અંજલી (રણાસણ) સંસ્થાનો ૨૫મા વર્ષમાં પ્રવેશ

ANJALI

 

મોડાસા નજીક આવેલ એક નાનાશા ગામ રણાસણમાં ગામમાં જન્મેલા ડો. લલિત શાહ અને મુંબઈમાં જન્મેલ અને ઉછરેલ લેબ પેથોલોજીસ્ટ અનિતાબેને આશરે ત્રીસ વર્ષ પહેલા લગ્ન કરીને કોઈ એક પછાત વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને ઉપલબ્ધ કરવાનો સંકલ્પ કર્યો અને રણાસણ ગામમાં ૨૫ સાલ પહેલા એક નાનું દવાખાનું – ડીસ્પેન્સરી શરુ કરી. શરૂઆતમાં ગામના લોકોને એમના પર ઝાઝો વિશ્વાસ બેસતો નહોતો પરંતુ તેમની નિષ્ઠા અને ગરીબ દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતી અને કાળજી જોઇને ધીમે ધીમે તેમના દવાખાને દર્દીઓ સારવાર માટે આવવા લાગ્યા અને એમ તેમની લોકપ્રિયતા વધવા લાગી.

 

લલીતભાઈ  તથા અનીતાબેનનો આશય તો પૈસા કમાવાનો નહિ પણ ગ્રામ્ય વિસ્તારમાં શ્રેષ્ઠ કક્ષાની આરોગ્ય સેવા પૂરી પાડવાનો જ હતો જે ચોપાસના અને ખાસ કરીને તો તેમના રણાસણ ગામના લોકોએ સ્પષ્ટ જોઈ લીધું અને આ યુગલ પ્રતિનો તેમનો અભિગમ બદલાયો અને તેમના કામમાં સહકાર મળવા લાગ્યો.

 

પાંચેક વર્ષો પછી તેમને ગામની ભાગોળે આવેલી પડતર જમીન બહુ ઓછી કિંમતે મળી અને તેમાં એક નાનું મકાન બાંધી દવાખાનું શરૂ કર્યું. દર્દીઓ ઉભરાવા લાગ્યા ને જગાની ખોટ પડી એટલે દાનની અપીલ કરી આર્થિક મદદ મેળવીને મકાન મોટું બનાવ્યું અને તેમાં આઉટડોર દર્દીઓને પણ રાખવાની સુવિધા ઉભી કરી. પછી તો આંખના ઓપરેશન, સુવાવડ વગેરે પ્રકારની સેવાઓ આપવા માંડી.લલીતભાઈ તથા અનીતાબેનની સેવાભાવના જોઇને તેમના મિત્રોનો સહકાર મળવા લાગ્યો. વડોદરા ને અમદાવાદમાં રહેતા ને  પ્રેકટીશ કરતા કેટલાક ડોક્ટર સ્પેસીઆલીસ્ટોએ અહી સપ્તાહમાં એક વાર યા મહિને એક વાર આવીને મફત પોતાની સેવા આપવાની ઓફર કરી જેથી સાધનવિહોણા દર્દીઓને ઓછી ફી લઈને દવા આપી શકાય. આજે અહી સ્કીન સ્પેશીયાલીસ્ટ, ટીબી સ્પેશીયાલીસ્ટ તથા અન્ય સ્પેશીયાલીસ્તો વિનામૂલ્યે પોતાની દાકતરી  સેવાઓ આપવા આવે છે. ડો કલ્પેશ વડોદરામાં જાણીતા યુવાન સર્જન છે તે રવિવારે છેક વડોદરાથી પોતાની કાર લઈને અહી આવે છે અને આખો દિવસ રહીને દર્દીઓના ઓપરેશન મફત કરી આપે છે. આજે અંજલી દવાખાનામાં નિયમિતપણે આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે અને ચોપાસના ખાસ કરીને  તો ઊંડાણનાં આદિવાસી વિસ્તારોમાં નિયમિતપણે એમ્બુલન્સ દ્વારા પહોંચીને મોતિયાના ઓપરેશન કરાય છે.

 

રણાસણ અને તેના ચોપાસના ગામોમાં આજે પણ આઝાદીના સુફળ પહોંચ્યા નથી. ગરીબી ઘણી છે. અંધશ્રદ્ધા તથા વ્યસનોની બુરાઈઓ લોકોને પજવે છે. મહિલાઓમાં શિક્ષણનો મોટો અભાવ છે, ખર્ચાળ સામાજિક રિવાજો ને અસ્પૃશ્યતા પ્રવર્તે છે. અનિતાબેને આ સમસ્યાઓને હલ કરી લોકોને તેમાંથી મુક્તિ અપાવવાનો  પડકાર કર્યો છે ને એક સેવાભાવી મહત્વકાંક્ષી યુગલ કીર્તિ અને અલકાનો સાથ લઇ ઝુંબેશ ઉપાડી છે. ચોપાસના પાંચ તાલુકાનાં ૪૮ ગામોમાં મહિલાઓ સાથે તેઓએ ૧૨૧ જેટલા મહિલા મંડળો બનાવીને તેમને બચત કરતા શીખવાડી આર્થિક રીતે પગભર કરી છે ને એમ શાહુકારોના પંજામાંથી છોડાવ્યા છે. મહિલાઓએ અત્યાર લાગી કરેલી કુલ બચત રૂ ૫૪,૭૩,૧૬૯ થાય છે ને તેમને રૂ. ૧,૧૯,૩૮,૩૨૦નુ ધિરાણ કરાયું છે જેમાંથી રૂ. ૮૪,૭૧,૯૩૨ પરત થયું છે. મહિલાઓ વિવિધ જરૂરિયાતો  માટે ધિરાણ લેતી હોય છે અને કુટુંબ નિભાવે છે. મંડળો દ્વારા અભણ મહિલાઓને ભણી ગણીને શિક્ષિત થવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આજે ઘણી મહિલાઓ વાંચતા લખતા થઇ ગઈ છે.
ચાલુ સાલે અંજલી સંસ્થા તેના ૨૫મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. તા ૨૯ જાણ્યું. નાં રોજ રજત જયંતીમાં પ્રવેશનો ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો ને ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોપાસના ગામોમાંથી વડીલો, દાતાઓ, શુભેચ્છકો તથા સેવા આપતા ડોકટરોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ને મોટી સંખ્યામાં તેઓએ હાજર રહીને અંજલી સંસ્થા વિષે વધુ માહિતી મેળવી તેની કદર ને પ્રશંસા કરી હતી.

 

ફાધર વિલિયમ અંજલીના આરંભથી ડો લલિત તથા અનીતા બેન સાથે જોડાયેલા છે ને ઘણી વાર અહી મુલાકાત પણ લે છે. અંજલી તેમને પોતાના પરિવારના ગણે છે. આજની ગોષ્ઠીમાં તેઓ પ્રમુખ સ્થાને હતા અને તેમના ઉદબોધનમાં તેમને અંજલી દ્વારા ઉપલબ્ધ કરાતી સેવાઓના ભરપટે વખાણ કરીને બિરદાવી હતી અને સાથે સાથે દાતાઓના ઔદાર્ય બદલ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં તે અવિરતપણે ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

 

(પ્રેષક: ફાધર વિલિયમ)

સહયોગ કુસ્ટરોગ સંસ્થા પોતાનું રજક જયંતી વર્ષ ઉજવી રહી છે.

SAHYOG 1

 

સાબરકાંઠા જીલ્લામાં મોડાસા નજીક આવેલ રાજેન્દ્રનગરમાં રકતપિતગ્રસ્તો માટે સહયોગ કુસ્ટરોગ નામે જાણીતી સંસ્થા આવેલી છે . ચાલુ સાલે સંસ્થા તેના ૨૫ વરસ પુરા કરીને રજત જયંતી મહોત્સવ ઉજવે છે . તા ૩૦ જાન્યુઆરી ‘ગાંધી નિર્વાણ  દિન’ રક્તપિત્ત નિર્મુલન દિન પણ છે . આ દિવસે અહી ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે . કાર્યક્રમમાં સંસ્થાને આર્થિક તથા અન્ય રીતે સહકાર આપતા સેવાભાવી લોકો મોટી સંખ્યામાં આવે છે . ચાલુ સાલે પણ રજત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો .સહયોગ સંસ્થાના પ્રણેતા શ્રી સુરેશ સોની છે . તેઓએ મોટા પગારની વડોદરા એમ એસ યુની કોલેજમાં મેથેમેટીક્સ્ના પ્રોફેસરની નોકરી છોડી દઈને રક્તપિત્તગ્રસ્તોની સેવામાં જીવન અર્પી દીધું છે .સહયોગ સંસ્થા ૨૮ એકર જમીનમાં પથરાયેલી છે જે દાનમાં મળેલી છે . રક્તપિત્તગ્રસ્તો સાથે અહી મંદબુદ્ધિના કિશોરો ને કિશોરીઓ માટે પણ સુવિધા ઉપલબ્ધ છે . પરિસરમાં રક્તપિત્તગ્રસ્તોના બાળકોને ભણવા માટે એક પ્રાથમિક શાળા પણ શરુ કરવામાં આવી છે .સંસ્થાના પ્રવેશદ્વારે એક સર્વધર્મ મંદિર પણ છે જેમાં મુલાકાતીઓ પ્રાર્થના અને ધ્યાનમાં બેસી શકે છે . આશરે ૧૫ કી મી દૂર શામળાજી તીર્થધામ આવેલું છે . તીર્થધામે જતા જાત્રાળુઓ માટે સહયોગ સંસ્થામાં રાતવાસો કરવાની પણ સુવિધા ઉપલબ્ધ છે .

 

ફાધર વિલિયમ આ સંસ્થા સાથે તેની શરૂઆતથી જોડાયેલા છે ને વિવિધ રીતે આ સેવાપ્રવૃત્તિમાં સહકાર આપે છે . રજત જયંતી મહોત્સવમાં તેમને ખાસ આમંત્રણ હતું ને તે ઉપસ્થિત રહ્યા હતા .આ દિવસે અહીના પરિસરમાં સાયંસ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું જેનો લાભ રક્તપિત્તગ્રસ્તોનાં બાળકો તથા ચોપાસના ગામોના વિધ્યાર્થીઓને પણ મળી રહેશે .

 

(પ્રેષક: ફાધર વિલિયમ)

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…