Congratulation on your 25th anniversary of Priesthood Fr.Titus Decosta. May 02, 1992 – May 02, 2017.

આજનો દિવસ અમદાવાદ ધર્મપ્રાંત માટે મહત્વનો જ નહીં પરંતુ મોટા ઉત્સવનો પણ છે, કેમકે છેલ્લા 25 વર્ષથી સંન્યસ્ત જીવનનો લિબાસ ઓઢીને ગુજરાતને પોતાની વિવિધ સેવાઓથી સંપન્ન કરનાર ફાધર ટાઇટસ ડી’કોસ્ટા આજે અમદાવાદ મિર્ઝાપુર ખાતે પોતાના સંન્યસ્ત જીવનની સિલ્વર જ્યુબિલિ ઉજવી રહ્યા છે. તો ચાલો તેમના સેવકાર્યોથી રૂબરૂ થઈએ.

જન્મ :

4 -01-1962 ના રોજ વસઈ ગાસ ખાતે થયો હતો. ભારતના પ્રથમ સંત ગોન્સાલો ગાર્સીઆના નામે આ તાબો કાર્યરત છે. 4000 ની વસ્તી ધરાવતા આ વિભાગે માતા ધર્મસભાને 57 ફાધરો, 107 સિસ્ટરો અને 10 જેટલાં ફ્રાન્સીસ્કન બ્રાધરોની ભેટ આપી છે.

પરિવાર :

પિતા જેરોમ અને માતા એનીને ઈશ્વરે 5 સંતાનોની સોગાદ આપી છે. ફાધર ટાઇટસના અર્બન અને જોસેફ નામે બે મોટા ભાઈઓ છે. નાની બહેન થીઓડોરા અને સૌથી નાના ભાઈ ડોનેશન.

સંસારથી_સંન્યસ્ત_જીવન_તરફ_પ્રયાણ :

ફાધર ટાઇટસ જ્યારે વસઈ ખાતે આવેલી હોલીક્રોસ હાઈસ્કૂલના 8 માં ધોરણમાં અભ્યાસ કરતા હતા તે વેળાએ વેસ્લી ડી’સોઝા નામે એક ફાધર આ હાઈસ્કૂલમાં પધાર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંન્યસ્ત જીવન વિશે સમજાવીને પૂછ્યું કે ” કોને કોને ફાધર બનવું છે “? બસ તે જ ક્ષણે ફાધર ટાઇટસે આંગળી ઊંચી કરીને પોતાની ઈચ્છા દર્શાવી દીધી. ત્યારબાદ તેઓ આ વિચારને ગૂંથતાં રહ્યા અને ધોરણ 10માં પહોંચ્યા ત્યારે મા-બાપ ને આ સંદર્ભે જાણ કરી, પરંતુ તેમના મમ્મી પપ્પા એ ધરાર ના પાડી દીધી કેમકે ફાધર ટાઇટસ તે સમયે શારીરિક રીતે ખૂબ દુર્બળ હતા. કમજોરી એટલી હદે હતી કે એક ડોક્ટરે તો ચોખ્ખું કહી દીધેલું કે ” આ તમારો છોકરો લાંબુ જીવવાનો નથી “. ડૉક્ટરના આવા કથનને લીધે ફાધરને પહેલા ધોરણમાં મુકવા માટે તેમના મા બાપને સાત સાત વર્ષ સુધી રાહ જોવી પડેલી અને એ બાબતે ધ્યાનમાં રાખીને તેમના મમ્મી પપ્પાએ તેમને સંઘમાં જવાની અનુમતિ આપી નહોતી. પરંતુ યેનકેન પ્રકારે તેઓ મા બાપને સમજાવવામાં સફળ રહ્યા અને અંતે 10 જુલાઈ 1981 ના રોજ તેમણે અમદાવાદ ખાનપુર ખાતે આવેલી સેંટ જોસેફ માઇનોર સેમીનારીની વાટ પકડી.

સેમીનરીથી_લઈને_દીક્ષા_સુધીની_સફર :

10 જુલાઈ 1981 થી 1983 સુધી તેઓ અમદાવાદ સેમીનેરીઅન તરીકે રહ્યા, ત્યારબાદ 1983 થી 1986 દરમિયાન તત્વજ્ઞાન ( philosophy ) ના અભ્યાસ અર્થે નાગપુર ગયા. નાગપુરથી પરત ફર્યા બાદ એક વર્ષ માટે પેટલાદ મરિયમપુરામાં સેવાઓ આપી. આ એ સમયગાળો છે કે જેમાં ફાધર ટાઇટસે ગુજરાતમાં સૌપ્રથમ ” યુથ કેથોલિક સ્ટુડેન્ટ્સ ” નામે વિદ્યાર્થી સંઘની સ્થાપના કરી. આ અરસામાં એટલે કે 1987-88 દરમિયાન તેમણે H.M.Patel કોલેજ કરમસદ થી B.ed ની પદવી ગ્રહણ કરી ને ચાર વર્ષ માટે એટલે કે 1988-92 સુધી દેવવિદ્યા ( Theology ) ના અભ્યાસ અર્થે નાગપુર ગયા. અંતે 2 જી મે, 1992 ના રોજ વસઇ ખાતે ધર્મધ્યક્ષ થોમસ ડાબરેના હસ્તે ધર્મધ્યક્ષ સ્ટેની ફર્નાન્ડિઝની હાજરીમાં પુરોહિત દીક્ષાથી અભિષિક્ત થયા.

સેવા_અને_સિદ્ધિઓ :

પુરોહિત દીક્ષા મેળવ્યાં બાદ ફાધર ટાઇટસને નડિયાદ નજીક પાલૈયા ખાતે આવેલ સેવા વિદ્યાલયમાં આચાર્ય તરીકે મુકવામાં આવ્યા. સેંટ મેરીઝ નડિયાદ ખાતે તેમનું રહેઠાણ હતું અને દરરોજ જમવાનું ટિફિનમાં ભરીને પાલૈયા જતા હતા. તે સમયે સેવા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 106 જેટલી હતી. આજુબાજુમાં વસેલાં માહોળેલ,કંજોડા અને સાલુંણ જેવાં ગામોમાં ફાધરે લોકસંપર્ક જમાવેલો. પરિણામે આજે આ શાળા વટવૃક્ષ બની છે.

સન 1993 માં નડિયાદ ખાતે ગુજરાતનું પ્રથમ” અખિલ ખેડા યુવા સંમેલન ” ફાધર ટાઇટસના સીધા માર્ગદર્શન હેઠળ ભરાયું. જો કે આ ભગીરથ કાર્યમાં તેમને સી. પુષ્પા. પૉલ, ફા. સીઝર, ફા. માઈકલ ફર્નાન્ડિઝ જેવાં ખમતીધરોનો યોગ્ય સહકાર મળી રહ્યો.

સન 1994 માં તેમને સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ મિર્ઝાપુર ખાતે શિક્ષક તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો. અહીં તેમણે શિક્ષક અને યુવા પ્રવૃત્તિઓના સંકલન કર્તા તરીકેની બેવડી જવાબદારીઓ સફળ રીતે અદા કરી જાણી, જેની શાહેદી આજે પણ આ વિસ્તારના લોકો પુરે છે.

સન 1996 માં ફા. ઝેવિઅર મંજુરન દ્વારા” અખિલ ગુજરાત યુવા સંમેલન ” બોલાવવામાં આવ્યું તેમાં પણ ફા. ટાઇટસે કોરકમિટિનો હિસ્સો બની જરૂરી સેવાઓ પુરી પાડી. યુવકો પ્રતિ તેમનો લગાવ, સેવાઓ અને ક્ષમતાને લક્ષમાં લેતાં સન 1997 માં તેમને આ સંઘના વડા તરીકેનો સમગ્ર કાર્યભાર સોંપવામાં આવ્યો.

સન 1998 માં શ્રદ્ધા ઘડતરના ભાગરૂપે અમદાવાદ ધર્મપ્રાંતમાં 4 દિવસની રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું જેમાં 1150 જેટલાં યુવકોએ પૂરેપૂરો સમય ભાગ લઈને માતા ધર્મસભામાં યુવકોની શામેલગીરીનો પરચો દેખાડેલો. ધાર્મિક રિટ્રીટમાં આટલી મોટી સંખ્યામાં યુવકોની ઉપસ્થિતિનો આ પ્રથમ બનાવ હતો.

સન 1999 માં તેમને પેટલાદ મરિયમપુરાની સેંટ મેરીઝ હાઈસ્કૂલના આચાર્ય તરીકે મુકવામાં આવ્યા. અહીં નોંધવા જેવી બાબત એ ઘટેલી કે માત્ર 7 જ દિવસમાં સ્થાનિક લોકભાગીદારી થકી 9 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકઠી કરીને અમદાવાદ ધર્મપ્રાંતમાં પહેલવહેલું કોમ્પ્યુટર સેન્ટર ઉભું કરેલું. પેટલાદ વિસ્તારમાં આજે કોમ્પ્યુટર ક્રાંતિ સર્જાઈ હોય તો તેનો યશ મહદ અંશે ફાધર ટાઇટસને ફાળે જવો જોઈએ.

સન 2000 ની સાલમાં તેમને World Youth day માં ભાગ લેવા માટે રોમ મોકલવામાં આવ્યા. દુનિયાના યુવા વર્ગની ખૂબીઓ અને ખામીઓનો પરચો તેમને અહીં લાદ્યો હશે તેવું અનુમાન અયોગ્ય તો નથી જ. આ અરસામાં તેઓ ” તેજે રિટ્રીટ ” માં સહભાગી બનવા ફ્રાન્સ પણ ગયા.

સન 2001 માં તેમણે અમદાવાદ ધર્મપ્રાંતના યુથ ડાયરેક્ટરનું પદ છોડ્યું ને તરતજ ધર્માધ્યક્ષની આજ્ઞાને અનુસરીને ” પારિવારિક ખ્રિસ્તી સમાજ ” ( S.C.C. ) ના નિયામક બન્યા. આ સંઘનું 750 જેટલાં આગેવાનોનું પ્રથમ અધિવેશન તેમણે પેટલાદ ખાતે બોલાવ્યું અને લોકો મધ્યે પારિવારિક ખ્રિસ્તી સમાજની ઓળખ ઉભી કરી.

સન 2004 થી 2006 દરિમયાન તેમને સેંટ ઝેવિયર્સ ચાવડાપુરાના આચાર્ય તરીકે નિમવામાં આવ્યાં. ચાવડાપુરામાં આજે અંગ્રેજી માધ્યમની શાળા ખૂબ વખણાય છે તેને ઉભી કરવાનો, ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી લોકો મધ્યે તેની છાપ છોડવાનો સઘળો શ્રેય ફાધર ટાઇટસના અથાગ પ્રયત્નોને ફાળે જાય છે. ચાવડાપુરાના પોતાના કાર્યકાળમાં 5 મહિના માટે તેઓ ન્યુયોર્ક ગયા.

સન 2006 થી સતત સાત વર્ષ માટે એટલે કે 2013 સુધી તેમણે કરુણા નિકેતન હાઈસ્કૂલ બાલાસિનોરનું આચાર્ય પદ નિભાવ્યું. આ સમયગાળા દરમિયાન તેઓ વેસ્ટર્ન રીઝન કેથોલિક કાઉન્સિલ ( W.R.C.C. ) ના સેક્રેટરી પણ બન્યા. સન 2009 માં આખાદેશ માટે ગૌરવી ઘડી આવી હતી. સમગ્ર દેશમાં ઈસુના વધામણાંના ભાગરૂપે ગોવા ખાતે ” ઇસુ મહોત્સવ ” ઉજવાયો હતો. રાષ્ટ્રકક્ષાની આ ધાર્મિક ઇવેન્ટનો સમગ્ર દોરી સંચાર ફાધર ટાઇટસે બાલાસિનોરમાં બેઠાબેઠા કર્યો હતો.

પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યેનો લગાવ દર્શાવતી એક ઘટના બાલાસિનોર ખાતે 31 જાન્યુ, 2009 ના રોજ ઘટી હતી. ડૉન બોસ્કો ની ફિસ્ટમાં ભાગ લેવા તેઓ જીપ લઈ ઘરે જવા નીકળ્યા હતા. ડાકોર પહોંચતાંવેંત તેમને બાલાસિનોરથી સમાચાર મળ્યા કે 5 છોકરાઓને પેટમાં દુઃખે છે. ફાધરે સલાહ સુચન કરી પોતાની સફર ચાલુ રાખી. થોડી મજલ કાપી ને પાછા સમાચાર મળ્યા કે 7 છોકરાને પેટમાં દુઃખે છે. આમ આણંદ સુધી પહોંચવા આવ્યા ત્યાં સુધીમાં તો 40 જેટલા છોકરાઓને પેટમાં દુઃખવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે તેવા સમાચાર મળ્યા. પછીતો કહેવું જ શું ? ફાધરે આણંદ થી આગળ વધવાનું માંડી વાળીને સીધા બાલાસિનોર હોસ્પિટલમાં પહોંચી ગયા ને ફરજ પરના તબીબને કોઈપણ ભોગે પોતાના વિદ્યાર્થીઓની સારામાં સારી સારવાર કરવા ભલામણ કરી. સાંજ સુધીમાં તો તમામ વિદ્યાર્થીઓને સારવાર બાદ હેમખેમ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. બોલો, શું કહેવું ??

સન 2013 ના જૂન માસથી આજ સુધી તેઓ સેંટ ઝેવિયર્સ મિર્ઝાપુર અમદાવાદનું આચાર્યપદ શોભાવી રહ્યાં છે. સાહસ, સમર્પણ, આવડત એવમ કંઈક કરી છૂટવાની ઝંખનાથી ઓતપ્રોત થઈને અમદાવાદ ધર્મપ્રાંતના વિકાસમાં પોતાનો સિંહફાળો આપનાર ઊંચા ગજાના, નોખા વ્યક્તિત્વના માલિક ફાધર ટાઇટસ ડી’કોસ્ટાને આજના ગૌરવી પ્રસંગે અઢળક શુભકામના. પ્રભુ તેમના સંન્યસ્ત જીવનની સાર્થકતાને ચારચાંદલગાવે તેવી અભ્યર્થના.

– હસમુખ ક્રિશ્ચિયન. ” રિશ્તા ” રૂદણ, કઠલાલ.

[wppa type=”slide” album=”64″ align=”center”]Any comment[/wppa]

One thought on “Congratulation on your 25th anniversary of Priesthood Fr.Titus Decosta. May 02, 1992 – May 02, 2017.”

Leave a Reply to Hasmukh christian Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.