Three children adopted from “Matruchhaya Orphanage” Nadiad.

અનાથનો નાથ: નડિયાદનો માતૃછાયા અનાથાશ્રમ

“બીજાની નિઃસ્વાર્થ સેવા કરવાથી સુખ પ્રાપ્તિ થાય છે. “ઉક્તિઓ લેખ કે ભાષણોમાં સારી લાગે છે પરંતુ તેની અનુભૂતિ કરતા સેવાકર્મીઓ ઓને જોવાનો લાભ નડિયાદની માતૃછાયા અનાથાશ્રમની મુલાકાત દરમ્યાન થયો. અમારા લગ્ન બાદ મારી પહેલી મુલાકત માતૃછાયાની હતી. અમે જે દીકરીની જવાબદારી લીધી હતી તેને આ જ આશ્રમમાં મૂકી હતી. આશ્રમમાં પ્રવેશતા જ એક ઘોડિયું અને બેલ  નજરે પડ્યો. જે કોઈ પોતાના બાળકને સ્વેચ્છાએ ત્યજી તેને ઉકરડા કે ઝાડી ઝાંખરામાં ન નાખે પણ માતૃછાયા આશ્રમના પ્રવેશદ્વાર ઉપર મુકેલ ઘોડિયામાં મુકે અને બેલ વગાડી ચાલ્યા જાય તો આવા બાળકનો યોગ્ય ઉછેર કરી શકાઈ તેવો ઉદેશ હતો.

સિસ્ટર નિર્મળાએ અમને માતૃછાયાની મુલાકાત કરાવી ત્યારે હૈયું દ્રવી ઉઠ્યું. સારવાર કક્ષમાં એક ૧૪ વર્ષની દીકરી બ્રેન સ્ટોકને કારણે અર્ધમૃત હાલતમાં વેન્ટીલેટરના સહારે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતી હતી. તે છેલ્લા ૨ વર્ષથી આજ અવસ્થામાં હતી પરંતુ સેવાભાવી સિસ્ટરો તેને નવજીવન આપવા સતત સઘર્ષ કરી રહ્યા હતા. આખો આશ્રમ બાળકોની કીકીયારીઓથી જીવંત પરંતુ ઠેકઠેકાણે વેદનાઓ પણ ડોકિયા કરે. એક અજંપા સાથે અમે ૩ કલાક આ આશ્રમમાં વિતાવ્યા. આ બાળકો શાળામાં ભણવા જાય અને કોલેજ પણ કરે. અમે એક દિવસ માટે આ બાળકોને ખંભાતના પ્રસિદ્ધ હલવાસન-સુતરફેણી અને પાપડનું ચવાણું લંચ બોક્સમાં મૂકી આપ્યું. આ બાળકો કોના વાંકે અને પાપે આ આશ્રમમાં છે?

ઉકરડામાંથી તો ક્યારેક ઝાડી ઝાંખરામાંથી, ક્યારેક ટ્રેનમાંથી તો ક્યારેક બજારમાંથી મળી આવતાં બાળકો. તેમના માતા- પિતા, પરિવારથી સાવ અજાણ. જોકે આ અનાથ બાળકો પણ પોતાનું નસીબ તો લઇને જ આવ્યા હોય છે. ભલે માતા-પિતા-પરિવારે ત્યજી દીધા પણ સહેજ પણ તકલીફ વગર આશ્રમના ખુશનુમા વાતાવરણમાં વર્ષો પસાર કર્યા બાદ તેમની નિયતી એમના જીવનમાં અનોખો બદલાવ લાવે જ છે, અને આ બાળકોને પરીવાર મળે છે.

અનાથ બાળક… આ શબ્દ આવે એટલે કે ક્ષણભરમાં અનેક વિચારો વિજ વેગે મગજમાં પસાર થાય છે. સામાન્ય રીતે અનાથ બાળકોને દયાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જોકે અન્ય બાળકોની જેમ જ આ બાળકો પણ પોતાનું નસીબ લખાવીને જ આવ્યા હોય છે. ભલે જીવનના અમૂક વર્ષો કે દિવસો તેમણે મુશ્કેલીમાં પસાર કર્યા હોય પરંતુ માતૃછાયા અનાથ આશ્રમમાં આવ્યા બાદ આ બાળકો ખૂબજ સુરક્ષીત અને સુંદર વાતાવરણમાં રહે છે. જેને કારણે આ બાળકોનો વિકાસ ખૂબજ સારો થાય છે. આ બાળકોને અભ્યાસની સાથે સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારના આદેશ મુજબ બાળકોને દેશ તેમજ વિદેશમાં દત્તક પણ આપવામાં આવે છે.

Below video from TV9 Gujarati

ઘર, પરિવાર વગર, ઓળખ વગર અનાથ આશ્રમમાં આવનારા બાળકને જ્યારે માતા-પિતાનું નામ, પરીવાર, ઓળખ મળે છે ત્યારે એ તેની ખુશનસીબી હોય છે. આવા જ ત્રણ ભાગ્યશાળી બાળકો કે જેઓ માતૃછાયા અનાથ આશ્રમ પરિવારના સભ્ય હતા.માતૃછાયા અનાથ આશ્રમની બે દીકરીઓ અને એક દીકરાને દત્તક આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કલેક્ટર ડો. કુલદીપ આર્ય અને તેમના પત્નીના હસ્તે ત્રણેય બાળકો તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. આશ્રમના સિસ્ટર્સ બાળકોને સારૂ ઘર પરિવાર મળી રહ્યું છે, તેના આનંદની સાથે સાથે એક ઋણાનુબંધ સાથેનું જોડાણ તૂટવાની ક્ષણોને અનુભવી રહ્યા હતા. જ્યારે માતા-પિતા બાળક મળ્યાથી પોતાનો પરિવાર પૂર્ણ થયાનો આનંદ અનુભવી ભાવુક બન્યા હતા. આ ક્ષણ દરમિયાન ખુદ જિલ્લા કલેક્ટર અને તેમના પત્ની પણ ભાવવિભોર બની ગયા હતા.

Below video from Divaya Bhaskar

૧૧ માસના માસુમ રિયાંશને જે પરિવારે દત્તક લીધો છે તે પરિવાર ઇટાલીના માલ્ટાનો છે. ફ્રાન્સિસ કાસાર અને વિન્સેન્ટ કાસારના લગ્ન ૨૦ વર્ષ અગાઉ થયા હતા. જોકે સંતાન સુખ ન હોઇ તેઓએ પણ એક મિત્રની મદદથી જ આ એડોપ્શન પ્રોસેસ પૂર્ણ કરી હતી. વિન્સેન્ટ ગૃહિણી છે જ્યારે ફ્રાન્સિસ નોકરી કરે છે.

મૂળ તમિલનાડુના અને કુવૈતમાં સ્થાયી થયેલા ગ્લેડવીન જોસેફ ધર્મરાજા અને શીલા થનકાકાનેના લગ્ન ૧૩ વર્ષ અગાઉ થયા હતા. જોકે તેમને કુદરતે સંતાન સુખ ન આપતાં તેમણે બાળક દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો અને એક મિત્રની મદદથી માતૃછાયા અનાથ આશ્રમનો સંપર્ક કર્યો હતો. પોતાની લાગણી વ્યક્ત કરતાં શીલાએ જણાવ્યું હતું કે, મનથી એટલીજ પ્રાર્થના છે કે વિશ્વમાં ક્યાંય કોઇ બાળક અનાથ ન રહે. બંને દીકરીઓ સાથે આજથી અમારા જીવનની એક નવી શરૂઆત થાય જેથી અમે ઉત્સાહિત છીએ.

માતૃછાયા અનાથ આશ્રમ દ્વારા વર્ષ ૧૯૯૬ થી અત્યાર સુધીમાં દેશ – વિદેશમાં ૯૮૦ બાળકોને દત્તક આપવામાં આવ્યા છે. અનાથ આશ્રમની બે દીકરીઓ કુવૈત , જ્યારે દીકરો ઇટાલીના માઇલ્ટા લઇ જવા આજે પરિવાર જનો   બાળકોને દત્તક લીીધીઆ  છે તેઓ દરરોજ આ બાળકો સાથે વાતચીત કરતા હતા, બાળકો પણ ખૂબજ આત્મીયતાથી તેમના વાલીઓ સાથે ભળી ગયા છે અને મમ્મી – પપ્પા પાસે જવાનું છે તેને લઇને ભારે ઉત્સાહીત જોવા મલ્યા હતા. અનાથ આશ્રમમાંથી ગયા બાદ પણ આ બાળકોની યોગ્ય સંભાળ લેવામાં આવી રહી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. હાલમાં તો બાળકોના એડોપ્શનને લઇને અનાથ આશ્રમમાં ખૂશી પણ છે અને પોતાના સંતાનોની જેમ જેમનું જતન કર્યું છે તે બાળકોથી વિખુટા પડવાનું દુ:ખ પણ છે.

સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરીટી તમામ પ્રક્રિયા થાય છે

માતૃછાયા અનાથ આશ્રમમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયા સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરીટી દ્વારા બાળકને દત્તક આપવાની પ્રક્રિયા કરે છે. જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ મુજબ ગુજરાત ગવર્મેન્ટના સામાજીક ન્યાય અને અધિકારીતા દ્વારા દેશ-પરદેશમાં બાળક દત્તક આપવાની પરવાનગી આપવામાં આવી છે. જે પરિવાર બાળક દત્તક લેવા ઇચ્છતા હોય તેમણે ભારત સરકારની વેબસાઇટ www.cara.nic.in ઉપર રજીસ્ટર કરવાનું હોય છે, જ્યારબાદ સરકાર દ્વારા પ્રોસિજર પૂર્ણ કરી તેનો રિપોર્ટ પણ સરકારને આપવાનો હોય છે.

૧૯૯૬ થી અત્યાર સુધીમાં ૯૮૦ બાળકોનું એડોપ્શન

– દેશમાં: ૮૯૬ બાળકો દત્તક અપાયાં

– એન.આર.આઇ. પરિવારમાં: ૩૧ બાળકોને દત્તક અપાયાં

– વિદેશી પરિવારમાં: ૫૩ બાળકોને દત્તક અપાયા

 –શૈલેષ રાઠોડ”અભિધેય”

https://www.facebook.com/shaileshrathodkhambhat

મો-૯૮૨૫૪૪૨૯૯૧

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.