Tag Archives: ફા. જ્યોતિ ઝેવિયર

સદભાવના ફોરમમાં જોડાવા માટે ફાધર વિલિયમનું આમંત્રણ.

સદભાવના ફોરમ

 

તા. ૧૧ મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ફોરમની એક મહત્વની મિટિંગ યોજાઈ ગઈ જેમાં સદભાવના ફોરમની કાર્યવાહી તથા પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન અને છેલ્લાં ચાર વરસોમાં તેણે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓનો હિસાબ-કિતાબ કરવામાં આવ્યો. ફોરમના બધા સભ્યોએ પ્રસ્તુત બાબતે જે પ્રતિભાવો રજૂ કર્યા એ બધા જ વિધેયાત્મક અને સંતોષકારક હતા. ફોરમનો ઉદ્દેશ ‘ગુજરાતમાં સઘળે સામાજિક સંવાદિતા’ સ્થપાય ને જળવાય તેને હજીયે વધુ બળવત્તર બનાવવા સાથે સાથે જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આવા શુભકાર્યમાં રોકાયેલ હોય તેની કદર થાય તથા એને પ્રોત્સાહન મળે એ હેતુસર પ્રતિ વર્ષ રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ બે એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. તદનુસાર પ્રતિવર્ષ કૈલાસ ગુરુકુલ આશ્રમ, મહુવામાં યોજાતા ‘સદભાવના પર્વ’ દરમ્યાન ઉપસ્થિત સહુની સમક્ષ શ્રી. મોરારિ બાપુના હસ્તે સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ બે વ્યક્તિઓ/સંસ્થાઓને એક એક લાખ રૂપિયાનો એમ બે એવોર્ડ એનાયત કરી તેમને વધાવી લેવામાં આવશે.
 
લાંબા ગાળાનાં ફળ ઉપજાવે તેવો બીજો નિર્ણય લેવામાં આવ્યો  એ આ છે: જે જે સ્થળોએ શ્રી. મોરારિ બાપુની કથા ચાલતી હોય ત્યાં રોજ રોજ ચોપાસનાં સ્થળોએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ પ્રદાન કરતા શિક્ષકો માટે શ્રી. મોરારિ બાપુની સાથે બેઠકો યોજવી અને તેમને સદભાવના ફોરમના ઉદ્દેશથી વાકેફ કરી તેમાં જોડાવા પ્રેરણા આપવી જેથી તેમના દ્વારા ચોપાસની શાળાઓમાં ભણતા વિશાળ વિદ્યાર્થી સમૂહોને સામાજિક સંવાદિતાનો સંદેશો પહોંચી જાય અને કિશોરાવસ્થાથી જ તેમનામાં ભાઈચારાના સંસ્કારોનાં બીજ રોપાય.
 
બે સાલ પહેલાં કીર્તિમંદિર પોરબંદરથી ગાંધી આશ્રમ, અમદાવાદ સુધી સદભાવના (વાહન) યાત્રા યોજવામાં આવી હતી જેનો બાકી રહેલો બીજો તબક્કો અર્થાત ગાંધી આશ્રમથી દાંડી સુધીની યાત્રાનું આયોજન કરવું એવો નિર્ણય પણ લેવામાં આવ્યો. પ્રસ્તુત યાત્રામાં તેના માર્ગમાં આવતા વિવિધ જિલ્લા વિસ્તારોને આવરી લઈ મહત્વનાં સ્થળો, બહુધા કોલેજીયનો સાથે જાહેરસભાઓ યોજવી. આ જાહેરસભાઓને રાજ્ય તથા રાજ્યની બહારની જાણીતી વ્યક્તિઓ સંબોધન કરશે અને યુવાવર્ગોને સામાજિક સંવાદિતાનો સંદેશો આપશે. હકીકતે ગુજરાતનો યુવાવર્ગ કે જે આવતી કાલનું આપણું ભાવિ છે તેને યાત્રાના આ દિવસોમાં ખાસ લક્ષ્યમાં રાખવામાં આવનાર છે.
 
આપ જોઈ શકશો તેમ સદભાવના ફોરમના સભ્ય તરીકે મારે ઘણીબધી મહત્વની ભૂમિકા અદા કરવાની ભારે જવાબદારી છે. એટલે, સહુ મિત્રોને અપીલ કરું છું કે તે સભાનપણે અદા કરવામાં આપ સહુ મને સહકાર આપશો. વળી, ગુજરાતના ખૂણે ખૂણે સમાજિક સંવાદિતા પ્રગટે, જળવાય અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય એ માટે ગુજરાતના ખ્રિસ્તિ સમૂહોમાંથી બહોળી સંખ્યામાં લોકો આ અભિયાન-મીશનમાં જોડાય અને સક્રિય બને એવી પણ મારી તીવ્ર ઈચ્છા છે તો એ માટે પણ તમારો સહકાર માંગું છું. મારો મોબાઈલનંબર નીચે આપું છું જેથી આ બાબતે માહિતી મેળવવામાં તમને સરળતા રહે.
ફાધર વિલિયમ – મો: ૯૪૨૭૦૨૬૦૮૩