાળવજો. જરૂરી સામગ્રી જેમકે પીવાનું પાણી, ખાધ્યસામગ્રી, મીણબત્તી, ફ્લેશલાઈટ, રેડિયો અને બેટરી વગેરેની વ્યવસ્થા કરી રાખશો.

 

Please visit New Jersey Office of Emergency Management.

 

પ્રાર્થના કરીએ આ વાવાઝોડું ખાસ વધુ નુકશાન કર્યા વગર પસાર થઈ જાય.         

“સોસાયટી ઓફ સેન્ટ વિન્સેન્ટ-દ-પોલ” ઝેવિયર્સ કોન્ફરન્સ સીટીએમ, અમદાવાદ

કોઈ પણ જાહેર સંસ્થા માં પારદર્શિતા આવશ્યક તથા અનિવાર્ય હોય છે. અને ખાસ કરીને જો એ ખ્રિસ્તી સંસ્થા હોય તો એમાં ખ્રિસ્તીપણાના પાયાના ત્રણ મૂળ તત્વો તો હોવા જ જોઈએ. પ્રેમ, શાંતિ અને ક્ષમા! કોઈપણ સંસ્થાની ટીકા કે તરફેણ કર્યા સિવાય એક સંસ્થા વિષે કહી શકાય કે ભારતભરમાં એ ઘણું ઉમદા કામ કરી રહી છે. અને આ સંસ્થા છે “સોસયટી ઓફ સેન્ટ વિન્સેન્ટ-દ-પોલ”. આ સંસ્થા ગુજરાતના વિવિધ શહેરોમાં પણ કાર્યરત છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં ૨૦૦૬ થી કાર્યરત આ સંસ્થા ઘણાં સેવાના કામ કરી રહી છે. એ સંસ્થાની કાર્યવાહક સમિતી અને સીટીએમ વિસ્તારના ખ્રિસ્તી ભાઈબેનોને અભિનંદન અને આવતા સમયમાં એમની પ્રવૃત્તિઓ વધે અને ફળદાયી નિવડે એવી શુભેચ્છાઓ.

 

આ સંસ્થા વિષે વધુ માહિતી માટે સંસ્થાના ૨૦૧૧-૨૦૧૨ વાર્ષિક અહેવાલને વાંચવા ઉપરના પિક્ચર પર ક્લિક કરો.             

પીટીઆરસી (પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર) નો સેમિનાર યોજાયો.

 

પીટીઆરસી (પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર) વડોદરા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફેકટરીઓ તથા ઉદ્યોગોમાં કામ કરતા કામદારો ને મજૂરોનાં સ્વાસ્થ્યના હક્કો તથા સલામતી માટે કામ કરે છે. તેના પ્રણેતા શ્રી જગદીશ પટેલ છે. ખંભાત શહેરમાં અકીકના ઉદ્યોગમાં કામ કરતા ગરીબ મજૂરોને સીલીકોસ નામનો મટી શકે તેવો રોગ થાય છે ને ઘણાખરા મજૂરો માત્ર ૪૦ વર્ષની વયે મૃત્યુને ભેટતા હોય છે. આવા ગરીબ કામદારોના પરિવારોને માલિકો તરફથી પૂરતું રક્ષણ મળે ને તેમને વિમાનો લાભ મળે માટે જગદીશભાઈ ઘણી મહેનત કરે છે. આવી ગરીબો ને શ્રમજીવીઓની સેવામાં ખંભાતમાં રહેતા શૈલેશ અભીધેય કે જે પત્રકાર છે તે જગદીશભાઈને ઘણા મદદરૂપ બને છે. તા ૨૦ ઓક્ટોબરના રોજ ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલમાં એક સેમિનારનું આયોજન કરીને ઉપરોક્ત બંને ભાઈઓએ અક્કિક ઉદ્યોગમાં રોકાયેલ કામદારોની દયાજનક પરિસ્થિતિ વિષે વિગતે સહુને માહિતી આપી હતી અને તેમના હક્કોના અને સ્વાસ્થ્યના રક્ષણ માટે કેવા કાયમી ઉકેલ લઇ શકાય એના સૂચનો માગ્યા હતાં.ફાધર વિલિયમ જગદીશભાઈના સેવાની ઘણી કદર કરીને તેમને વરસોથી સાથ સહકાર આપે છે ને સેમિનારમાં તેમને આમંત્રણ હોઈ ઉપસ્થિત રહ્યા હતા અને જારૂરી સૂચનો પણ આપ્યાં હતાં.

 

ફાધર વિલિયમ

કમ્યુનીટી ડેવેલોપમેન્ટ સોસાયટી (સીડીએસ) ના વાર્ષિક દિનની ઊજવણી – ઓક્ટોબર ૨૧, ૨૦૧૨

 

કમ્યુનીટી ડેવેલોપમેન્ટ સોસાયટી (સીડીએસ) આણંદ પાધરીયામાં આવેલી એક જાણીતી અને આગવા પ્રકારની એન જી ઓ છે. શ્રી મનોજ મેકવાન એના પ્રણેતા છે. આ સંસ્થા નાત-જાત-ધર્મ કે સંપ્રદાયનો ભેદ રાખ્યા વિના જરૂરિયાતમંદો વંચિતોની સેવા કરે છે. હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ કે જેમને વધુ અભ્યાસની તકો મળી નથી તેમને માટે આ સંસ્થા ટૂકાગળાના તાલીમ કાર્યક્રમો-કોર્સનું આયોજન કરે છે ને એ રીતે આવી યુવતીઓને કમાણીનું સાધન આપે છે. આજે પ્રસ્તુત કમ્યુનીટીમાની કેટલીયે યુવતીઓ તાલીમ લઈને કમાતી થઇ છે અને સ્વમાનભેર જીવે છે. આ સંસ્થા દ્વારા ગરીબ વિસ્તારો-ઝૂપડ પટ્ટીઓમાં બાલવાડીઓ ચલાવે છે જેમાં આ સંસ્થામાં તાલીમ લીધેલી યુવતીઓ સેવા આપે છે.

 

સંસ્થા પ્રતિ વર્ષ જર્મની દેશ સાથેની યુવતીઓ સાથે મળીને એક્ષ્ચેન્જ કાર્યક્રમો ગોઠવે છે ને અહીંથી આ ગરીબ યુવતીઓને એક કે બે માસ માટે જર્મની મોકલે છે આજ સુધીમાં કેટલીયે હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓને આનો લાભ મળ્યો છે. સીડીએસ સંસ્થાની આ એક મોટી ઉપલબ્ધિ છે.

 

 
પ્રતિ વર્ષ સંસ્થા તેનો વાર્ષિક દિન ઉજવે છે જેમાં યુવતીઓના વાલીઓ ને માબાપો હોંશભેર ભાગ લે છે. ચાલુ સાલે આણંદ ટાઉન હોલમાં આ દિનની ઉજવણી થઇ હતી. સ્ટેજ પર આવીને પોતાની વિવિધ આવડતો પ્રેક્ષકોને બતાવી આપવાની તેમને માટે આ એક સોનેરી તક છે જે સંસ્થા તેમને પૂરી પાડીને તેમનામાં સ્વમાન જગવે છે. મુસ્લિમ યુવતીઓને તો આનાથી ઘણું સ્વમાન જાગે છે. વાર્ષિક દિનની આગવી વિશિષ્ટતતા તો એ છે કે વિવિધ કોમ ને ધર્મની યુવતીઓ સાથે મળીને આ કાર્યક્રમ કરે છે ને પ્રેક્ષકોમાં આ બધી ક્મ્યુનીટીના લોકો હાજર હોય છે.

 

 
કોમી સંવાદિતાનું આનાથી બીજું ઉમદા ઉદાહરણ કયું હોઈ શકે? મનોજભાઈ પોતે ખ્રિસ્તી છે ને તેમના દ્વારા આ પ્રકારની ઉમદા પ્રવૃત્તિ થાય છે એ ગૌરવની વાત છે. સાચેજ મનોજ એક અનુકરણીય ઉદાહરણ સહુને આપી રહ્યા છે. શ્રી મનોજભાઈ તથા તેમના સહુ કાર્યકરોને આપણાં હાર્દિક અભિનંદન ! અને આણંદ તથા અન્ય સ્થળોએ વસતા બીજા ખ્રિસ્તીઓ પણ આવી હિતકારક પ્રવૃતિઓ શરૂ કરીને ભગવાન ઇસુનો પ્રેમ તથા ભાઈચારાનો સંદેશ બધે ફેલાવે એવી અપેક્ષા રાખીએ!
-ફાધર વિલિયમ (રિશ્તા)