Tag Archives: Sadbhavna Parv

સદભાવના ફોરમ -સદભાવના પર્વ – હાર્મની એવોર્ડ.

સદભાવના ફોરમ સમિતિના સભ્યોએ તા ૨૧ ડીસેમ્બરના રોજ મહુવા ખાતે શ્રી મોરારીબાપુની મુલાકાત લીધી અને આગામી વાર્ષિક ‘સદભાવના પર્વ’ની તારીખો નક્કી કરી. દેશમાં સામાજિક સંવાદિતા આજે તાકીદની બની છે અને તેની ઘણી જરૂર ઊભી થઇ છે. આ બાબતને ખાસ લક્ષ્યમાં રાખી પ્રતિ વર્ષ બે એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. એક રાજ્ય કક્ષાએ અને બીજો રાષ્ટ્રીય કક્ષાએ. એવોર્ડનું નામ હાર્મની એવોર્ડ હશે. ગુજરાત રાજ્યમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા અને એજ રીતે દેશમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા કોમી એકતા/સામાજિક સંવાદિતાનું કામ કરતી હોય તેને આ હાર્મની એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડની રકમ એક લાખ રૂપિયા હશે. સદભાવના પર્વ દરમ્યાન આ. શ્રી મોરારીબાપુના વરદ હસ્તે એવોર્ડ પસંદ કરેલને એનાયત કરવામાં આવશે.

 

તસવીરોમાં સદભાવના સમિતિના સભ્યો શ્રી મોરારીબાપુના પી.એ.સાથે મંત્રણાઓ કરતા દેખાય છે. ફાધર વિલિયમ પણ હાજર હતા.

 

ઉમરેઠમાં સામાજિક સંવાદિતા જાહેર સભા – જાન્યુઆરી ૦૫, ૨૦૧૨

ઉમરેઠમાં સામાજિક સંવાદિતા જાહેર સભા

તા. ૫-૦૧-૨૦૧૨ ની સાંજ ઉમરેઠ માટે ચિરસ્મરણીય રહેશે. હિંદુ, મુસ્લિમ અને ઈસાઈ ધર્મગુરુઓ, શ્રી. મોરારી બાપુ, બીશપ થોમાસ મેકવાન અને મૌલવી લુકમાનની ઉપસ્થિતિમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલના પ્રાંગણમાં એક બહુ મહત્વની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાનો ઉદ્દેશ ગુજરાતમાં બધે સામાજિક સંવાદિતા પ્રગટે, પ્રસરે ને કાયમના માટે જળવાય એવો હતો. ત્રણે ધાર્મિક મહાનુભાવોએ તેમના પ્રેરણાદાયી શબ્દોમાં ઉપસ્થિત શ્રોતાગણને ગુજરાતમાં વસતા વિવિધા ધર્મો-સંપ્રદાયોના લોકો વચ્ચે સદભાવ પ્રગટે ને ચિરસ્થાયી બને તે માટે સક્રિય બનવા અનુરોધ કર્યો હતો. પ્રસ્તુત સભા ‘સદભાવના ફોરમ’ ના ઉપક્રમે યોજાઈ હતી. ત્રણ વર્ષ અગાઉ ફોરમ દ્વારા ગુજરાતમાં ‘સામાજિક સંવાદિતા’ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ ફોરમ પ્રતિવર્ષ શ્રી મોરારી બાપુના કૈલાસ આશ્રમ, મહુવામાં ત્રિદિવસીય ‘સદભાવના પર્વ’ નું આયોજન કરે છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી ત્રણસો જેટલાં મહિલા-પુરૂષો કે જેઓ ઉક્ત અભિયાનમાં માને છે અને તેની પરિપૂર્તિ અર્થે સક્રિય બનવાની ઈચ્છા ધરાવે છે તેમને હાજર રહેવા વ્યક્તિગત નિમંત્રણ પાઠવે છે. પર્વમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ નામાંકિત એવા મહાનુભાવો સમાજ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સંવાદિતા સમક્ષ ઊભા થતા પડકારો ને તેના ઉકેલો સંદર્ભે તેમના વિચારો રજુ કરી શ્રોતાગણ માટે સંવાદ અને ચર્ચાની ભૂમિકા બાંધી આપે છે. છેલ્લા ત્રણ પર્વોમાં ગુજરાતમાંથી કેટલાક ઈસાઈઓએ ભાગ લીધો હતો, જોકે તેમની સંખ્યા સંતોષકારક રહી નથી. આ હકીકત ભગવાન ઈસુએ તેમના અનુયાયીઓને શાંતિના દૂત બની શાંતિ અને ભાઈચારાનો પેગામ સર્વત્ર પહોંચાડવાનું ઉમદા મિશન સોંપ્યું છે તેની સભાનતા બહુ ઓછી છે એની ગવાહ પૂરે છે.

ચાલુ સાલે ફેબ્રુઆરી તા. ૨૪-૨૫-૨૬ દરમ્યાન મહુવા (જિ. ભાવનગર) માં ‘સદભાવના પર્વ’ યોજાશે જેમાં મોટી સંખ્યામાં ઈસાઈઓ ભાગ લે જે આવકારદાયક લેખાશે. આ સંદર્ભે ફાધર વિલિયમ (મો.૯૪૨૭૦૨૬૦૮૩) નો સંપર્ક કરવા ભલામણ છે. (પ્રેષક: ફાધર વિલિયમ)