વડોદરા સ્થિત ‘રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદન” ના ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન.

 

વડોદરા સ્થિત “રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદને” ઓક્ટોબર ૨૮, ૨૦૧૨ રવિવારના રોજ અત્રેની પ્રાથમિક શાળામાં એક નિઃશુલ્ક જનરલ મેડીકલ તપાસ તથા ડાયાબીટીસ કેમ્પનું આયોજન કરેલ. આરંભમાં, અત્રેના સંત જોસેફ દેવાલયના ધર્મગુરૂ ફા. લુકાસ એસ. જે. એ પ્રાર્થના સાથે આશીર્વચન પાઠવ્યાં હતાં. પ્રાર્થના બાદ, એક નાના સમારંભમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી સ્મિતા મેકવાને પોતાના વકતવ્યમાં સંસ્થાની સ્થાપના, ધ્યેય અને ભાવિ કાર્યક્રમોની રૂપરેખા અંગે વાતચીત કરી હતી. આર્થિક રીતે પછાત એવા વિસ્તારો આવરી લેતા આ કેમ્પમાં ૨૫૦ જેટલા જરૂરિયાતમંદ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. લાભાર્થીઓને મફત તબીબી નિદાન ઉપરાંત ડાયાબીટીસની મફત તપાસ અને દવાઓનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત આણંદના શ્રી. કનુભાઈ પરમારે, સંસ્થા આગામી વર્ષોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. પુર્ણાહુતિ સમયે, સભાપુરોહિત ફા. જયંત રાઠોડે તબીબો તથા સ્વયંસેવકોને સેવાની કદરરૂપે પ્રમાણપત્ર એનાયત કર્યાં હતાં.
સમાચાર: શ્રી. બકુલ મેકવાન, વડોદરા.

 

 

One thought on “વડોદરા સ્થિત ‘રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદન” ના ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન.”

  1. આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. અને આ કાર્યક્રમમાં મેડિકલ પ્રોફેશનલ લોકોએ આપેલી પોતાની નિઃશુલ્ક સેવા બદલ તેઓ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે.

Comments are closed.