નવા વરસ નું નવું નજરાણું

કેતન ક્રિશ્ચિયન મારો નાનો ભાઈ બહુમુખી પ્રતિભા ધરાવે છે અને એના કાજે આનંદ સાથે હંમેશા ગૌરવ અનુભવ્યું છે. આજે એની એક કવિ પ્રતિભાનો પુરાવો આપવાનો આ એક મોકો લઉ છું જ્યારે હું મારી વેબસાઈટને આઠ વરસ પછી એક નવા રુપ રંગ સાથે રજુ કરી રહ્યો છું. બાળપણથી કવિતા અને કથનીનો શોખ. પીજના નવાસવા એકમાત્ર દુરદર્શન પર એના લખેલા ગ્રામ્યલક્ષી નાટકો પ્રસારિત થતા હતા. એની કવિતાઓ મેગેઝિનમાં છપાતી હતી. આજે એને હિન્દ-રતન નો ખિતાબ મળી રહ્યો છે ત્યારે ગર્વથી છાતી ગજ ગજ ફુલે છે. આ સાથ એની એક કવિતા રજૂ કરું છું. આ કવિતાને વાંચો અને સાંભળો પણ ખરા. આ કવિતાને સ્વરબધ્ધ કરી છે રોબિનસન રાઠોડે અને જેને સ્વર આપ્યો છે દેશના નિખિલ ભાવસાર.

હળવેથી!

હળવેથી કોણ ભરી દે મારાં સૂના નયનોને સાવ સુંવાળા સ્વપ્નોથી?

કોણ હસી દે સાવ કોમળ કોમળ મારાં શુષ્ક મુખેથી?

આવેગોની આ ઊંચી-નીચી અણધારી પાળેથી ઝૂકી ઝૂકીને

કોણ સ્પર્શી લે સાવ નજીક મારાં ધ્રૂજતા અંગોથી?

બેફામ બનીને ઉદ્ ભવતા ભાવોને પળમાં ચહેરે આમ મઢાવી

કોણ ચૂમી લે સાવ નશીલું મારા સળવળતા હોઠોથી?

આકાશની ઝૂકેલી છાયામાં સળવળતી લાખો આંખો માંહેથી

કોણ શ્વસી લે એકપ્રાણ બનીને મારા શ્વાસ-ઉચ્છવાસેથી?

ઊગી નીકળેલા ભીનાં રણનાં જોજન વચ્ચેથી

કોણ ઊગી લે ધબકાર થઈને મારા નાનાં હૈયેથી?

–          કેતન ક્રિશ્ચિયન