Tag Archives: Fr. Raymond Chauhan

Congratulations to Fr. Raymond Chauhan for competing 29 year in priesthood.

” મૌખિક બોલાતી 4 જેટલી આદિવાસી ભાષાઓને વ્યાકરણબદ્ધ કરનાર ફા. રેમન્ડ ચૌહાણ આજે સંન્યસ્ત જીવનના 30 માં વર્ષમાં પ્રવેશ્યા “.
રાષ્ટ્રીય શાયર રવિન્દ્રનાથ ટાગોરની ” ગીતાંજલી ” નો ડાંગી ભાષામાં અનુવાદ કરનાર તથા ગામીતભાષાના વ્યાકરણ પર પુસ્તક લખી સન 1997 માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તકનો ખિતાબ પોતાને નામે કરનાર પક્કા અમદાવાદી ફાધર રેમન્ડ ચૌહાણ આજે પોતાની યાજ્ઞિક દીક્ષાના 30 વર્ષમાં પ્રવેશ્યાં છે.
13/9/1955 ના રોજ અમદાવાદના સરસપુર ખાતે જન્મનાર ફા. રેમન્ડ ચૌહાણે આદિવાસી સંસ્કૃતિને ધબકતી રાખવા જે જહેમત ઉઠાવી છે તેને પેઢીઓની પેઢીઓ સુધી કોઈ ભૂલી ના શકે.
ફાધર રેમન્ડ ચૌહાણે સન 1974 – 77 દરમિયાન સેંટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદથી અંગ્રેજીમાં સ્નાતક ની પદવી ગ્રહણ કરી હોવા છતાં પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે મૌખિક બોલાતી ગામીત, ડાંગી, વસાવી અને ચૌધરી જેવી આદિવાસી ભાષાઓના વિકાસમાં પોતાનો જીવ પરોવી દીધો.
30/04/1988 ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બિશપ ફ્રાન્સિસ બ્રિગેન્ઝા ના હસ્તે પુરોહિત દીક્ષા પામ્યા બાદ 3 વર્ષ માટે તેઓ ઝંખવાવમાં મદદનીશ સભાપતિ તરીકે રહ્યાં. અહીં તેઓ વસાવી અને ચૌધરી ભાષા શીખ્યા. 1991-94 દરિમયાન ઉનાઈમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ ગામીત ભાષા શીખ્યા અને તેના ફળ સ્વરૂપે ” ગામીત લગ્નવિધિ ગામીત લગ્નગીતો અને સૃષ્ટિગાન જેવા સંગ્રહો બહાર પાડવાનું સદભાગ્ય પામ્યા. 1994-96 ના સમયગાળામાં તેમને માંડળ મુકવામાં આવ્યા જ્યાં તેમણે ગામીત ભાષાનું વ્યાકરણ લખ્યું જેને સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યું. 1999 માં એક વર્ષ માટે તેમને તારાપુર નજીક વરસડા ખાતે મુકવામાં આવ્યા જ્યાં તેમણે નાની દીકરીઓના સંઘના બંધારણના લેખનનું કાર્ય કર્યું.
બાઇબલમાં આવતા 150 સ્તોત્રો ને ગામીત ભાષામાં ગાઈ શકાય, નાચી શકાય એવા રાગોના અનુવાદનો ગ્રંથ ” ગીતાહજરો ” તેમણે 2000 – 2002 દરમિયાન દઢવાડા ખાતેની પોતાની સેવાઓ દરમિયાન કર્યો. 2002 – 06 ના સમયગાળામાં તેમને વ્યારા મુકવામાં આવ્યા જ્યાં તેમણે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલીનો ગામીતમાં અનુવાદ ઉપરાંત આદિવાસી ગામીત જાતિમાં હોળીનો તહેવાર અને ગીતોનું પુસ્તક એવં ઓડિયો સીડી તથા પવિત્ર અઠવાડિયાની વિધિઓનું ગામીત પુસ્તક બહાર પડ્યું. 2006 – 07 સાગબારા રહ્યા અને 2008 થી 2013 શામગહાન ખાતે નિમણૂક પામ્યા.
વસાવી ભાષાના વ્યાકરણ નું કામ તેમણે ગુર્જરવાણીમાં રહીને કરેલું.
પુરોહિત તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ ગુજરાતી અને ગામીત ભાષાની અનેક ઓડિયો સીડી બહાર પાડી ચુક્યા છે. 2007 માં ” મારી શ્રદ્ધા ” નામના પુસ્તકના અનુવાદમાં પણ તેમણે ફા. ઇસુદાસ કવેલીને ઘણી મદદ કરી હતી.
30 દિવસની લાંબી રિટ્રીટ માટે સંત ઇગ્નાસ પ્રેરિત જીવન સાધના ના અનુવાદનો શ્રેય પણ ફા. રેમન્ડ ને ફાળે જાય છે. આ ઉપરાંત ફા. ટોમી ડી’મેલો નું પુસ્તક ” Swan Song ” નો ગુજરાતી અનુવાદ ” હંસ ગાન ” પણ તેમણે કર્યો છે. સુરત વીર નર્મદ યુનિવર્સીટીમાં છેલ્લા ત્રણ વર્ષથી M.A. માં ગુજરાતી લોક સાહિત્યમાં બીજા વર્ષના ચોથા સેમિસ્ટરમાં તેમના દ્વારા લેખિત ‘ ગામીત દંતકથાઓને ટેક્સ્ટ બુક તરીકે શામેલ કરવામાં આવી છે. ડાંગી અને ગામીત ભાષાઓને people linguistic serve of India માં ભાષા તરીકે રજીસ્ટ્રેશન કરાવીને આદિવાસી ભાષાઓને દુનિયાના ફલક પર મુકનાર સંગીતના ખેરખાં, ભાષાવિદ ને આજના દિવસે અમારી અઢળક શુભકામના
હસમુખ ક્રિશ્ચિયન ” RISHTA ” 30/4/2017