Category Archives: News & Events

OASIS VALLEYSની મુલાકાતે . . . જુઓ…. જાણો…. અને જોડાઓ

 

 

છેલ્લાં બે સપ્તાહથી આશાદીપ વિદ્યાનગરમાં હોલેન્ડની બે કોલેજિયન યુવતીઓ અહીનું લોકજીવન નિહાળવા અને તેનો અભ્યાસ કરવાના ધ્યેયથી આવી છે ને જુદી જુદી જગ્યાએ જઈને બધું જૂએ છે  ને રહીને અનુભવ કરે છે. તા 17  મીના રોજ હું તેમને ચાણોદમાં નર્મદા નદીને કિનારે કોતરમાં ઉભું કરેલ એક જાણીતું કેન્દ્ર કે જે ઓએસીસ  વેલીસ (OASIS VALLEYS) તરીકે ઓળખાય છે તે જોવા લઇ ગયો હતો.

            

 

આશરે વીશેક વરસો  પહેલા વડોદરામાં કેટલાંક યુવક યુવતીઓએ ભેગાં મળીને સમાજ માટે કૈંક કરવાનો સંકલ્પ કર્યો અને ઓએસીસ નામે સંજીવ શાહની આગેવાની હેઠળ એક ગ્રુપ શરુ કર્યું. ગ્રુપના સભ્યો પાંચ વરસ સુધી સાથે રહ્યા અને શું કરવું તેની ચર્ચા વિચારણા તથા મનોમંથન કર્યું. ગ્રુપ સાથે હું તેની શરૂઆતથી મિત્ર રહ્યો છું અને તેમને સાથ સહકાર આપતો આવ્યો છું. બધાં યુવકયુવતીઓ શિક્ષિત, સંસ્કારી અને સામાજિક નિસબત ધરાવતી  આશાસ્પદ વ્યક્તિઓ છેતેઓ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા સમાજમાં જવાબદાર નાગરીકો ઘડવા ને પેદા કરવા માટે પ્રયત્નશીલ રહે છે. સામાન્ય પ્રકારનું અને ચીલા ચાલુ જીવન જીવવા કરતા કૈંક જુદા પ્રકારની જીવનશૈલી અપનાવવી એવો તેમને સંકલ્પ કર્યો છે. મનગમતી ને જીવનમાં આનંદ આપે તેવી પ્રવૃતિઓ કરાવી ને તેમાંથી જીવન નિર્વાહ માટે આવક પેદા કરાવી એવું તેઓ માને છે ને એમાં સફળ પણ થયા છે.    

 

 

ચાણોદમાં નર્મદા નદીના કોતરોમાં જેમાં કશુજ ઊગી શકાતું નહોતું  તેવી ખરાબાની જમીન કોઈએ તેમને વેચી. ગ્રુપે આજે જમીનની કાયા પલટી  નાખી છે. આજે અહી વિવિધ પ્રકારના ૪૦૦૦ વૃક્ષો ઉગાડ્યાં છે ને એકેય ઝાડ એવું નથી કે જે નકામું હોય ને કશા કામમાં આવતું હોય. તેઓ વિલાયતી ખાતરના વિરોધી છે અને માત્ર ને માત્ર દેશી (ઓર્ગનીક) ખાતર વાપરે છે ને બનાવે પણ છે. ફાર્મ અને ગ્રુપ વિષે મારે એટલું બધું કહેવાનું છે કે આજે તે માટે સમય અને અવકાશ નથી. છેલ્લા કેટલાંક વખતથી તેઓએ શાળાઓમાં ભણતાં કિશોરકિશોરીઓના વ્યક્તિ ઘડતરની શિબિરોનું આયોજન કરવાનો આરંભ કર્યો છે ને તેમાં સફળ થયા છે. ખુદને મને તેમની સદ્પ્રવૃતિ  ઘણી ગમે છે ને મારી રીતે ત્યાં કોઈને મોકલવાનો પ્રયાસ કરું છું.        

 

 

ઓએસીસ વેલીસ નાં ઉદ્ઘાટન પ્રસંગે ગ્રુપના મિત્રોને તેમને આમંત્રણ આપ્યું હતું જેમાં મારો પણ સમાવેશ કર્યો હતો ને ત્યાં જઈને મેં ઘણો આનંદ માન્યો હતો.

 

ફાધર વિલિયમ

 

જીવનનાં ૭૫ વરસ પૂરાં કરવા બદલ માનનીય ફાધર વિલિયમ ને ખૂબ ખૂબ અભિનંદન ૧૦-૧૧-૧૨ નવેમ્બર ૧૦, ૨૦૧૨.

ભારતીય કેલેન્ડર પ્રમાણે આજે તારીખ છે ૧૦-૧૧-૧૨ અને જોગાનુજોગ આવો સંયોગ દર હજાર વરસે જ આવે. આજના જ દિવસે ગુજરાતના માનાનીય ફાધર વિલિયમ પોતાના જીવનાનાં ૭૫ વરસ પૂરાં કરે છે એ પણ અનન્ય જોગાનુજોગ છે. ઈશ્વરને પ્રાર્થના કે ફાધરને સ્વસ્થ અને દીર્ઘ આયુષ્ય બક્ષે જેથી ગુજરાતના માત્ર ખ્રિસ્તીઓ જ નહીં પણ સમગ્ર ગુજરાતી પ્રજાની સેવા કરતા રહે અને સામાજિક સંવાદિતતા પ્રસરાવતા રહે. આ પ્રસંગે વાંચો ફાધર વિલિયમનો પોતાનો સંદેશ.

 

 

આજે મારા જીવનના ૭૫ વર્ષ પુરા થાય છે. ઈશ્વર પિતાએ મને સુસ્વાસ્થ્યની અણમોલ ભેટ આપી તે બદલ એનો ખૂબ ખૂબ આભાર. એણે મને અનેક ભેટોથી જીવનમાં નવાજ્યો છે. તેમાં એક મોટી ભેટ આ છે.: બીજાઓની ધાર્મિક માન્યતાઓ પ્રતિ માન અને સન્માન. મારા હિંદુ-મુસ્લિમ બધા મિત્રોએ મારી આવી ભાવનાની વારંવાર કદર કરી છે ને મને બહુ આદર પણ આપે છે. ઈશ્વર પિતાની આ અમૂલ્ય ભેટને કારણે આજે હું ઈશ્વરનાં દર્શન ચોપાસ બધે કરી શકું છું ને એમ ઈશ્વરના દર્શનની મારી ક્ષિતિજ વિસ્તરી છે. આ કિંમતી ભેટને કારણે ગુજરાતમાં સામાજિક સંવાદિતા સર્વત્ર પ્રગટે એ માટે આરંભાયેલ અભિયાનનો હું એક હિસ્સો બની શક્યો છું ને આ. મોરારી બાપુ સાથે રહીને મારી ભૂમિકા ભજવી ઝુંબેશમાં મારું પ્રદાન કરી શકું છું. આદરણીય શ્રી મોરારી બાપુનો મને ગાઢ પરિચય થયો તેના લીધે આપણી પ્રવૃતિઓ વિષે તેમને સાચી માહિતી આપીને આપણા પ્રત્યે સદભાવના પણ પેદા કરી શક્યો છું ને તેમની સાથે મૈત્રી કેળવી છે. આ સાથે કેટલીક તસ્વીરો મૂકું છું તેમાં જેસુઈટ ફાધર રૂડી હેરેડીઆ, લેન્સ્ય લોબો, આર્ચ બીશપ સ્ટેની ફર્નાન્ડીસ, મદની શરીફ શેઠ (જમાતે ઇસ્લામ હિન્દ), સંજય-તુલા (વિશ્વગ્રામ) … ગુજરાતમાં કોમી સદભાવ પ્રગટે, પ્રસરે ને કાયમ માટે ટકી રહે એ માટે પ્રયત્નશીલ છે તે દેખાય છે. 
ફાધર વિલિયમ

જેસુઈટ સંઘના આદર્શો ને સિદ્ધાંતો વિષયે કાર્યશાળા – સેન્ટ વિન્સેન્ટ કોલેજ, પૂને

        

 

 

જેસુઈટ શૈક્ષણિક તેમજ  અન્ય સંસ્થાઓમાં સેવા બજાવતા કર્મચારીઓ જેસુઈટ આદર્શો અને જેસુઈટ સંઘના ઉદ્દેશથી પરિચિત થાય અને તેમના દ્વારા એ આદર્શો અને ઉદ્દેશો વિદ્યાર્થીઓ તથા લાભાર્થીઓમાં સિંચન થાય એવા શુભાશયે તાજેતરમાં પુને ખાતે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી જેસુઈટ ફાધરો અને કર્મચારીઓ મળીને લગભગ વીસેક જણે તેમાં ભાગ લીધો હતો. અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં  જેસુઈટ ફાધરો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

 

 

 

વર્કશોપનું સંચાલન અમેરીકન  મેનેજમેન્ટ  નિષ્ણાત  ક્રીસ લોઉંન્યે કર્યું હતું. તેઓ જેસુઈટ સંઘમાં જોડાયા હતા અને થોડા સમય બાદ સંઘને છોડી દઈ સંઘના સ્થાપક સંત ઇગ્નાસના સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરવાની તેઓએ ઝુંબેશ ઉપાડી છે. તેઓ માને છે કે પ્રસ્તુત ઉદ્દેશો એટલા ઉમદા ને અસરકારક છે કે તે દ્વારા મહાન લીડરો અને સામાજિક પરિવર્તનના ઘટકો પેદા કરી શકાય છે.

 

વડોદરા સ્થિત ‘રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદન” ના ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન.

 

વડોદરા સ્થિત “રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદને” ઓક્ટોબર ૨૮, ૨૦૧૨ રવિવારના રોજ અત્રેની પ્રાથમિક શાળામાં એક નિઃશુલ્ક જનરલ મેડીકલ તપાસ તથા ડાયાબીટીસ કેમ્પનું આયોજન કરેલ. આરંભમાં, અત્રેના સંત જોસેફ દેવાલયના ધર્મગુરૂ ફા. લુકાસ એસ. જે. એ પ્રાર્થના સાથે આશીર્વચન પાઠવ્યાં હતાં. પ્રાર્થના બાદ, એક નાના સમારંભમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી સ્મિતા મેકવાને પોતાના વકતવ્યમાં સંસ્થાની સ્થાપના, ધ્યેય અને ભાવિ કાર્યક્રમોની રૂપરેખા અંગે વાતચીત કરી હતી. આર્થિક રીતે પછાત એવા વિસ્તારો આવરી લેતા આ કેમ્પમાં ૨૫૦ જેટલા જરૂરિયાતમંદ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. લાભાર્થીઓને મફત તબીબી નિદાન ઉપરાંત ડાયાબીટીસની મફત તપાસ અને દવાઓનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત આણંદના શ્રી. કનુભાઈ પરમારે, સંસ્થા આગામી વર્ષોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. પુર્ણાહુતિ સમયે, સભાપુરોહિત ફા. જયંત રાઠોડે તબીબો તથા સ્વયંસેવકોને સેવાની કદરરૂપે પ્રમાણપત્ર એનાયત કર્યાં હતાં.
સમાચાર: શ્રી. બકુલ મેકવાન, વડોદરા.