Tag Archives: Hurricane Sandy 2012

ચક્રવાત સેન્ડિ ત્રાટક્યું, તબાહી ફેલાવી ગયું. જાનહાની અને અબજોની ખુવારી. ઓક્ટોબર ૨૯-૩૦, ૨૦૧૨

ન્યુ જર્સીમાં ૨૭ વરસના વસવાટ દરમ્યાન ધણી દુર્ઘટનાઓ ઘટી છે. મારા હિસાબે આ યાદીમાં નીચેની બે દુર્ઘટના ઉપરના ક્રમે આવે છે.

 

૯૧૧ અને ચક્રવાત સેન્ડિ.

 

 

ચક્રવાત સેન્ડિ જેવું ભયાનક વાવાઝોડું ન્યુ જર્સી-ન્યુ યોર્ક વિસ્તારમાં છેલ્લા ૫૦ વરસમાં કોઈએ જોયું નથી. સૂચના અને પ્રસારણ માધ્યમ દ્વારા લગભગ અઠવાડિયા પહેલાંથી સત્તાવાર પૂર્વસૂચના અને ચેતવણી રજૂ કરતા હતા. લોકોને બે-ચાર દિવસ ચાલે એટલી જીવન જરૂરી વસ્તુઓ જેમકે પાણી, ખાદ્યસામગ્રી, ફ્લેશ-લાઈટ વગેરે મેળવી લેવા તકેદારી કરી હતી. દરિયાકિનારાના વિસ્તાર અને નિચાણવાળા વિસ્તારના નિવાસીઓને જરૂરી સામગ્રી સાથે પોતાના નિવાસસ્થાનને બરાબર બંધ કરીને પોતાના સંબંધીને ત્યાં આશ્રય લે અથવા સરકારી આશ્રયસ્થાન પર આશ્રય મેળવી લે એવી આજીજી કરવામાં આવતી હતી. અને પૂરતો સમય આપ્યા પછી રવિવાર, ઓકટોબર ૨૮, ૨૦૧૨ રાતના બાર વાગ્યા સુધીમાં જાહેર વાહનવ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો. અને સોમવારે બપોરથી સેન્ડિનું તાંડવ-નૃત્ય શરૂ થયું તો મંગળવાર વહેલી સવારના ચાર વગ્યા સુધી ચાલ્યું. પવન અને પાણીના પ્રવાહમાં મોટાં વહાણો, આખાને આખા રસ્તા, મકાનોને એના પાયામાંથી ઊખાડી ખસેડી દીધા તો ઘણાં ઘરો હોવાનો કોઈ પૂરાવો પણ ના રહ્યો. પાંચથી દસ ફૂટ પાણી ભરાઈ ગયાં. ૬ ફૂટ પાણી ભારાએલ એક વિસ્તારમાં ૧૧૧ ઘર આગમાં ભસ્મીભૂત થઈ ગયાં. ઘણી જગ્યાએ નેચરલ ગેસના વિસ્ફોટના કારણે આગ લાગી અને ઘણાં ઘર એમાં નાશ પામ્યા. અત્યાર સુધીના અહેવાલ મુજબ ૯૦ વ્યક્તિઓના જીવન સંકેલાઈ ગયા છે. લાખો લોકો વિજળી વગર છે. જાહેર વાહનવ્યવહાર ધીમે ધીમે ચાલુ થઈ રહ્યો છે. પણ આ ઘાવ ભરાતાં વરસો લાગશે અને નિશાન ભૂસાતાં ખબર નહીં કેટલાં! આશા રાખીએ કે આ હોનારતથી અસરગ્રસ્ત સૌની જરૂરિયાત જલ્દીથી પૂરી થાય. સામાન્ય જીવન જલ્દીથી સામાન્ય બને. આ હોનારત દરમ્યાન પોતાની કે પાતાના કુટુંબની ચિંતા કર્યા વગર કામ કરતા સર્વ કાર્યકરોનો આભાર.

 

પરમેશ્વરની પરમ કૃપાથી હું અને મારું સઘળું કુટુંબ મારાં ભાઈ-બહેન અને એમના કુટુંબ સહીત બધાં સહીસલામત છીએ. ન્યુ યોર્ક/ન્યુ જર્સી માં રહેતાં મોટાં ભાગના બધાં ગુજરાતી ક્રિશ્ચિયન કુટુંબો પણ સહીસલામત છે. મિત્રો અને સગાંઓની પાર્થના માટે અમે બધાં આપના આભારી છીએ. ઘણા બધા મિત્રોએ ફોન દ્વારા ટેક્ષ દ્વારા ઈમેલ દ્વારા ફેસબુક દ્વારા અમારી કુશળતા માટે ચિંતા વ્યક્ત કરી છે અમારી કુશળતા માટે પ્રાર્થના કરી છે એ સર્વના અમે આભારી છીએ.

 

બધાંના નામ ના લેતા બે મહાનુભાવોના નામ જણાવવા આવશ્યક સમજું છું. અમદાવાદ ધર્માપ્રાંતના ધર્માધ્યક્ષ માનનીય થોમાસ મેકવાન જેમણે ઈમેલથી સંપર્ક કરી ગુજરાતના ખ્રિસ્તી લોકોની ચિંતા વ્યક્ત કરી અને પોતાની પ્રાર્થનાની ખાત્રી આપી અને બીજા દિવસે ફોન કરી અમારા બધાના સલામતીની પૂછપરછ કરી. આપનો ખૂબ ખૂબ આભાર બિશપ સાહેબ આપના પ્રેમ લાગણી ચિંતા અને પ્રાર્થના માટે.   

 

 

 

ગાંધીનગર ધર્મપાંતના મહા ધર્માધ્યક્ષ માનનીય સ્તાનિસલાઉસ ફર્નાન્ડિઝ ની પણ ઈમેલ આવી અને ગુજરાતના ખ્રિસ્તી કુટુંબોની ચિંતા વ્યક્ત કરી પ્રાર્થાના અને આશિર્વાદથી અભિભૂત કર્યા એના માટે ખૂબ ખૂબ આભારી છીએ.

 

 

 

મારા ઘરને થોડું નુકશાન થયું છે જેના પિક્ચર નીચે જોઈ શકો છો. સોમવાર રાત્રે ૭-૪૨ અમારા વિસ્તારમાં વિજળી પ્રવાહ અટકી ગયો હતો જે મંગળવારે સવારે ૬ વાગે પાછો આવી ગયો હતો. પણ મારા શહેરના ઘણા વિસ્તારમાં વિજળી પાછી ફરતાં બે દિવસ નીકળી ગયા.

 

 

 

મારા ભાઈ કેતનના ઘરે પણ નજીવું  નુકશાન થયું હતું જેના પિક્ચર નીચે જોઈ શકો છો. કેતના વિસ્તારમાં પણ વિજળી પ્રવાહ મંગળવારે રાત્રે પાછો આવ્યો પણ એનાજ ટાઉનમાં બીજા વિસ્તારોમાં હજુ પણ વિજળી પ્રવાહ નથી.

 

 

 

 

મારી ગલીમાં અને આજુબાજુ થયેલ નુકશાનના થોડા પિક્ચર નીચે આપ્યા છે.

 

ઉપરના પિક્ચર તો કશું નથી સેન્ડિની ભયાનકતા જોવા માટે અહીં ક્લિક કરો.

 

 

પ્રતિકૂળ હવામાનના કારણે ગુ.કે.સ.ઓફયુએસએ યોજીત ફાતિમાના દેવાલયનો યાત્રા-પ્રવાસ મોકૂફ રાખવામાં આવે છે.

 

સેન્ડિ નામનું વાવાઝોડું કેરેબિયન ટાપુ પર તબાહી ફેલાવી પૂર જોશમાં અમેરિકાના ઉત્તર-પૂર્વિય વિસ્તાર તરફ ધસી રહ્યું છે. આગાહી પ્રમાણે આ વાવાઝોડું દક્ષિણ ન્યુ જર્સીના હિસ્સા પર પડાવ કરશે. આ વાવાઝોડું ૫૦ થી ૮૦ માઈલનો પવન અને ભારે વરસાદના ઝાપટા લઈને આવશે. જેના કારણે વીજળી વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતા છે. દરિયા કાંઠાના વિસ્તારમાં ભરતીનાં પાણી ફરી વળશે અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે.

 

 

આ વાવાઝોડાની અસર રવિવારથી વરતાવા માંડશે. સુસવાટા મારતા પવન સાથે ભારે વરસાદની શરૂઆત રવિવારથી થઈ જશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ઓક્ટોબર ૨૮, ૨૦૧૨ ના દિવસે યોજેલ ફાતિમાના દેવાલયનો યાત્રા-પ્રવાસ રદ કરે છે. આ પ્રવાસ સાનુકૂળ સમયે ફરીથી ગોઠવવામાં આવશે.

 

હવામાન ખાતા તરફથી અપાતી માહિતી પર ધ્યાન આપતા રહેજો અને જરૂરી સાવચેતી જાળવજો. જરૂરી સામગ્રી જેમકે પીવાનું પાણી, ખાધ્યસામગ્રી, મીણબત્તી, ફ્લેશલાઈટ, રેડિયો અને બેટરી વગેરેની વ્યવસ્થા કરી રાખશો.

 

Please visit New Jersey Office of Emergency Management.

 

પ્રાર્થના કરીએ આ વાવાઝોડું ખાસ વધુ નુકશાન કર્યા વગર પસાર થઈ જાય.