‘શ્વેતા’ ગુજરાતી લઘુ-નવલ – શ્રી. પ્રવીણ શાસ્ત્રી, ન્યુ જર્સી

લેખક શ્રી. પ્રવીણ શાસ્ત્રી સાથે ગુજરાત દર્પણ માસિકના તંત્રી શ્રી. સુભાષ શાહ

‘શ્વેતા’


એક સમૃધ્ધ અને સંસ્કારી કુટ્મ્બની સુશિક્ષિત પુત્રવધૂ. ?
શું એ કુંવારકા છે?…… સધવા કે વિધવા છે?……. એ પ્રણયપ્યાસી શ્વેતા કોનો પ્રેમ પામશે?
પરાણે પરણવેલા પતિ અક્ષયનો? … …..…ડાર્ક, ટોલ અને હેન્ડસમ કેપ્ટન મલ્હોત્રાનો?….. ઓન્કોલોજિસ્ટ ડોકટર રાજુનો?….. આકર્ષક યુવાન નિકુળનો કે પછી એસ.આર.એસ સર્જન ડોક્ટર ડોક્ટર આદિત્યનો?
એસ.આર.એસ સર્જરી એટલે શું?
પોતાના પુરુષાર્થ અને બુધ્ધિબળથી સંપત્તિવાન બનેલા સુંદરલાલ શેઠને
અક્ષય અને આદિત્ય સાથે શું સંબંધ?
દેશ વિદેશના વિશાળ ફલક પર અજ્ઞાત દિશામાં વળાંકો લેતી ઘટનાત્મક અને આઘૂનિક નવલકથા એક સોપ ઓપેરા છે.
પુરી વાંચ્યા પછી જ એ વાચકોના હાથમાંથી નીચે મુકાશે એની ખાત્રી છે.
વસાવો…વાંચો… અને મિત્રોને વંચાવો
વાર્તાકાર પ્રવીણ શાસ્ત્રીની વહેતી વારતા “શ્વેતા”.
અથવા
સુખી, સમૃદ્ધ પરિવારમાં આનંદમય ભાવિનાં સ્વપ્ન આખમાં આંજી પ્રવેશેલી નવવધૂના અરમાનો પર થતો કુઠારાઘાત, છકેલા અને વંઠેલા પતિ સામે અકલ્પ્ય મનોબળથી ઝઝમતી નવવધૂ અને સંસ્કારરત પરિવારનું સાંપડ્તું સમર્થન વાચકને નિરાશા વચ્ચે પણ આશ્વસ્ત રાખે છે. વાત વહેતી રહે છે અનેક વળાંકો સાથે, છિન્નભિન્ન જીવન ગોઠવાતું લાગે ત્યાં તો નાયિકાના મનોરથ પર પ્રસંગચક્ર ફરી એકવાર ફરી વળે. વિધિનું વૈચિત્ર્ય નિકુળને જાતિપરિવર્તનને માર્ગે વાળે અને વળી પાછી નાયિકા માટે નવી દિશા ઊઘડતી દેખાય.
આ સુખાંત પણ નવા આશ્ચર્યથી વધુ સુખદ બને અને વ્યક્તિ, પરિવાર તથા સમાજને આવરી લેતા આયોજનો સાથે વિરામ લે.

-ડૉ. હરિકૃષ્ણ જોષી. ભૂતપૂર્વ આચાર્ય (વી.ટી. ચોક્સી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, સુરત)

આજે શનિવાર, સપ્ટેમ્બર ૧૭, ૨૦૧૧ ના દિવસે “ગુજરાત દર્પણ સાહિત્ય સભા” ના ઉપક્રમે શ્રી. પ્રવીણ શાસ્ત્રીની પ્રથમ લઘુ-નવલ ‘શ્વેતા’ ના વિમોચનનો કાર્યક્રમ એડિસનના ઓક ટ્રી રોડ પર આવેલા ‘ખુશ્બુ’ ભોજનાલયમાં યોજાયો હતો. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ ના દિવસે સુરતમાં  જન્મેલા શ્રી પ્રવીણ શાસ્ત્રીએ ૧૯૫૭ માં પહેલી નવલિકા ‘પાગલની પ્રેયસીઓ’ લખી જે ‘નવવિધાન’ સામયિકમાં છપાઈ હતી. ત્યાર બાદ ૧૯૬૮ માં લંડનમાં આવ્યા પછી એક એકાંકી ‘જુલીના ચક્કરમાં લંડન’ લખ્યું અને ભજવાયું પણ ખરું. અને ૧૯૭૦ માં અમેરિકા આવી સ્થાયી થયા અને ઘર-સંસારમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે વાંચવા-લખવાની ફુરસદ મળી જ નહીં. પણ એક વખત નિવૃત્ત થયા એટલે ૭૦ વરસની ઉમરે અંદર બેઠેલો વાર્તાકાર ફરી સળવળ્યો અને “ગુજરાત દર્પણ”ના તંત્રી શ્રી સુભાષ શાહ, “તિરંગા” ના તંત્રી શ્રી નીતિન ગુર્જર અને ગુજરાત દર્પણ સાહિત્ય પરિવારના બીજા ઘણાં સભ્યોના પ્રોત્સાહન થકી એમણે ફરી ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું. અને ટૂંકી વાર્તા લખતાં લખતાં એમના મનમાં એક નવલકથાનું બીજ રોપાયું અને એક વરસની અંદર એને શબ્દોના વાઘા પહેરાવી પ્રકાશિત પણ કરી દીધી. આ પુસ્તકની પ્રસ્તાવના એમના કોલેજકાળના મિત્ર અને હાસ્યલેખક શ્રી હરનિશ જાનીએ લખી છે.

આ કાર્યક્રમનું સંચાલન શ્રી કૌશિક અમીને સંભાળ્યું હતું. આજના આ કાર્યક્રમમાં “ગુજરાત દર્પણ” ના તંત્રી શ્રી સુભાષ શાહના હસ્તે પુસ્તકનું વિમોચન (લોકાર્પણ) કરવામાં આવ્યું હતું. તો માધવી દવે દ્વારા લેખકનો પરિચય આપી કથાબીજની સુંદર છણાવટ કરી હતી. તો ડો. નીલેશ રાણાએ શ્વેતાનું વૈદ્યકીય નિદાન કરાવ્યું હતું. ડો. અમૃત હજારીએ પોતાની આગવી શૈલીમાં વહેતી વાર્તાના વળાંકો પર પ્રકાશ પાથર્યો. “તિરંગા” ના તંત્રી નીતિન ગુર્જરે એમના માસિકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓની ટૂંકી ઓળખ સાથે ધારદાર પ્રતિભાવ આપ્યો. તો એમના કૉલેજકાળના મિત્ર ઉપેન વૈદ્ય અને હરનિશ જાની તરફથી લેખક સાથેના મૈત્રી સંબંધની વાતો જાણવા મળી. શ્વેતાના ચમકારા રજૂ કરી હંસાબેન જાનીએ આખી નવલકથા ધ્યાનપૂર્વક વાંચી છે એ પુરવાર તો કર્યું પણ હાજર રહેલાને વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા.

આખા કાર્યક્રમની સર્વોત્તમ પળ મને એ લાગી જ્યારે લેખકની અમેરિકામાં જન્મેલી પૌત્રી જીનાએ પોતાના દાદાની નવલકથાનો અંગ્રેજી ભાષામાં ટૂંક સાર રજૂ કર્યો. કાર્યક્રમના અંતમાં લેખકના જીવનસંગિની યોગિનીબેને હળવી રમૂજ સાથે આ નવલકથાના પ્રકરણોના ઉદ્ભવ દરમ્યાન એમના યોગદાનની વાત કરી હતી. અને એટલેજ આ પુસ્તક એમને અર્પણ કરાયેલ હોય એમ લાગે છે. આ કાર્યક્રમમાં પ્રવીણ પટેલ ‘શશી’, ચંદ્રકાંત દેસાઈ, ભાનુભાઈ ત્રિવેદી, મોહિત સુરા, શૈલેશ ત્રિવેદી અને જગદીશ ક્રિશ્ચિયન ઉપરાંત ગુજરાત દર્પણ સાહિત્ય સભાના અન્ય સભ્યોની સાથે સાથે લેખકના પરિવારના સદસ્યો ઉપસ્થિત હતા. લેખકના પુત્ર કર્મેશ શાસ્ત્રીના આભારદર્શન બાદ શ્વેતાના લગ્નના સ્વાદિસ્ટ ભોજનનો લહાવો લઈ લેખક તરફથી સપ્રેમ મળેલી ભેટ એમની નવલકથાને બગલમાં દબાવી બધાંએ વિદાય લીધી.

લેખક શ્રી. પ્રવીણ શાસ્ત્રીને એમની આ પહેલી નવલકથા માટે ખૂબ ખૂબ અભિનંદન અને એમના લેખનનો લાભ આપણને મળતો રહે એવી અપેક્ષા.
નવલકથાની પ્રત મેળવવાનું પ્રાપ્તિ સ્થાન
ભારત – શ્રી. મહેશ ભટ્ટ – ૯૯૦-૯૪૦-૯૭૫૬ maheshg.bhatt@yahoo.com
અમેરિકા – યોગિની શાસ્ત્રી – ૭૩૨-૮૦૪-૮૦૪૫ shastripravinkant@yahoo.com
કિંમત – ભારતમાં રૂ. ૧૨૫ અમેરિકામાં $10.00.
મુદ્રક – ચિન્મય જોષી – શ્રી રંગ પ્રિન્ટર્સ સુરત – ૯૯૨-૫૫૧-૦૦૦૩ chinmayjoshi08@gmail.com

Filed under: કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.