All posts by admin

એક નવું દર્શન! ફાધર વિલિયમનો અનુભવ એમના શબ્દોમાં……….

            

 

ગઈ કાલે મેં મારા ભાઈઓ તથા બેનોના પરિવારો સાથે મારા ગામમાં મારા ઘરમાં બધા સાથે બેસીને મારાં ૭૫ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી કરી. મારો એક ભત્રીજો સુનીલ પણ પુરોહિત છે ને તેને ગઈ સાલ દીક્ષા મળેલી તેની સાથે ઘરમાં પરિવારજનોના મોટા સમૂહ સાથે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો ને ભૂતકાળનાં ઘણાં સુખદ સંસ્મરણો વાગોળ્યાં જે બધાને બહુ ગમ્યું ને બહુ આનંદ માન્યો. ઠીક, આ બધું તો બરાબર છે પણ મારે જે કહેવું છે તે કૈંક જુદું છે ને મારે માટે પણ એ નવો અનુભવ છે. તો સાંભળો:

 

          મારી સાથે મારા બીજા ભાઈઓ ને બહેનો પણ હતાં ને અમે સૌ અમારા પરિવારજનોના કાકા, મામા, દાદા-દાદીઓ હતાં. પણ હું જુદા પ્રકારનો કાકા, મામા . . .હતો. મારા ભાઈઓ મારી જેમજ કાકા ને મામા હતા પણ સાથે સાથે તે કોઈના પપ્પા . . .પણ હતા અને એ રીતે વહેચાયેલા હતા ! માત્ર હું એકલો જ એવો હતો કે જે વહેચાયેલો ન હતો ને એમ મારા ભત્રીજાઓ, ભત્રીજીઓ, ભાણીઓ ને ભણાઓ માટે પૂરેપૂરો-અવિભાજ્ય- કાકો ને મામો હતો! કારણ હું ફાધર તરીકે અપરણિત હોવાને કારણે વહેચાયેલો નથી. આનંદની વાત તો એ છે કે જ્યારે તેઓ મને મળતાં, બોલાવતાં, ભેટતાં ને શુભેચ્છાઓ પાઠવતાં ત્યારે આ હકીકત બહુ જ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. તેઓને માટે બીજા કાકા ને મામા પણ ત્યાં હતા પણ તે બધા જાણે કે વહેચાયેલા હતા જ્યારે હું એકલો જ પૂરેપૂરો તેમને માટે કાકા કે મામા હતો. આવી ક્ષણોએ મને મારા બ્રહ્મચર્યના વ્રતનું મહત્વ સમજાયું ને અનહદ આનંદ થયો. આ વ્રતને કારણે હું પૂરેપૂરો, બધો જ બીજાને માટે છું, અમૂક લોકો કે અમૂક સમાજ કે  જ્ઞાતિ પૂરતો સીમિત નથી.   આમાં જ મારા બ્રહ્મચર્યનો સાચો અર્થ છે. જે ક્ષણે હું ‘સીમિત’ બની જાઉં તે જ ક્ષણે મારું આ વ્રત મિથ્યા અને અર્થહીન બની જશે. બધાને માટે હોવું  ને સૌની સેવા માટે અવેઈલેબલ બની રહેવું એ  ભગવાને બક્ષેલ પરમ વરદાન છે ને એવું વરદાન ભગવાને મારી અપાત્રતા છતાં મારા પર વરસાવ્યું છે તે માટે હું એનો ઉપકાર માનું તેટલો ઓછો. એ પુણ્ય મારાં ક્યાંથી! 
          યુવકો ને યુવતીઓ જેઓ સન્યાસી જીવનપંથ પસંદ કરે છે, ફાધર કે સિસ્ટર્સ બને છે યા બનવા ઈચ્છે છે તેમને આમાંથી પ્રેરણા મળે એવી મારી પ્રાર્થના છે. આવજો…     

 

       

 

(ફાધર વિલિયમ)

જીવનનાં ૭૫ વરસ પૂરાં કરવા બદલ માનનીય ફાધર વિલિયમ ને ખૂબ ખૂબ અભિનંદન ૧૦-૧૧-૧૨ નવેમ્બર ૧૦, ૨૦૧૨.

ભારતીય કેલેન્ડર પ્રમાણે આજે તારીખ છે ૧૦-૧૧-૧૨ અને જોગાનુજોગ આવો સંયોગ દર હજાર વરસે જ આવે. આજના જ દિવસે ગુજરાતના માનાનીય ફાધર વિલિયમ પોતાના જીવનાનાં ૭૫ વરસ પૂરાં કરે છે એ પણ અનન્ય જોગાનુજોગ છે. ઈશ્વરને પ્રાર્થના કે ફાધરને સ્વસ્થ અને દીર્ઘ આયુષ્ય બક્ષે જેથી ગુજરાતના માત્ર ખ્રિસ્તીઓ જ નહીં પણ સમગ્ર ગુજરાતી પ્રજાની સેવા કરતા રહે અને સામાજિક સંવાદિતતા પ્રસરાવતા રહે. આ પ્રસંગે વાંચો ફાધર વિલિયમનો પોતાનો સંદેશ.

 

 

આજે મારા જીવનના ૭૫ વર્ષ પુરા થાય છે. ઈશ્વર પિતાએ મને સુસ્વાસ્થ્યની અણમોલ ભેટ આપી તે બદલ એનો ખૂબ ખૂબ આભાર. એણે મને અનેક ભેટોથી જીવનમાં નવાજ્યો છે. તેમાં એક મોટી ભેટ આ છે.: બીજાઓની ધાર્મિક માન્યતાઓ પ્રતિ માન અને સન્માન. મારા હિંદુ-મુસ્લિમ બધા મિત્રોએ મારી આવી ભાવનાની વારંવાર કદર કરી છે ને મને બહુ આદર પણ આપે છે. ઈશ્વર પિતાની આ અમૂલ્ય ભેટને કારણે આજે હું ઈશ્વરનાં દર્શન ચોપાસ બધે કરી શકું છું ને એમ ઈશ્વરના દર્શનની મારી ક્ષિતિજ વિસ્તરી છે. આ કિંમતી ભેટને કારણે ગુજરાતમાં સામાજિક સંવાદિતા સર્વત્ર પ્રગટે એ માટે આરંભાયેલ અભિયાનનો હું એક હિસ્સો બની શક્યો છું ને આ. મોરારી બાપુ સાથે રહીને મારી ભૂમિકા ભજવી ઝુંબેશમાં મારું પ્રદાન કરી શકું છું. આદરણીય શ્રી મોરારી બાપુનો મને ગાઢ પરિચય થયો તેના લીધે આપણી પ્રવૃતિઓ વિષે તેમને સાચી માહિતી આપીને આપણા પ્રત્યે સદભાવના પણ પેદા કરી શક્યો છું ને તેમની સાથે મૈત્રી કેળવી છે. આ સાથે કેટલીક તસ્વીરો મૂકું છું તેમાં જેસુઈટ ફાધર રૂડી હેરેડીઆ, લેન્સ્ય લોબો, આર્ચ બીશપ સ્ટેની ફર્નાન્ડીસ, મદની શરીફ શેઠ (જમાતે ઇસ્લામ હિન્દ), સંજય-તુલા (વિશ્વગ્રામ) … ગુજરાતમાં કોમી સદભાવ પ્રગટે, પ્રસરે ને કાયમ માટે ટકી રહે એ માટે પ્રયત્નશીલ છે તે દેખાય છે. 
ફાધર વિલિયમ