Tag Archives: Gujarati Catholic Samaj of USA

નવા વરસને આવકાર આપવા આવો અને જોડાઓ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો સાથે.

નવા વરસને આવકાર આપવા આવો અને જોડાઓ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો સાથે.

 

GCS-New year-13

પ્રતિકૂળ હવામાનના કારણે ગુ.કે.સ.ઓફયુએસએ યોજીત ફાતિમાના દેવાલયનો યાત્રા-પ્રવાસ મોકૂફ રાખવામાં આવે છે.

 

સેન્ડિ નામનું વાવાઝોડું કેરેબિયન ટાપુ પર તબાહી ફેલાવી પૂર જોશમાં અમેરિકાના ઉત્તર-પૂર્વિય વિસ્તાર તરફ ધસી રહ્યું છે. આગાહી પ્રમાણે આ વાવાઝોડું દક્ષિણ ન્યુ જર્સીના હિસ્સા પર પડાવ કરશે. આ વાવાઝોડું ૫૦ થી ૮૦ માઈલનો પવન અને ભારે વરસાદના ઝાપટા લઈને આવશે. જેના કારણે વીજળી વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતા છે. દરિયા કાંઠાના વિસ્તારમાં ભરતીનાં પાણી ફરી વળશે અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે.

 

 

આ વાવાઝોડાની અસર રવિવારથી વરતાવા માંડશે. સુસવાટા મારતા પવન સાથે ભારે વરસાદની શરૂઆત રવિવારથી થઈ જશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ઓક્ટોબર ૨૮, ૨૦૧૨ ના દિવસે યોજેલ ફાતિમાના દેવાલયનો યાત્રા-પ્રવાસ રદ કરે છે. આ પ્રવાસ સાનુકૂળ સમયે ફરીથી ગોઠવવામાં આવશે.

 

હવામાન ખાતા તરફથી અપાતી માહિતી પર ધ્યાન આપતા રહેજો અને જરૂરી સાવચેતી જાળવજો. જરૂરી સામગ્રી જેમકે પીવાનું પાણી, ખાધ્યસામગ્રી, મીણબત્તી, ફ્લેશલાઈટ, રેડિયો અને બેટરી વગેરેની વ્યવસ્થા કરી રાખશો.

 

Please visit New Jersey Office of Emergency Management.

 

પ્રાર્થના કરીએ આ વાવાઝોડું ખાસ વધુ નુકશાન કર્યા વગર પસાર થઈ જાય.         

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત ફાતિમાના દેવાલય નો યાત્રા-પ્રવાસ ઑક્ટોબર ૨૮, ૨૦૧૨

 

ગુ. કે. સ. ઓફ યુસએ યોજીત ફાતિમાના દેવાલયની યાત્રા-પ્રવાસનું આયોજન કરેલ છે, જેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

 

તારીખ – ઑક્ટોબર ૨૮ ૨૦૧૨ –  રવિવાર

 

સ્થળ:  World  Apostolate of  Fatima,  674 Mountain  View Road East, Washington , NJ 07882

 

           Website: http://www.wafusa.org/

 

સમય: સવારના ૧૧ થી ૧૧:૧૫ સુધીમાં ઉપર જણાવેલા સ્થળ પર હાજર થવું. દરેકને પોત પોતાના વાહનો અથવા ride દ્વારા સમયસર આવવા વિનંતી.

 

          સવારના ૧૧:૩૦ વાગે પવિત્ર ગુલાબમાળાની ભક્તિ (in The Blessed Sacrament Chapel , lower level)
           બપોરના ૧૨ વાગે પવિત્ર ખ્રિસ્ત યજ્ઞ (in The Blessed Sacrament Chapel , lower level) અને

 

ખ્રિસ્ત યજ્ઞ બાદ ભોજન. દરેકે  પોત પોતાનું ભોજન લાવવાનું રહેશે.

 

ભોજન બાદ ગીફ્ટ શોપની મુલાકાત

 

વાતાવરણ/હવામાન કેવું હશે? Washington , NJ 07882 ના તે દિવસના હવામાન માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

 

             https://jagadishchristian.com/wp-content/uploads/2012/10/From-Entrance-gate-to-church.pdf

 

Direction માટે તમારા GPS મા આ સરનામું નાખો: 674 Mountain  View Road East, Washington , NJ 07882 . જે તમને મુખ્ય કોમ્પ્લેક્ષના પ્રવેશદ્વાર સુધી લાવશે. ત્યારબાદ નીચેની લિન્ક સાથે બીડેલ ગૂગલ મેપની pdf ફાઈલનો ઉપયોગ કરી દેવાલય સુધી આવો. (Just follow the arrow signs –> –> from “Entrance gate ” ).

 

ગૂગલ મેપની પીડીએફ ફાઈલ

 

યાદ રહે: આ ખૂબજ મોટો વિસ્તાર છે. જો ભૂલા પડશો તો બહુ જ ઓછા લોકોને તમે પૂછી શકશો. ખુલ્લા દેવાલયની ટોચે પવિત્ર મારીઆનું મોટા કદનું  પુતળું છે જ્યાં તમારે પહોચવાનું છે.

 

 

બધાને મળવાની અપેક્ષા સહ,

 

આભાર,
શાંતિલાલ પરમાર, પ્રમુખ – ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” યોજીત સફળ યાત્રા પ્રવાસ – સેન્ટ પાદરે પીઓ – સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૨

“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” યોજીત સફળ યાત્રા પ્રવાસ

સ્વૈચ્છિક સંસ્થા તરીકે “ગુ. કે. સ. ઓફ યુએસએ” વિવિધ કાર્યક્રમો યોજીને સમાજના સભ્યોને સહયોગી બનાવી સમાજની એકતાને મજબૂત બનાવવાનું મહત્વનું કાર્ય કરે છે. પેન્સિલ્વેનિયા સ્ટેટમાં આવેલા લોકપ્રિય યાત્રાધામની મુલાકાત લેવાનો કાર્યક્રમ બે મહિના અગાઉ સભ્યોના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો.
The National Center for Padre Pio, 111 Barto Road, Barto, PA 19504 એક પવિત્ર યાત્રાસ્થળ તરીકે ખૂબ જાણીતું છે. રોજ હજારો ખ્રિસ્તી યાત્રાળુઓ આ તીર્થધામની મુલાકાત લેતા હોય છે. સપ્ટેમ્બરની ૨૩, ૨૦૧૨ સંત પાદરે પીઓની ૪૪મી પુણ્યતિથિ નિમિત્તે તા. ૨૨ને શનિવારના રોજ “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” દ્વારા બાર્ટો, પેનસીલ્વાનિયા યાત્રાધામના પ્રવાસનું આયોજન કર્યું હતું. જેમાં સમાજનાં ૧૦ કુટુંબના કુલ મળીને ૨૫ જેટલા શ્રધ્ધાળુઓએ (બાળકો સહિત) અતિ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારના ૧૦:૩૦ થી ૧૧ વાગતા સુધીમાં ઉપર્યુક્ત સભ્યો પોતપોતાના વાહનો દ્વારા “સંત પાદરે પીઓનું રાષ્ટ્રીય કેન્દ્ર, ૧૧૧ બાર્ટો રોડ, બાર્ટો, પેનસીલ્વાનિયા ખાતે હાજર થઈ ગયા હતા. હવામાન ખૂબજ ખુશનુમા હતું. નહિ ગરમી કે નહિ વરસાદ! સંત પાદરે પીઓનું અમેરિકા ખાતેનું યાત્રાધામ, બાર્ટો, પેનસીલ્વાનિયામાં ન્યુ જર્સી-ન્યુયોર્કથી લગભગ ૧૦૦ માઈલ દૂર(દોઢ-બે કલાકના) અંતરે અતિ સુંદર સ્થળે આવેલું છે. દર વરસે સંતની પુણ્યતિથિના વીક એન્ડમાં સુંદર કાર્યક્રમો રાખવામાં આવે છે અને દૂર દૂરથી શ્રધ્ધાળુઓ પોતાના ખાનગી વાહન અથવા મોટી બસ ભરીને સંતના અવશેષોના દર્શન કરવા અને માનતા પૂરી કરવા આવે છે.

 

શરૂઆતમાં શ્રી. શાંતિલાલ પરમારે બધાને સંત વિશેની માહિતી આપી હતી, જેવી કે તેમનો જન્મ, કાપુચીન સંઘમાં જોડાવું અને સંઘર્ષ, બંને હાથમાંથી લોહીની ટશરો ફૂટવી, સંઘમાંથી હકાલપટ્ટી, ફરીથી સંઘમાં સ્વીકારની શરતો, ૧૯૬૮મા મરણ અને ૨૦૦૨મા વડા ધર્મગુરુ જોન પાઉલ બીજા દ્વારા સંત થવાની જાહેરાત વગેરે. શ્રી કેતન ક્રિશ્ચિયને, શ્રીમતી કાલાન્દ્રા વિષે માહિતી આપી કે જેમણે આ કેન્દ્રની સ્થાપનામાં કેવો ભાવ ભજવ્યો અને સંતે તેમની દીકરીને સાજાપણું બક્ષ્યું તેનો ચિતાર આપ્યો. ધીમે ધીમે આગળ વધતા સહુ નાના ચેપલમાં ભક્તિભાવપૂર્વક દાખલ થયા અને અહીં સંતના મોટા કદના પૂતળાના દર્શન કર્યા અને પોતાની અરજો રજૂ કરી અને ત્યારબાદ સંતના મોજાને ભક્તિભાવપૂર્વક સ્પર્શ કરી અંગત પ્રાર્થના કરી. ત્યારબાદ આધ્યાત્મિક કેન્દ્રમાં ચાલતા ઉદબોધનમાં સહુ જોડાયા. અહીં ફાધર ડેવિડ વિલતોનનું સંબોધન ચાલતું જ હતું. ફાધરે તેમના બોધમાં દુનિયાનો ઉદ્ધાર દીનતા, દીનતા અને માત્ર દીનતાથી જ થાય તેની ઉપર ખાસ ભાર મૂક્યો. ત્યારબાદ સહુ આર્ક એન્જલ સંત માઈકલના સરઘસમાં જોડાયા. લગભગ ૫૦૦-૬૦૦ જેટલા જાત્રળુઓએ આ સરઘસમાં ભાગ લીધો કે જેમાં કેન્દ્રની બે-એક માઈલની પરિમિતીમાં ફરવાનું હતું. અનીતા ક્રિશ્ચિયને કીધું: “વડોદરાની નિરાધારોની માતાના સરઘસમાં ફરવાની યાદ આવી ગઈ”. સરઘસમાં યાત્રાળુઓની વિવિધતા હતી. કેટલાક ઇટાલિયન અમેરિકન, આફ્રિકન અમેરિકન, વ્હાઈટ અમેરિકન, સ્પેનિશ અને ચીનના લોકો હાથમાં બેનરો લઈને ચાલતા હતા. અમે ગુ. કે. સમાજ ઓફ યુએસએના સભ્યોએ “એક કુટુંબ બનાવો સહુનું” ગીત સમૂહમાં ઉપાડ્યું અને સુંદર રીતે ગાયું. ત્યારબાદ ગુજરાતી/અંગ્રેજીમાં ગુલાબમાળાના દસકા બોલ્યા. સરઘસ પૂરું થતા બપોરનો એક વાગી ગયો. કકડીને ભૂખ લાગી હતી. જમવાની બેઠક વ્યવસ્થા કેન્દ્ર પર પિક્નિક ટેબલોથી સજ્જ મોટા ગઝીબો નીચે હતી. દરેક કુટુંબ ઘરેથી તૈયાર કરી લાવેલા વાનગીઓ: ભેળ, શાક-રોટલી, પૂરી-શાક, ઢેબરાં દહીં, મરચાંનું આચાર અને ફ્રાઈડ ચિકન, ફળફળાદિ વગેરે વિવિધ વાનગીઓને એકબીજા સાથે વહેંચીને સમૂહજમણની મજા માણી તૃપ્ત થયા.

ત્યારબાદ કેન્દ્ર પર આવેલા સંતનું ‘સ્મારકગૃહ’ ની મુલાકાત લેવા ગયા. જ્યાં સંતના જન્મથી મૃત્યુ સુધીની જીવનયાત્રાનો આખો ઇતિહાસ આપેલો છે. તેઓ કેવી રીતે રહેતા, જે વસ્તુઓ દૈનિક જીવનમાં અને ધાર્મિક જીવનમાં વાપરતા, કઈ કાર વાપરતા તે આ સંગ્રહસ્થાનમાં છે. ઊડીને આંખે વળગે તેવું સંતના હાથોમાંથી જે લોહીની ટશરો ફૂટતી અને તેને જે રૂમાલથી લૂછતાં તે લોહીના ડાઘા સાથે સાચવેલ છે. સંતે પહેરેલાં ઝભ્ભા અને અન્ય વસ્ત્રો તથા રોજબરોજ વપરાશમાં લેવાતી વસ્તુઓ છે. સંત ઘોષિત કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થતી કેવી ચમત્કારિક નિશાનીઓ થઈ તે દર્શાવતી ૧૭ મિનિટની ફિલ્મ સહુએ નિહાળી. છેલ્લે ગિફ્ટ શોપમાંથી યાદગીરીરૂપે રોઝરી, ફ્રીઝ મેગ્નેટ, છબીઓ, કી-ચેન, પૂતળા વગેરીની ખરીદી કરી બહાર નીકળ્યા.

 

કેન્દ્રની બહાર સંતના મોટા પુતળા આગળ ફોટો ફંક્શન કરી છેલ્લે એકબીજાનો આભાર માની છુટા પડતા શ્રી કેતન ક્રિશ્ચિયન બોલ્યા: “હવેથી આજ અમારું ખંભોળજ હશે! આપણે સહુ ખૂબજ નસીબદાર છીએ કે આપણને આવા દર્શન કરવાનો અવસર મળે છે!” સવારના ૧૧થી સાંજના ૪:૩૦ સુધી પવિત્ર યાત્રાધામની સંગતમાં શાંતિ અને શ્રધ્ધાનો અનુભવ થયો. સમાજના પ્રમુખશ્રી શાંતિલાલ પરમારના યાત્રા-પ્રવાસ આયોજનને સૌએ બિરદાવ્યું. દર વર્ષે સપ્ટેમ્બરના ‘ત્રીજા વીકએન્ડ’ સમાજના ઉપક્રમે આ યાત્રાધામનો પ્રવાસ યોજવાની સૌએ સંમતિ દર્શાવી. બધાંને હેમખેમ લાવેલા એ જ રીતે પાછાં હેમ-ખેમ ઘરે પહોંચાડે એવી પ્રભુ-પ્રાર્થના સાથે બધાંએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.
હે સંત પાદરે પીઓ, અમારા માટે વિનંતી કરો!

 

આ યાત્રા-પ્રવાસમાં નીચેના શ્રધ્ધાળુ સભ્યો જોડાયા હતા:
(૧) શ્રી જોસેફ પરમાર (૧)
(૨) શ્રી જગદીશ ક્રિશ્ચિયન (૧)
(૩) શ્રી શાંતિલાલ પરમાર (૩)
(૪) શ્રી રાજ મેકવાન (૪)
(૫) શ્રી અમિત મેકવાન (૪)
(૬) શ્રી કેતન ક્રિશ્ચિયન (૪)
(૭) શ્રીમતી મીના ક્રિશ્ચિયન (૩)
(૮) શ્રી જીગર રાઠોડ (૨)
(૯) શ્રી જેમ્સ જાખરિયા (૧)
(૧૦) શ્રીમતી કોકિલા પટેલિયા (૨)

 

હેવાલ સંકલન જગદીશ ક્રિશ્ચિયન –માહિતી સૌજન્ય: શ્રી. જોસેફ પરમાર અને શાંતિલાલ પરમાર,
ચિત્રો-કેમેરા: જગદીશ અને કેતન ક્રિશ્ચિયન તથા રજની અને અમિત મેકવાન. September 25, 2012
પાછાં ફરતી વખતે અમે એક ખેતર (ફાર્મ) માં આંટો મારવા ગયા હતા. અને ૧૯૨૦થી ચાલતી ડેરીના હોમમેડ આઈસ્ક્રીમની મઝા માંણ્યા વગર ના રહી ના શક્યા. જુઓ…………